Home> India
Advertisement
Prev
Next

BJPનું બંગાળ પર આટલુ ફોકસ કેમ વધી ગયું? મમતા બેનરજી ગુસ્સામાં શાં માટે?

કોલકાતા પોલીસ કમિશનરના ઘર પર સીબીઆઈની દસ્તક બાદ તેમની સાથે ધરણા પર બેસી ગયેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ સમગ્ર ઘટનાક્રમને મોટો રાજકીય રંગ આપી દેતા તેને રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર એટલે કે દીદી વિરુદ્ધ ભાજપ બનાવી દીધો છે.

BJPનું બંગાળ પર આટલુ ફોકસ કેમ વધી ગયું? મમતા બેનરજી ગુસ્સામાં શાં માટે?

નવી દિલ્હી: કોલકાતા પોલીસ કમિશનરના ઘર પર સીબીઆઈની દસ્તક બાદ તેમની સાથે ધરણા પર બેસી ગયેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ સમગ્ર ઘટનાક્રમને મોટો રાજકીય રંગ આપી દેતા તેને રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર એટલે કે દીદી વિરુદ્ધ ભાજપ બનાવી દીધો છે. તેની બરાબર પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની સરહદ નજીક ઠાકુરનગરમાં એક મોટી રેલી કરીને બંગાળમાં ભાજપના લોકસભા અભિયાનની શરૂઆત કરી હતી. 

તે અગાઉ ગત મહિને મમતા બેનરજીના નેતૃત્વમાં કોલકાતામાં 23 વિરોધ પક્ષોએ એક મંચ પર એકજૂથ થઈને ભાજપ વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યુ હતું. આ બધા વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સતત એમ કહી રહ્યાં હતાં કે આ વખતે ભાજપ બંગાળમાં 20થી વધુ સીટો જીતશે. આ આખા ઘટનાક્રમ બાદ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોઈએ તો સમજમાં આવશે કે હકીકતમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને માટે આ વખતે બંગાળ ખુબ જ મહત્વનું સાબિત થશે. શાં માટે? જાણો આ મહત્વના મુદ્દાઓ....

1. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. સીટોને ધ્યાનમાં લેતા યુપી (80), મહારાષ્ટ્ર ( 48) અને ત્યારબાદ બંગાળનો નંબર ત્રીજો છે. ગત વરખતે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં 42માંથી 34 બેઠકો જીતી હતી. આ જ કારણે ટીએમસી લોકસભામાં ચોથો સૌથી મોટો પક્ષ બનીને ઉભરી હતી. 2019માં જો તૃણમૂલ કોંગ્રેસ તેના કરતા પણ સારું પ્રદર્શન કરે તો સત્તામાં આવવાની સ્થિતિમાં વિપક્ષી મહાગઠબંધન તરફથી મમતા બેનર્જીની વડાપ્રધાન પદ માટેની દાવેદારી મજબુત બની શકે છે. 

2. ભાજપને 2014ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ફક્ત બે સીટો દાર્જિલિંગ અને આસનસોલ મળી હતી. પરંતુ પહેલીવાર રાજ્યમાં પાર્ટીને 17 ટકા મતો મળ્યાં. તે અગાઉ 2009ની ચૂંટણીમાં ભાજપને માત્ર 6 ટકા મતો મળ્યા હતાં. ત્યારબાદથી જ ભાજપ સતત બંગાળમાં પોતાના મૂળિયા મજબુત કરવાની કોશિશમાં છે. પાર્ટીની પૂરેપૂરી કોશિશ છે કે ડાબેરીઓ અને કોંગ્રેસને પછાડીને તૃણમૂલ કોંગ્રેસ સામે મુખ્ય વિરોધી પક્ષ બને. 2014ની ચૂંટણીમાં લેફ્ટને 30 ટકા મતો અને  કોંગ્રેસને 10 ટકા મતો મળ્યા હતાં. 

3. યુપીમાં સપા-બસપા ગઠબંધન થયું છે અને 3 હિંદી ભાષી રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ હવે ભાજપ બિન હિંદી ભાષી વિસ્તારોમાં પોતાની પકડ મજબુત કરવાના પ્રયત્નોમાં છે. આથી લોકસભા બેઠકોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર બાદ તેમની નજર બંગાળ પર છે. યુપીમાં ગત વખતે ભાજપને અપના દળ સાથે મળીને 73 બેઠકો મળી હતી અને આ રીતે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને સૌથી વધુ સફળતા મળી હતી. હવે ભાજપને એવુ લાગી રહ્યું છે કે જો ઉત્તર ભારતમાં તેમને મહાગઠબંધનના કારણે નુકસાન થાય તો બંગાળ જેવા રાજ્યોથી તે કસર પૂરી કરી શકાય છે. આથી ભાજપ બંગાળ પર ફોકસ કરી રહ્યો છે. 

4. ગત વર્ષે ઉલૂબેરિયા પેટાચૂંટણીમાં ભાજપ, માકપા (સીપીએમ)ને પછાડીને બીજા સ્થાને હતો. ત્યારબાદ મે 2018ની પંચાયત ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસે 34 ટકા બેઠકો નિર્વિરોધ જીતી હતી. આલોચકોનો કહેવું છે કે તૃણમૂલ કાર્યકર્તાઓએ વિરોધીઓને ઊભા ન રહેવા દીધા કે પછી મત ન આપવા દીધા. આ જ કારણે તૃણમૂલની છબીને ધક્કો લાગ્યો છે અને ભાજપ આવા મતદારોને પોતાના તરફ લુભાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 

5. નાગરિકતા (સંશોધન) બિલ આ બધા વચ્ચે લોકસભા ચૂંટણી દરમિયાન બંગાળમાં મોટો મુદ્દો બનવાનો છે. બાંગ્લાદેશથી આવનારા હિંદુ પ્રવાસીઓ સહિત અનેક સમુદાયોને નાગરિકતાના મુદ્દે રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ભાજપ આ વર્ગોને સાધીને બંગાળમાં પોતાના મૂળિયા મજબુત કરવા માંગે છે. કદાચ તે જ કારણે ભાજપના વધતા કદને જોતા મમતા બેનર્જીએ હવે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડી દીધો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More