Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડ કપ 2019: રોહિત-રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે આપ્યો પરાજય

વર્લ્ડ કપ 2019: રોહિત-રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે આપ્યો પરાજય

લીડ્સઃ ઓપનર રોહિત શર્મા (103) અને કેએલ રાહુલ (111)ની શાનદાર સદીની મદદથી ભારતે અહીં હેડિંગ્લે મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વકપ-2019ની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને વિકેટે 7 પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 43.4 ઓવરમાં 3 વિકેટે 265 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. વિરાટ કોહલી 34 અને હાર્દિક પંડ્યા 7 રન બનાવી અણનમ રહ્યાં હતા.

આ જીત સાથે લીગ સ્ટેજમાં ભારતે કુલ 7 મેચ જીતી છે. ભારતે એક મેચ ગુમાવી હતી. તો એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ભારતના કુલ 15 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કોની સામે થશે તેનો નિર્ણય ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચના પરિણામ બાદ થશે. તો શ્રીલંકાનો આ વિશ્વકપમાં ચોથો પરાજય છે. 

રોહિત શર્માની વિશ્વ કપમાં પાંચમી સદી
ભારતીય ઓપનર રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા આ સાથે એક વિશ્વકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ તેની પાંચમી સદી છે. તેણે કુમાર સાંગાકારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાંગાકારાએ 2015ના વિશ્વ કપમાં 4 સદી ફટકારી હતી. રોહિત શર્મા 94 બોલમાં 103 રન બનાવી આઉટ થયો હતો. 

કેએલ રાહુલની વિશ્વકપમાં પ્રથમ સદી
કેએલ રાહુલે પણ શાનદાર પ્રદર્શન કરતા વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. રાહુલે 109 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની બીજી સદી છે. રાહુલે રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 189 રનની ભાગીદારી પણ કરી હતી. રાહુલ 18 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 111 રન બનાવી મલિંગાની ઓવરમાં આઉટ થયો હતો. રિષભ પંત 4 રન બનાવી આઉટ થયો હતો. 

રોહિત-રાહુલ વચ્ચે 189 રનની ભાગીદારી
શ્રીલંકાએ આપેલા 265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 189 રન જોડ્યા હતા. રોહિતે વિશ્વકપની 5મી સદી ફટકારી હતી. તો રાહુલે આ વિશ્વકપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. 

રોહિત શર્મા બન્યો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
રોહિત શર્મા આ વિશ્વકપમાં ગજબના ફોર્મમાં છે. તેણે ટૂર્નામેન્ટમાં પાંચમી સદી ફટકારી હતી. આ સાથે તે ટૂર્નામેન્ટમાં શાકિબ અલ હસન (606)ને પાછળ છોડીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા રોહિતના ખાતામાં 544 રન હતા. હવે રોહિત શર્મા 647 રન સાથે ટોપ સ્કોરર બની ગયો છે. આ સાથે વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવા મામલે તે સચિનનો રેકોર્ડ તોડવાથી માત્ર 26 રન દૂર છે. સચિન તેંડુલકરે 2003ના વિશ્વકપમાં 673 રન ફટકાર્યા હતા. 

શ્રીલંકાની ઈનિંગનો રોમાંચ
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહે ઈનિંગની ચોથી ઓવરમાં દિમુથ કરૂણા રત્ને (10)ને એમએસ ધોનીના હાથે કેચ આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ કુસલ પરેરા (18)ને પણ જસપ્રીત બુમરાહે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ આ વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા જાડેજાએ પોતાની પહેલી ઓવરમાં કુસલ મેન્ડિસ (3)ને ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવીને શ્રીલંકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

વિશ્વ કપમાં શ્રીલંકન બેટ્સમેનની બીજી સદી
શ્રીલંકાના અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યુઝ માટે લીડ્સનું મેદાન હંમેશા ભાગ્યશાળી રહ્યું છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ સામે પણ અણનમ 85 રન બનાવ્યા હતા. તો આજે ભારત સામે તેણે શાનદાર સદી ફટકારી હતી. વિશ્વકપ-2019મા શ્રીલંકન બેટ્સમેન તરફથી આ બીજી સદી છે. આ પહેલા આવિષ્કા ફર્નાન્ડોએ સદી ફટકારી હતી. મેથ્યુઝ 128 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 113 રન બનાવી જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. 

થિરિમાને-મેથ્યુઝ વચ્ચે સદીની ભાગીદારી
એક સમયે શ્રીલંકન ટીમ સંકટમાં હતી. ટીમે 55 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એન્જેલો મેથ્યુઝ અને લાહિરુ થિરિમાને મળીને પાંચમી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. થિરિમાને (53) રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. તેણે 68 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More