Home> Sports
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યા હૂટિંગ કરનારા લોકોની આ રીતે કરશે બોલતી બંધ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે જણાવ્યો જબરદસ્ત ફોર્મ્યૂલા

IPL 2024: હાર્દિક પંડ્યા માટે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી વિવાદને પણ સાથે લાવી છે. ફેન્સ રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવાનો નિર્ણય પચાવી શકતા નથી. જેના પગલે મેદાન પર, સોશિયલ મીડિયામાં સતત હાર્દિક પંડ્યા પર ટીકાઓનો મારો અને હૂટિંગ થઈ રહ્યા છે

હાર્દિક પંડ્યા હૂટિંગ કરનારા લોકોની આ રીતે કરશે બોલતી બંધ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે જણાવ્યો જબરદસ્ત ફોર્મ્યૂલા

Hardik Pandya: હાર્દિક પંડ્યા માટે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી વિવાદને પણ સાથે લાવી છે. ફેન્સ રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવાનો નિર્ણય પચાવી શકતા નથી. જેના પગલે મેદાન પર, સોશિયલ મીડિયામાં સતત હાર્દિક પંડ્યા પર ટીકાઓનો મારો અને હૂટિંગ થઈ રહ્યા છે. બીજી બાજુ મુંબઈ ઈન્ડિયન્સનું આ વખતે પરફોર્મન્સ પર સારું જોવા મળી રહ્યું નથી જેણે ફેન્સના ગુસ્સામાં આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું છે કારણ કે મુંબઈ સતત 3 મેચમાં હાર્યું છે. એક કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા સફળ જોવા મળી રહ્યો નથી. હાલ પોઈન્ટ ટેબલમાં પણ સૌથી નીચે છે. હાર્દિક પંડ્યા સામનો વિવાદ હવે મોટો મુદ્દો બની ચૂક્યો છે. 

મુંબઈમાં પણ થયું હૂટિંગ
અમદાવાદ, હૈદરાબાદ બાદ મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી મેચ ઘર આંગણે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલીવાર એવું જોવા મળ્યું કે ઘરઆંગણે કોઈ ટીમ રમતી હોય અને તેના કેપ્ટનનો આ રીતે ફેન્સ હૂરિયો બોલાવે. વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાનું ખુબ હૂટિંગ થયું. હાર્દિક પંડ્યાના હૂટિંગ બાદ રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અત્યંત ભડકી ગયા. તેમણે હાર્દિકને એક સલાહ આપી દીધી. 

હાર્દિકને મળી સલાહ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને સલાહ આપી કે તેણે ફક્ત અને ફક્ત તેના ખેલ પર ધ્યાન આપવું જોઈએ. તેનું પ્રદર્શન જ બધાની બોલતી બંધ કરી દેશે. શાસ્ત્રીએ મુંબઈ ઈન્ડિયન્સ ફેન્ચાઈઝી ઉપર પણ સવાલ ઉઠાવી દીધા. તેમણે કહ્યું કે પંડ્યા-રોહિતની કેપ્ટનશીપનો મુદ્દો સારી રીતે હેન્ડલ થઈ શકે તેમ હતો. આઈપીએલ ટીમના માલિક જ પોતાના કેપ્ટનની પસંદગી કરે છે અને મુંબઈ ઈન્ડિયન્સે પણ એ જ કર્યું. અત્રે જણાવવાનું કે મુંબઈ ઈન્ડિયન્સ આ વખતની આઈપીએલ સીઝનમાં શરૂઆતની ત્રણેય મેચો હારી ચૂકી છે અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. બીજી બાજુ હવે હાર્દિકની કેપ્ટનસી વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. 

દિગ્ગજ પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ બાદ ક્રિકબઝ પર મનોજ તિવારી અને વિરેન્દ્ર સહેવાગે મળીને આ મેચના પરિણામ પર ચર્ચા કરી. આ દરમિયાન મનોજ તિવારીએ કહ્યું કે, "હું ખુબ મોટી વાત કહેવા જઈ રહ્યો છું. મુંબઈ ઈન્ડિયન્સને છ દિવસનો બ્રેક મળ્યો છે. આગામી મેચ પહેલા અને એવું પણ બની શકે કે આ છ દિવસમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જતી રહે. હાર્દિક પંડ્યાથી કેપ્ટન્સીમાં ભૂલ થઈ છે અને એવું જોવા પણ મળ્યું છે. પછી ભલે તે બોલરોમાં ફેરફાર હોય કે પછી બેટિંગ ઓર્ડરમાં ઉપર નીચે હોય."

મનોજ તિવારીએ કહ્યું કે, "હાર્દિક પંડ્યાએ હોમ ગ્રાઉન્ડ પર જ્યાં સ્વિંગ મળતું હતું ત્યાં બોલિંગ કરી નહીં, જે દેખાડે છે કે તેઓ કેટલા દબાણમાં હતા. આ ઉપરાંત બેટિંગ ઓર્ડરમાં પણ કશું નક્કી નથી, ક્યારેક તિલક વર્મા ઉપર આવે છે, તો ક્યારેક ડેવાલ્ડ બ્રેવિસ." જો કે મનોજ તિવારીની વાત સાથે વિરેન્દ્ર સહેવાગ સહમત જોવા મળ્યા નહીં. સહેવાગે કહ્યું કે તેમણે આ વાત કહેવામાં ઉતાવળ કરી છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ મેચ જીતીને પણ ખિતાબ જીતેલો છે અને હાર્દિકને હજુ કેટલીક મેચ મળવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More