Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણના પ્રોફેસરની કમાલ! બટાટાના સ્ટાર્ચ માંથી બનાવ્યું દેશનું સૌપ્રથમ બાયો પ્લાસ્ટિક

Bio Plastic: દેશભરમાં સૌપ્રથમ બટાટાના સ્ટાર્ચ માંથી ઉચ્ચ ક્વોલિટીવાળું બાયો પ્લાસ્ટિક બનાવવાનો પ્રયોગ સફળ. પ્રોફેસરની ટીમ દ્વારા હવે બાયો પ્લાસ્ટિકમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવવાનું શરૂ કરાશે. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાના ભાગ રૂપે બાયો પ્લાસ્ટિક બનાવવા પ્રોજેક્ટ અપાતા 8 માસથી સંશોધન ચાલી રહ્યું હતું. પાટણના પ્રોફેસરે પાણીમાં 3 દિવસ અને જમીનમાં 7 દિવસમાં જ નાસ પામતું બાયો પ્લાસ્ટીક બનાવ્યું.

પાટણના પ્રોફેસરની કમાલ! બટાટાના સ્ટાર્ચ માંથી બનાવ્યું દેશનું સૌપ્રથમ બાયો પ્લાસ્ટિક

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ પાટણમાં લાઇફ સાયન્સના એક્સપર્ટ પ્રો.ડૉ.આશિષ પટેલની ટીમ 8 મહિનાના સંશોધન બાદ બટાટાના સ્ટાર્ચ માંથી બાયો પ્લાસ્ટિક બનાવવામાં સફળ  રહી છે.આ બાયો પ્લાસ્ટિક પાણીમાં ત્રણ દિવસમાં અને જમીનમાં 7 દિવસમાં જ નાશ પામશે. ટીમ દ્વારા સંશોધન સફળ રહેતા હવે આગામી સમયમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે જીવન જરૂરિયાત ઉપયોગી વસ્તુઓ બાયો પ્લાસ્ટિક માંથી બનાવવાની કામગીરી પર કામ કરશે.

વિશ્વમાં વધતા પ્લાસ્ટીક પ્રદૂષણથી પર્યાવરણ અને માનવ જાતિ માટે ભવિષ્યમાં થનાર ભયંકર આડઅસરને ધ્યાનમાં લઈ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે બાયો ડિ-ગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન તરફથી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના પ્રો.ડૉ.આશિષ પટેલને બટાટાના સ્ટાર્ચ માંથી બાયો પ્લાસ્ટિક બનાવવા માટે એપ્રિલ 2022 માં અંદાજે 47 લાખ રૂપિયાના અનુદાન સાથે પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટમાં ડૉ.આશિષ પટેલ તેમજ રિસર્ચ ટીમમાં  શિખા પટેલ , અવનિ ઠકકર , રજત પટેલ , માર્ગી પટેલ ,  પટેલ ભક્તિ , ચૌધરી જયમીના , પટેલ શ્રેયા , પટેલ વિધિ , પટેલ વિદ્યા મળી 10 લોકોની ટીમ દ્વારા છેલ્લા આઠ મહિનાથી વિવિધ અભ્યાસ અને પ્રયોગો કરી અંતે બટાટાના સ્ટાર્ચ માંથી બાયો પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે.તેમનું આ સંશોધન સફળ થતા આંતરરાષ્ટ્રીય કક્ષાની સુપ્રસિદ્ધ જર્નલ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર 18 ઓગસ્ટ 2022 માં પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યું છે.જેને નિષ્ણાતો દ્વારા ઉત્તમ ગણાવ્યું છે.

