Home> World
Advertisement
Prev
Next

પુતિન ભરાયા! રશિયાની રાજધાની મોસ્કો સુધી પહોંચ્યા વૈગનર, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ

પ્રીગોઝિને રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઇગૂ પર યુક્રેનમાં વૈગનર ગ્રુપની આધાર શિબિર પર રોકેટ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યાં તેના લડાકા રશિયા તરફથી યુક્રેની સેના સામે લડી રહ્યાં હતા. 
 

પુતિન ભરાયા! રશિયાની રાજધાની મોસ્કો સુધી પહોંચ્યા વૈગનર, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ

મોસ્કોઃ રશિયામાં વેગનર જૂથના વડા યેવગેની પ્રિગોઝિને બળવાની જાહેરાત કરી છે. પ્રિગોઝિને રોસ્ટોવમાં રશિયન આર્મીના સધર્ન મિલિટરી હેડક્વાર્ટરને કબજે કરવાનો દાવો કર્યો હતો. પ્રિગોઝિને પોતે રોસ્ટોવમાં રશિયન આર્મી હેડક્વાર્ટરની અંદર હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશને સંબોધનમાં દેશદ્રોહનો આરોપ લગાવતા કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વેગનર ફાઇટર મોસ્કો તરફ આગળ વધી રહ્યા છે. આ કારણે મોસ્કો તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન, મોસ્કોમાં આતંકવાદ વિરોધી સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

વેગનર વિદ્રોહીઓ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા
રશિયન સેનાના વિરોધ છતાં વેગનર વિદ્રોહી રાજધાની મોસ્કો સુધી પહોંચી ગયા છે. બીબીસીના અહેવાલ મુજબ વેગનરનો 25,000 સૈનિકોનો કાફલો મોસ્કોના દક્ષિણમાં પહોંચી ગયો છે. બળવાખોરો M4 હાઇવે પર આગળ વધી રહ્યા છે જે વોરોનેઝ અને મોસ્કોને જોડે છે. આ બે શહેરોની વચ્ચે લિપેટ્સક શહેર આવેલું છે. લિપેટ્સકના ગવર્નરે લોકોને તેમના ઘરોમાં રહેવા કહ્યું છે. તમામ બસ સેવાઓ રદ કરવામાં આવી છે. આ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે.

રશિયન સેનાએ વેગનર વિદ્રોહીઓ પર બોમ્બમારો કર્યો, પુતિન રાષ્ટ્રપતિ ભવનમાં છે
રશિયાની સેનાએ મોસ્કો તરફ આગળ વધી રહેલા વિદ્રોહીઓ પર બોમ્બમારો કર્યો છે. આ બળવાખોરો પુતિન સરકારને હટાવવાની પ્રતિજ્ઞા લઈને રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા છે. રોસ્તોવ શહેર બાદ હવે આ બળવાખોરો મોસ્કો તરફ આગળ વધ્યા છે. તેમને રસ્તામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ રશિયન સેનાના હેલિકોપ્ટરે વેગનરના વિદ્રોહીઓ પર ફાયરિંગ કર્યું છે. રોસ્ટોવથી મોસ્કોનો રૂટ 1100 કિમીનો છે. દરમિયાન, પુતિનના કાર્યાલયે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં તેમની ઓફિસમાં છે અને બળવાખોરો સાથે બળપૂર્વક સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બાબા વેંગાની અત્યંત ખતરનાક ભવિષ્યવાણીથી દુનિયા ડરી, આગામી 6 મહિનામાં થશે કઈંક આવું?

પશ્ચિમી દેશોની માહિતી પ્રણાલીઓ અમારી વિરુદ્ધ: પુતિન
પુતિને વેગનર ગ્રુપના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે બળવો એવા સમયે થયો છે જ્યારે રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં "તેના ભવિષ્ય માટે સૌથી મુશ્કેલ યુદ્ધ લડી રહ્યું છે". તેમણે આરોપ લગાવ્યો કે પશ્ચિમી દેશોની સમગ્ર સૈન્ય, આર્થિક અને માહિતી પ્રણાલી અમારી વિરુદ્ધ થઈ ગઈ છે. બીજી બાજુ, પ્રિગોઝિને દાવો કર્યો હતો કે યુક્રેનથી રશિયામાં પ્રવેશ કરતી વખતે તેમની ખાનગી સેનાને ચોકીઓ પર યુવાન સૈનિકો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કરવો પડ્યો નથી. તેમણે કહ્યું કે તેના લડવૈયાઓ "બાળકો સામે લડતા નથી." સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલ એક વિડિયો અને ઑડિયો પોસ્ટમાં, પ્રિગોઝિને કહ્યું, "જે પણ અમારા માર્ગમાં આવશે, અમે તેનો નાશ કરીશું. અમે આગળ વધી રહ્યા છીએ અને અમે અંત સુધી જઈશું.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયામાં બળવા પર કટાક્ષ કર્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હવે રશિયામાં ચાલી રહેલા આ વિદ્રોહ પર નિશાન સાધ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાની નબળાઈ સ્વાભાવિક છે. રશિયા જેટલો લાંબો સમય યુક્રેનમાં તેની સેના રાખશે, તેટલી વધુ અરાજકતા, મુશ્કેલી ઘરમાં ફેલાશે. તેમણે ટ્વિટ કરીને રશિયાની સ્થિતિ પર આ ટિપ્પણી કરી છે. દરમિયાન, યુક્રેનમાં રશિયન લશ્કરી આક્રમણ ચાલુ છે.

