Home> Sports
Advertisement
Prev
Next

SRH vs MI: સાહા-વોર્નરનો ધમાકો, મુંબઈને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં

વોર્નર અને સાહા વચ્ચે અણનમ 151 રનની ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કરો યા મરો મુકાબલામાં મુંબઈને 10 વિકેટે પરાજય આપી પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરી લીધું છે. 
 

SRH vs MI: સાહા-વોર્નરનો ધમાકો, મુંબઈને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં

શારજાહઃ ડેવિડ વોર્નર (85*) અને રિદ્ધિમાન સાહા (58*)ની ધમાકેદાર બેટિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ આઈપીએલ 2020 (IPL 2020)ની અંતિમ લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 10 વિકેટે પરાજય આપી પ્લેઓફની ટિકીટ મેળવી લીધી છે. હૈદરાબાદની જીત સાથે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ક્વોલિફાયર-1મા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. જ્યારે એલિમિનેટરમાં સનરાઇઝર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમે 17.1 ઓવરમાં વિના વિકેટે 151 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

વોર્નર-સાહાની ધમાકેદાર બેટિંગ
મુંબઈએ આપેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાએ દમદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં વિના વિકેટે 56 રન જોડ્યા હતા. બંન્નેએ 12મી ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. ડેવિડ વોર્નરે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો સાહાએ 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ડેવિડ વોર્નર 58 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 85 રન બનાવી અણનમ રહ્યો હતો. તો સાહા 45 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 58 રન બનાવી અણનમ રહ્યો હતો. બંન્નેએ 103 બોલમાં 151 રનની ભાગીદારી કરી હતી. 

સીઝનમાં વોર્નરના 500 રન પૂરા
ડેવિડ વોર્નરે આઈપીએલ 2020મા પોતાના 500 રન પૂરા કરી લીધા છે. 2014થી ડેવિડ વોર્નરે આઈપીએલની દરેક સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. તે પ્રતિબંધને કારણે વર્ષ 2018મા આઈપીએલથી બહાર રહ્યો હતો. વોર્નરે 2014મા 528, 2015મા 562, 2016મા 848, 2017મા 641, 2019મા 692 રન બનાવ્યા હતા. તો વોર્નર આઈપીએલમાં 6 સીઝનમાં 500થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 

રોહિતની વાપસી
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈજા બાદ આજની મેચમાં વાપસી કરી હતી. તેણે ડિ કોક સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ તેની વાપસી બહુ ખાસ રહી નહીં. ઈનિંગની ત્રીજી ઓવરમાં સંદીપ શર્માએ રોહિતને 4 રનના સ્કોર પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ટીમને 39 રનના સ્કોર પર ડિ કોક (25)ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. ડિ કોકે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ સફળતા પણ સંદીપ શર્માને મળી હતી. 

ટીમને સૂર્યકુમાર યાદવ (36)ના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. સૂર્યકુમાર 29 બોલમાં પાંચ ચોગ્ગા પટકારી નદીમનો શિકાર બન્યો હતો. ક્રુણાલ પંડ્યા શૂન્ય રન પર નદીમની ઓવરમાં આઉટ થયો હતો. ઈશાન કિશન (33)ને સંદીપ શર્માએ આઉટ કર્યો હતો. સૌરભ તિવારી (1)ને રાશિદ ખાને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

પોલાર્ડને ટીમનો સ્કોર 150ને નજીક પહોંચાડ્યો
એક સમયે મુંબઈની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યારબાદ કીરોન પોલાર્ડે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. પોલાર્ડે 25 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 41 રન બનાવ્યા હતા. કુલ્ટર નાઇલ 1 રન બનાવી હોલ્ડરનો શિકાર બન્યો હતો. જેમ્સ પેટિન્સન 4 અને કુલકર્ણી 3 રન બનાવી અણનમ રહ્યા હતા. 

હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય શાહબાઝ નદીમ અને જેસન હોલ્ડરને બે-બે સફળતા મળી હતી. રાશિદ ખાને પણ એક વિકેટ ઝડપી હતી. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More