આ રીતે બન્યું બટાટાના સ્ટાર્ચ માંથી બાયો પ્લાસ્ટિક :
સ્ટેપ 1 - બનાસકાંઠાના ડીસા વિસ્તારમાંથી બટેટા મેળવી તેમાંથી સ્ટાર્ચ કાઢવામાં આવ્યો 
સ્ટેપ 2 - પ્લાસ્ટિસાઈઝરના કોમ્બિનેશન ગ્લિસરોલ અને સોરબીટોલ ઉમેરાયા 
સ્ટેપ 3 - બાયો પ્લાસ્ટિકની ફિલ્મ બનાવી 
સ્ટેપ 4 - રેગ્યુલર પ્લાસ્ટિક સાથે સરખામણી કરીને મોઈસચર કન્ટેન્ટ , થીકનેશ , ડેન્સિટી અને ટેનસાઈલ સ્ટ્રેન્થ જેવા પરિબળોની સરખામણી યોગ્ય રહી. 
સ્ટેપ 5 - FTIR , SEM , TGA અને XRD જેવા મશીનોની મદદથી ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરાયું 
સ્ટેપ 6 - બાયો પ્લાસ્ટીક પાણીની અંદર અને જમીનની અંદર તેનો નાશ થાય છે કે કેમ અને કેટલો સમય લાગે તેનું પરીક્ષણ કરાયું
સ્ટેપ 7 -  નિરીક્ષણ અને પરીક્ષણ સફળ રહેતા પ્લાસ્ટિક તૈયાર થયું..

બાયો પ્લાસ્ટીકના ત્રણ મોટા ફાયદા થશે : 
-  બટાટાનો બાયો પ્લાસ્ટિક બનાવવામાં ઉપયોગ થશે તેનાથી દેશમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન કરતા ડીસાના ખેડૂતોને ભાવ ઊંચા મળશે.

- દેશમાં હાલમાં બાયો પ્લાસ્ટિક બનાવવા માટે ચાઇના થી કાચા માલની આયાત કરવી પડતી હોય તે બંધ થતાં દેશમાં આર્થિક સધ્ધરતા આવશે.

- બાયો પ્લાસ્ટિક વધુમાં વધુ સાત દિવસમાં જ નાશ પામતું હોય પ્લાસ્ટિક પ્રદૂષણ અટકશે.

દુનિયામાં દર વર્ષે 1.50 લાખ કિલો પ્લાસ્ટિકનો કચરો નીકળતો હોય બાયો પ્લાસ્ટિક ભવિષ્ય માટે જરૂરી  :
દુનિયામાં અત્યારે દરેક વસ્તુઓમાં પ્લાસ્ટિકનો વપરાશ વધુ હોય દર વર્ષે 150 મેટ્રિક ટન એટલે 1.50 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો નીકળે છે. એક સર્વેના અંદાજ મુજબ 2050 સુધીમાં આ કચરો વધીને  7 કરોડ 61 લાખ કિલો પહોંચવાનો  અંદાજ છે. જેથી તેના વિકલ્પ સ્વરૂપે પર્યાવરણ અને માનવ જાતિને સુરક્ષિત રાખવા માટે બાયો ડિગ્રેડબલ પ્લાસ્ટિક ભવિષ્યમાં વિકલ્પ બનશે.

સૌથી વધુ વપરાશ પ્લાસ્ટિકની બોટલ, કોથળી તેમજ પેકિંગ મટીરીયલનો હોય સૌ પ્રથમ બનાવશું : ડૉ.આશિષ પટેલ
જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સૌથી વધુ પ્લાસ્ટિકની બોટલ અને કોથળી તેમજ પેકિંગ મટીરીયલ વપરાય છે.જેથી સૌપ્રથમ આ વસ્તુઓ બાયો પ્લાસ્ટિક થી બનાવવા માટે કામ કરીશું.અંદાજે એક વર્ષ જેટલો સમય આમાં લાગશે.તેમજ સમાજને સુરક્ષિત રાખવા પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે બાયો ડીગ્રેડબલ પ્લાસ્ટિક ભવિષ્યમાં અત્યંત આવશ્યક હોય આ ક્ષેત્રે મારું વધુ સંશોધન ચાલુ રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More