Home> India
Advertisement
Prev
Next

SAARC સંમેલન અંગે સુષ્માએ આપ્યો પાકિસ્તાનને સણસણતો જવાબ...

પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને પોષણ બંધ નહીં કરે ત્યાં સુધી ભારતના સાર્ક સંમેલનમાં ભાગ લેવાનો સવાલ જ પેદા થતો નથીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સાથે જ જાણો સાર્ક સંગઠન શું છે? 

SAARC સંમેલન અંગે સુષ્માએ આપ્યો પાકિસ્તાનને સણસણતો જવાબ...

હૈદરાબાદઃ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે બુધવારે જણાવ્યું કે, પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને પોષણ બંધ નહીં કરે ત્યાં સુધી ભારતના સાર્ક સંમેલનમાં ભાગ લેવાનો સવાલ જ પેદા થતો નથી. સુષમાએ આ સ્પષ્ટતા ત્યારે કરી છે જ્યારે પાકિસ્તાને જણાવ્યું કે, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (સાર્ક)ના શિખર સંમેલનમાં આમંત્રણ આપશે. 

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સ્પષ્ટ કરી દીધું કે, "કરતારપુર કોરિડોર પર થયેલી પહેલને પાકિસ્તાન સાથેની વાટાઘાટો સાથે કોઈ લેવા-દેવા નથી. આ આમંત્રણ પહેલા જ મળી ચૂક્યું છે, પરંતુ અમે અત્યાર સુધી તેનો સાકારાત્મક જવાબ આપ્યો નથી. કેમ કે, જેવું કે મેં જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ વાટાઘાટો કરવામાં આવશે નહીં અને ભારત સાર્ક સંમેલનમાં પણ ભાગ નહીં લે."

પાકિસ્તાનમાં વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા દેશના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરુદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનન ગુરુદ્વારા સાથે જોડનારા આ બહુપ્રતિક્ષિત કોરિડોરની આધારશિલા મુકવાના કેટલાક કલાક પહેલા સુષમાએ આ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન બંને દેશ વચ્ચેની વાટાઘાટોમાં મુખ્ય અડચણ છે. 

તેમણે જણાવ્યું કે, "હું પાકિસ્તાન અગાઉ પણ જઈ ચુકી છું અને વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત પણ મેં કરી હતી. ત્યાર બાદ શું થયું? પટાણકોટ અને ત્યાર બાદ ઉરી. આથી, આપણે વ્યાપક રીતે જોવું પડશે."

પાકની સકારાત્મક પ્રતિક્રિયાનો આનંદ
સુષમાએ જણાવ્યું કે, ભારત તરફથી આ કોરિડોરની પહેલાથી માગ કરવામાં આવતી હતી. જેથી ભારતીય શિખ શ્રદ્ધાળુ વિઝા વગર કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબમાં આવન-જાવન કરી શકે. પાકિસ્તાને જે પહેલ કરી છે તેનાથી આનંદ થયો છે. તેમણે સાથે જ સ્પષ્ટ કરી દીધું કે, તેનો અર્થ એ નથી કે આ પગલાથી દ્વીપક્ષીય વાટાઘાટો શરૂ થઈ જશે. આતંક અને વાટાઘાટો એકસાથે ચાલી શકે નહીં. 

19મા સાર્ક સંમેલનમાં ભારતે ભાગ લીધો ન હતો 
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારતે ઉરીમાં સૈનિકો પર હુમલાના વિરોધમાં પાકિસ્તાનમાં યોજાનારા 19મા સાર્ક સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશ, બુટાન અને અફઘાનિસ્તાને પણ તેમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. જેના કારણે આ સંમેલન યોજી શકાયું ન હતું. ત્યારથી હજુ સુધી એક પણ શિખર બેઠક યોજાઈ નથી. માલદીવ અને શ્રીલંકા સાર્કના બે અન્ય સભ્ય છે. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે (28 નવેમ્બર)ના રોજ જણાવ્યું હતું કે તેઓ સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ આપશે. સુષમા સ્વરાજે તેનો જવાબ બુધવારે તેલંગાણામાં એક ચૂંટણી પ્રચાર પહેલા કડક ભાષામાં આપ્યો હતો. 

સાર્ક (SAARC) સંગઠન શું છે? 

  • સાર્કનું પુરું નામઃ South Asian Association for Rigional Co-operation (SAARC) 
  • સંસ્થાઃ આ દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું એક આંતરસરકારી સંગઠન છે. 
  • સભ્ય દેશઃ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુટાન, ભારત, નેપાળ, માલદીવ્સ અને શ્રીલંકા
  • સ્થાપનાઃ સાર્ક સંગઠનની સ્થાપના 8 ડિસેમ્બર, 1985ના રોજ ઢાકામાં થઈ હતી. 
  • વડું મથકઃ કાઠમંડુ, નેપાળ
  • સાર્ક દેશોઃ સાર્ક સંગઠનના દેશો વિશ્વના ભૂભાગનો 3 ટકા વિસ્તાર, વિશ્વની વસતીના 21 ટકા લોકો અને વૈશ્વિક અર્થતંત્રમાં 3.8 ટકાની હિસ્સેદારી ધરાવે છે. 
  • GDP : 11.64 ટ્રિલિયન અમેરિકન ડોલર (2017)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More