Home> Sports
Advertisement
Prev
Next

INDvsSA: એલ્ગર-ડિ કોકની સદીની મદદથી આફ્રિકાનો સ્કોર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ

વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે આફ્રિકાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ ગુમાવી 385 રન બનાવી લીધા છે. તે હજુ ભારતના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા 117 રન પાછળ છે. 
 

  INDvsSA: એલ્ગર-ડિ કોકની સદીની મદદથી આફ્રિકાનો સ્કોર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ

વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 502 રન બનાવ્યા અને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ ગુમાવી 385 રન બનાવી લીધા છે. આફ્રિકા હજુ ભારતની પ્રથમ ઈનિંગના આધારે 117 રન પાછળ છે. દિવસની રમત બંધ રહી ત્યારે સેનુરન મુથુસામી (12) અને કેશવ મહારાજ (3) ક્રીઝ પર હતા. 

ત્રીજા દિવસે આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને ટેમ્બા બાવૂમા 18 રન પર આઉટ થયો હતો. તેને ઇશાંત શર્માએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. આફ્રિકાએ 63 રન પર ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મહેમાન ટીમના બેટ્સમેનોએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરી અને ટીમની સ્થિતિ થોડી મજબૂત થઈ હતી. એલ્ગર અને ડુ પ્લેસિસ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. એલ્ગર-ફાફે પાંચમી વિકેટ માટે 115 રન જોડ્યા. ફાફ ડુ પ્લેસિસ (55)ને અશ્વિને આઉટ કર્યો હતો. 

ત્યારબાદ ડિ કોક અને એલ્ગરે ઈનિંગ આગળ વધારી હતી. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી. ડીન એલ્ગરે ભારતમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેને જાડેજાએ આઉટ કર્યો હતો. એલ્ગર 287 બોલમાં 160 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડિ કોકે પણ પોતાની સદી પૂરી કરી હતી. તેની પણ ભારતમાં આ પ્રથમ સદી છે. ડિ કોક 163 બોલમાં 111 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ભારત તરફથી અશ્વિને પાંચ, જાડેજાએ 2, ઇશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી. 

આફ્રિકાની ખરાબ શરૂઆત
આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. એડન માર્કરમ (5)ને અશ્વિને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ડી બાર્યન (4)ને અશ્વિને સાહાને હાથે કેચ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ડેન પીટ્ડને જાડેજાએ બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી અશ્વિનને બે તથા જાડેજાને એક સફળતા મળી હતી. 

સૌથી ઓછી મેચોમાં 200 ટેસ્ટ વિકેટ ઝડપનાર ડાબા હાથનો બોલર બન્યો જાડેજા 

ભારતે 502/7 રન પર દાવ ડિકલેર કર્યો
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં સાત વિકેટના નુકસાન પર 502 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. ભારત માટે મયંક અગ્રવાલે સૌથી વધુ 215 અને રોહિત શર્માએ 176 રનનું યોગદાન આપ્યું હતું. મયંકે પોતાની ઈનિંગમાં 371 બોલનો સામનો કર્યો તો રોહિતે 244 બોલનો સામનો કર્યો હતો. બંન્નેએ પોતાની ઈનિંગમાં 23-23 ચોગ્ગા અને 6-6 છગ્ગા ફટકાર્યા હતા. મયંકે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. 

ચેતેશ્વર પૂજારા 6, વિરાટ કોહલી 20, રહાણે 15, વિહારી 10 અને સાહા 21 રન બનાવી આઉટ થયા હતા. મયંક-રોહિતે પ્રથમ વિકેટ માટે 317 રનની ભાગીદારી કરી હતી. જાડેજા 30 અને અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યાં હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ફિલાન્ડર, મુથુસામી, ડીન એલ્ગરને એક-એક સફળતા મળી હતી. 

317 રનના સ્કોર પર ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા બેવડી સદી ચુક્યો અને 176 રને આઉટ થયો હતો. રોહિતે મયંક સાથે પ્રથમ વિકેટ માટે 317 રનની ભાગીદારી કરી હતી. આ ભારત માટે ટેસ્ટમાં પ્રથમ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. પૂજારા 17 બોલનો સામનો કરી 6 રન પર આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન કોહલી પણ 20 રન બનાવી આઉટ થયો હતો. અગ્રવાલ 215 અને રહાણે 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. 

Ind vs SA: ડિ કોકે ટેસ્ટમાં ભારતમાં ફટકારી પ્રથમ સદી, તેના નામે કર્યો આ ખાસ રેકોર્ડ 

રહાણે ચોથા બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. કેશવ મહારાજે તેની વિકેટ ઝડપી હતી. રહાણેએ મયંક સાથે 54 રનની ભાગીદારી કરી હતી. અગ્રવાલને એલ્ગરે આઉટ કર્યો હતો. વિહારી પણ છગ્ગો ફટકારવાનો પ્રયાસમાં આઉટ થયો હતો. સાહા 21 રન બનાવી આઉટ થયો. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More