Home> Sports
Advertisement
Prev
Next

IPL 2021: આ 5 ખેલાડીઓના દમ પર જીતની હેટ્રિક લગાવી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી બે સિઝનથી સતત IPLનું ટાઈટલ પોતાના નામે કરતી રહી છે. આ વખતે પણ મુંબઈ પોતાના 5 આધારભૂત ખેલાડીઓના દમ પર જીત મેળવીને વિજયની હેટ્રિક લગાવી શકે છે.

IPL 2021: આ 5 ખેલાડીઓના દમ પર જીતની હેટ્રિક લગાવી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આઈપીએલ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી 12 સિઝન્સમાં કોઈપણ ટીમ જીતની હેટ્રિક લગાવી શકી નથી. ત્યાં સુધી કે ચેન્નઈ સુપર કિંગ્સ પણ નહીં. ચેન્નઈ સુપર કિંગ્સે 2010 અને 2011માં સતત આઈપીએલનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. પરંતુ વર્ષ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીતીને ચેન્નઈને વિજયની હેટ્રિક લગાવતા રોકી દીધું હતું. તે જ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચૂક્યું છે.

2019 અને 2020માં સતત ટાઈટલ પોતાના નામે કરનારી રોહિત શર્માની ટીમ પાસે આ વખતે હેટ્રિક લગાવવાની સુવર્ણ તક રહેલી છે. મુંબઈ ઈન્ડિયન્સનો જુસ્સો મજબૂત છે. કેમ કે તે છેલ્લી બે સિઝનથી જીતતું આવ્યું છે. છેલ્લી બે સિઝનમાં જોઈએ તો મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં અલગ-અલગ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એવામાં એક નજર કરીએ કે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સને જીતાડવામાં કયા-કયા 5 ખેલાડી મહત્વનો રોલ ભજવી શકે છે.

1. રોહિત શર્મા:
રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સની સાથે જોડાયેલો છે. અને તે આઈપીએલ ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. જેના નામે 5 ટાઈટલ છે. માત્ર દુર્ભાગ્યની વાત એ છે કે એક બેટ્સમેન તરીકે આઈપીએલમાં ઓરેન્જ કેપ ક્યારેય તેના નામે રહી નથી. રોહિતની નજરમાં સૌથી પહેલા તેની ટીમે છે અને તેણે હંમેશા ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લી સિઝનમાં તે કેટલીક મેચ રમી શક્યો ન હતો. પરંતુ ફાઈનલમાં ઈજાની પરવા કર્યા વિના દિલ્લી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતર્યો હતો. 13મી સિઝનમાં રોહિતે 332 રન બનાવ્યા હતા.

2. સૂર્યકુમાર યાદવ:
સૂર્યકુમાર યાદવે હાલમાં જ ઈંગ્લેન્ડ સામે પોતાનું ટી-20 ડેબ્યુ કરતાં પહેલી જ મેચમાં શાનદાર અર્ધસદી ફટકારી. તેણે જોફ્રા આર્ચરના પહેલા જ બોલ પર સિક્સ ફટકારીને સ્પષ્ટ કરી દીધું હતું કે તે એક વિસ્ફોટક બેટ્સમેન છે. સૂર્યકુમાર છેલ્લી 3 સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સનો વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. ઓપનિંગ અને મિડલ ઓર્ડરમાં દરેક જગ્યાએ પોતાની બેટિંગથી દરેકને પ્રભાવિત કર્યા છે. તે ત્રણ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફછી 1416 રન બનાવી ચૂક્યો છે.

3. હાર્દિક પંડ્યા:
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું એક ટ્રંપ કાર્ડ છે. છેલ્લી સિઝનમાં પંડ્યાએ એક બોલરની જગ્યાએ બેટ્સમેનની ભૂમિકા વધારે નિભાવી હતી. તે અંતિમ 5 ઓવરમાં આક્રમક રન બનાવનારા બેટ્સમેન તરીકે સામે આવ્યો છે. ભલે હાર્દિકે માત્ર 281 રન જ બનાવ્યા. પરંતુ તેની સ્ટ્રાઈક રેટ 178.98ની રહી. છેલ્લી સિઝનમાં હાર્દિક ઈજાના કારણે વધારે બોલિંગ કરી શક્યો ન હતો. પરંતુ હવે તે ટીમ ઈન્ડિયા માટે નિયમિત રીતે બોલિંગ કરી રહ્યો છે. એવામાં મુંબઈ ઈન્ડિયન્સની પાસે હાર્દિકના રૂપમાં એક વધારાના બોલરનો વિકલ્પ છે.

4. જસપ્રીત બુમરાહ:
મુંબઈ ઈન્ડિયન્સ પર અન્ય ટીમના બેટ્સમેન વધારે ધાક જમાવી શકતા નથી. કેમ કે મુંબઈ પાસે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા અનુભવી બોલર છે. જે સામેની ટીમના કોઈપણ બેટ્સમેનની વિકેટ ખેરવવામાં નિષ્ણાત છે. બુમરાહ છેલ્લા 5 વર્ષમાં બધા ફોર્મેટમાં વિશ્વ સ્તરીય બોલર બનીને સામે આવ્યો છે. છેલ્લી સિઝનમાં બુમરાહ 15 મેચમાં 27 વિકેટ ઝડપી હતી. બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મેચ વિનર બોલર બની ગયો છે..

5. ક્વિન્ટન ડિ કોક:
ક્વિન્ટન ડિ કોકે મુંબઈ ઈન્ડિયન્સને ચોથું ટાઈટલ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2019માં તેણે મુંબઈ માટે 519 રન બનાવ્યા હતા. તે અલગ વાત છે કે 2020માં તે પોતાની ટીમ માટે સારી શરૂઆત કરી શક્યો નહીં. કેમ કે કેટલીક મેચમાં ઈજાના કારણે તે બહાર રહ્યો હતો. પરંતુ તેમ છતાં તેણે છેલ્લી સિઝનમાં 503 રન બનાવ્યા હતા. છેલ્લી 2 સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 1000થી વધારે રન બનાવનાર ક્વિન્ટન ડિ કોક મુંબઈનો વિશ્વાસપાત્ર બેટ્સમેન બની ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More