Home> Sports
Advertisement
Prev
Next

IPL 14 KKR vs MI: કોલકત્તાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, મુંબઈનો 10 રને રોમાંચક વિજય

ઈન્ડિયન પ્રીમિયરની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બોલિંગની મદદથી કોલકત્તાને 10 રને હરાવી આ સીઝનમાં પ્રથમ જીત મેળવી છે. 
 

 IPL 14 KKR vs MI: કોલકત્તાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, મુંબઈનો 10 રને રોમાંચક વિજય

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બોલિંગની મદદથી કોલક્તાના હાથમાં આવેલી બાજી છીનવી 10 રને રોમાંચક જીત મેળવી છે. એક સમયે કોલકત્તાને 30 બોલમાં 31 રનની જરૂર હતી. પરંતુ જસપ્રીત બુમરાહ, કૃણાલ પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન બનાવી શકી હતી. 

ઓપનરોએ કોલકત્તાને અપાવી સારી શરૂઆત
મુંબઈએ આપેલા 153 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી હતી. બન્ને ઓપનરોએ પાવરપ્લેમાં વિના વિકેટે 45 રન જોડી દીધા હતા. ટીમને 72 રનના સ્કોરે શુભમન ગિલ (33)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગિલ 24 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. નીતીશ રાણાએ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારતા 47 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 57 રન બનાવ્યા હતા.

રાહુલ ચહર મુંબઈની વાપસી કરાવી
એક સમયે મુંબઈનો સ્કોર 1 વિકેટે 84 રન હતો. આજ સ્કોર પર રાહુલ ત્રિપાઠી (5)ને રાહુલ ચહરે આઉટ કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન ઇયોન મોર્ગન (7) રન બનાવી રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. શાકિબ અલ હસન (9)ને કૃણાલ પંડ્યાએ આઉટ કરી કોલકત્તાને પાંચમો ઝટકો આપ્યો હતો. 

આંદ્રે રસેલ 15 બોલમાં 9 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. પેટ કમિન્સ (0)ને બોલ્ટે બોલ્ડ કર્યો હતો. 

મુંબઈની ઈનિંગ
ડિ કોક અને રોહિતે કરી મુંબઈની ઈનિંગની શરૂઆત
મુંબઈ ઈન્ડિયન્સે આજે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. ક્રિસ લીનના સ્થાને ડિ કોકને તક મળી હતી. આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેને રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. મુંબઈને બીજીઓવરમાં ડિ કોક (2)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ સફળતા વરૂણ ચક્રવર્તીને મળી હતી. પાવરપ્લે બાદ મુંબઈનો સ્કોર 1 વિકેટે 42 રન હતો.

સૂર્યકુમારની અડધી સદી
પ્રથમ વિકેટ બાદ રોહિત અને સૂર્યકુમારે ઈનિંગ સંભાળી હતી. બન્નેએ બીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. રોહિતનું બેટ આ દરમિયાન શાંત રહ્યુ પરંતુ સૂર્યકુમારે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. પરંતુ તે અડદી સદી (56) બનાવ્યા બાદ શાકિબની ઓવરમાં આઉટ થયો હતો. સૂર્યકુમારે 36 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઇશાન કિશાન (1) ને પેટ કમિન્સે આઉટ કર્યો હતો.

મુંબઈનો સ્કોર 115 રન હતો ત્યારે રોહિત શર્મા (43) પેટ કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો હતો. રોહિતે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યા (15) રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. પોલાર્ડ (5), કૃણાલ પંડ્યા (15), માક્રો જેનસન (0), રાહુલ ચહર (8) અને બુમરાહ (0)ને રસેલે આઉટ કરી મુંબઈની ઈનિંગનો અંત કર્યો હતો. 

રસેલે બનાવ્યો રેકોર્ડ
આંદ્રે રસેલે મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ ઝડપી ઈતિહાસ બનાવ્યો છે. તે આઈપીએલમાં માત્ર 12 બોલ ફેંકી પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. રસેલે ઈનિંગની 18મી અને 20મી ઓવર ફેંકી હતી. તેણે માત્ર 15 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

કોલકત્તા તરફથી પેટ કમિન્સે 4 ઓવરમાં 24 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય વરૂણ ચક્રવર્તી, શાકિબ અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક-એક સફળતા મળી હતી. 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More