Home> Gujarat
Advertisement
Prev
Next

કોર્ટ લાલઘૂમ! 'અધિકારીઓ AC ઓફિસમાં બેસી, મગજ બંધ કરી સિંહોનાં મોતની તપાસ કરતા લાગે છે'

જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ પોતાના કામમાં પુરતું ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન.

કોર્ટ લાલઘૂમ! 'અધિકારીઓ AC ઓફિસમાં બેસી, મગજ બંધ કરી સિંહોનાં મોતની તપાસ કરતા લાગે છે'
  • જાહેર હિતની અરજી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠ ટકોર
  • ગીરમાં સિંહોના મૃત્યુ મુદ્દે  ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ
  • AC ઓફિસમાં બેસીને કામ કરતા અધિકારીઓ પર કોર્ટ લાલ ઘુમ
  • સિંહોના મોત મુદ્દે રેલવે ઓથોરિટી અને વન વિભાગના ખુલાસાથી કોર્ટને અસંતોષ
  • રિપોર્ટમાં સિંહોના મૃત્યુ કેમ અને ક્યા કારણથી થયા એ નથી સ્પષ્ટ
  • સિંહોના મોત મામલે વનવિભાગ અને રેલવે ઓથોરીટીના ખુલાસાથી હાઈકોર્ટ નારાજ
  • સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન
  • એક જ મહિનામાં ત્રણ સિંહની માત છતા વન કે રેલવે વિભાગે યોગ્ય તપાસ કરી જ નથી

Lions of Gujarat: અકસ્માતમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છેકે, તે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલાં તપાસ રિપોર્ટથી અસંતુષ્ટ છે. અધિકારીઓની તપાસ માત્ર નામ પુરતી જ હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે. ઉલ્લેખનીય છેકે, ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોનાં મોતને લઈ હાઈકોર્ટે માંગેલા ઇન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં વનવિભાગ અને રેલ્વે ઓથોરીટી દ્વારા ખુલાસા અને જવાબથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યકત કર્યો હતો.

રિપોર્ટ અંગે ચીફ જસ્ટિસની ખંડપીઠની ટકોરઃ
રિપોર્ટ અંગે ચીફ જસ્ટિસની ખંડપીઠે ટકોર કરી હતી કે, એક જ મહિનામાં ત્રણ સિંહોના ટ્રેન અકસ્માતમાં મૃત્યુની ઘટના નોંધાવા છતાં તેની ગંભીરતા ધ્યાને લીધા વિના રેલવે ઓથોરિટી કે વનવિભાગે યોગ્ય તપાસ કરી નથી. અધિકારીઓએ જાતે કોઈ જ પગલાં લીધા નથી. ઉચ્ચ અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફ્સિમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વિના કામ કરતાં હોય તેમ જણાય છે. હાઇકોર્ટે આ સમગ મામલે હવે રેલ્વે વિભાગ અને વન વિભાગના સેક્રેટરીના વડપણ હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિ નીમી તપાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી. સિંહોનાં મોત મામલે હાઇકોર્ટે માંગેલા ઈન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં રેલ્વે અને વન વિભાગ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો.  

જો કે, હાઇકોર્ટે આ તપાસ અહેવાલને અસ્પષ્ટ અને ઢાંકપિછોડાના પ્રયાસ સમાન ગણાવ્યો હતો. સત્તાવાળાઓ દ્વારા રિપોર્ટમાં જણાવાયું કે, સિંહોના મોત મામલે ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને એક સિંહ ટ્રેકરને નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે. જેથી હાઈકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઈ અર્થ નથી. વાસ્તવમાં આ મામલામાં ઉચ્ચ અધિકારીઓની પણ એટલીજ જવાબદારી બને છે. શિસ્ત સંબંધી પગલાં નહી, સિંહોનાં મોત થયા તે પાછળ અકસ્માતના કયા કારણો છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટેના પગલાંની વાત રજૂ કરવાની હોય. તમે રમત રમી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે, રિપોર્ટમાં સિંહોના મોત કેમ થયા અને કયા કારણ કે પરિબળ તેમાં જવાબદાર છે તે સ્પષ્ટ થતુ નથી.

રેલવે વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવઃ
હાઇકોર્ટે ડિવીઝનલ રેલ્વે મેનેજરને ગીર જંગલ વિસ્તારમાં ખાસ કરીને રેલવે ટ્રેક પરની વનસ્પતિઓ દૂર કરવા અને ફેન્સિંગ રિપેર કરવા હુકમ કર્યો હતો. દરમિયાન કોર્ટ સહાય હેમાંગ શાહે અદાલતનું ધ્યાન દોર્યુ હતું કે, સત્તાવાળાઓના જવાબમાં સિંહોના મોત મામલે કોઇ ચોક્કસ સ્પષ્ટતા કે જવાબ રજૂ થયો નથી. ખરેખર તો સિંહોના મોત અટકાવવા અને મવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેવી યોજના અમલી બનાવવાની છે પરંતુ રેલ્વે વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ વર્તાય છે, તેના કારણે કોઇ સ્પષ્ટ આયોજન સામે આવતું નથી. રેલ્વે ઓથોરિટીના સોગંદનામાંમાં જ જણાવાયું છે કે, સિંહોની હલચલ અંગે વન વિભાગ તરફથી તેમને કોઇ માહિતી કે ઇનપુટ્સ આપવામાં આવ્યા ન હતા. આમ, બંને વિભાગ વચ્ચે સંકલનનો બિલકુલ અભાવ છે. હાઇકોર્ટે આ વાતની ગંભીર નોંધ લીધી હતી.

સિંહોની સુરક્ષા અને તેમનું સંવર્ધન જરૂરીઃ કોર્ટ સહાયક
કોર્ટ સહાયકે અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, અગાઉ સત્તાવાળાઓની ઓગસ્ટ-૨૦૨૩ની બેઠકમાં ટ્રેનની સ્પીડ ૨૦ કિમી રાખવાની વાત હતી પરંતુ તાજેતરમાં જે નવી એસઓપી રેલ્વે ઓથોરીટી દ્વારા જારી કરવામાં આવી છે, તેમાં ટ્રેનની સ્પીડ ૩૦ ૪૦ કિમી રાખવાની વાત કરી છે. તો આ તો ટ્રેનની સ્પીડ ઉલ્ટાની ડબલ કરી દેવાઇ છે. ટ્રેનની વાસ્તવિક સ્પીડ અંગે કોઈ જ ફોડ પાડવામાં આવતો નથી. વળી, અમરેલી-ખીજડીયા વચ્ચેના માત્ર ૧૬ કિલોમીટર છે અને તેના બ્રોડગેજ પ્રોજેકટ પાછળ સત્તાવાળાઓ રૃ.૧૭૩ કરોડથી વધુનો ખર્ચ કરવા જઇ રહી છે. તેનાથી કંઇ વળવાનું નથી. સિંહના જે ત્રણ અકસ્માતો થયા તે પીપાવા લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેક પર થયા છે, જે બ્રોડગેજના છે, તેમ અકસ્માતો અટકાવવાના પગલાં લેવાવા જરૃરી છે. બિનજરૂરી બ્રોડગેજ લાઇન રૃપાંતરિત કરવાનો કોઇ અર્થ નથી. સિંહોન અને તેમનું સંવર્ધન જરૂરી છે. બીજી બાબતો ગૌણ બની જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More