પુતિને મોટી ભૂલ કરી છે, હું આત્મસમર્પણ નહીં કરું, વેગનર ચીફની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મોરચો ખોલનારા વેગનરના ચીફ યેવગની પ્રિગોઝિને કહ્યું છે કે પુતિને બહુ મોટી ભૂલ કરી છે અને તેઓ આત્મસમર્પણ કરવાના નથી. અગાઉ પુતિને વેગનર ચીફ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો અને કાર્યવાહીની ધમકી આપી હતી. વેગનર ચીફે કહ્યું કે રાષ્ટ્રપતિએ છેતરપિંડી વિશે વાત કરીને મોટી ભૂલ કરી છે. અમે દેશભક્ત છીએ, અમે લડ્યા છીએ અને લડી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ વેગનર ચીફે પુતિનને ઉખાડી ફેંકવાની કસમ ખાધી, રશિયાને જલદી મળશે નવા રાષ્ટ્રપતિ!

વેગનર બળવાખોરો રાજધાની મોસ્કો તરફ આગળ વધ્યા, ભારે સુરક્ષા દળો તૈનાત
રશિયાની રાજધાની મોસ્કો અને આર્થિક રાજધાની સેન્ટ પીટર્સબર્ગમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, રોસ્ટોવ-ઓન-ડોન પછી, વેગનરે હવે વોરોનેઝના લશ્કરી થાણા પર દાવો કર્યો છે. મોસ્કોના રસ્તાઓ પર ટેન્ક અને મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. વોરોનેઝ શહેર રોસ્ટોવ અને મોસ્કો વચ્ચે આવેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોરોનેઝમાં ઓઈલ બેઝ નષ્ટ થઈ ગયું છે.

વેગનરે રશિયાના બીજા શહેરમાં આર્મી બેઝ પર કબજો કર્યો!
બીબીસીના અહેવાલ મુજબ વેગનરની સેનાએ વોરોનેઝ શહેરમાં રશિયન આર્મી બેઝ પર કબજો કરી લીધો છે. ડોન પર રોસ્ટોવ પછી તે બીજું શહેર હતું કે વેગનરે કબજો કરવાનો દાવો કર્યો હતો. વેગનરની ટુકડીઓ હવે રાજધાની મોસ્કો તરફ કૂચ કરી રહી છે. જો કે, વોરોનેઝ સત્તાવાળાઓએ હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરી નથી. આ દરમિયાન શહેરના ગવર્નરે લોકોને ફેક ન્યૂઝથી સાવધાન રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે રશિયન સેના આ વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી રહી છે.

રશિયાએ વેગનર સામે તપાસ શરૂ કરી
રશિયન સત્તાવાળાઓએ શુક્રવારે દેશના સંરક્ષણ પ્રધાનને કથિત રીતે હાંકી કાઢવાની ધમકી આપવા બદલ વેગનર ગ્રૂપના ખાનગી સૈન્યના વડા યેવગેની પ્રિગોઝિન સામે ફોજદારી તપાસ શરૂ કરી હતી. પ્રિગોઝિને રશિયન સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુ પર યુક્રેનમાં વેગનર ગ્રૂપ બેઝ કેમ્પ પર રોકેટ હુમલાનો આદેશ આપવાનો આરોપ મૂક્યો હતો, જ્યાં તેમના લડવૈયાઓ રશિયાની બાજુમાં યુક્રેનિયન દળો સામે લડી રહ્યા હતા. પ્રિગોઝિને કહ્યું કે તેના લડવૈયાઓ હવે શોઇગુને સજા કરવા આગળ વધશે અને રશિયન સૈન્યને પ્રતિકાર ન કરવા વિનંતી કરી. પ્રિગોઝિને કહ્યું, 'આ સશસ્ત્ર બળવો નથી, પરંતુ ન્યાય તરફ કૂચ છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More