Home> Sports
Advertisement
Prev
Next

WWT20: ભારતીય મહિલા ટીમનો સતત ચોથો વિજય, ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું

ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તમામ ચારેય મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. 

  WWT20: ભારતીય મહિલા ટીમનો સતત ચોથો વિજય, ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમે ટી20 વિશ્વકપમાં પોતાનું વિજય અભિયાન જાળવી રાખતા ગ્રુપ સ્ટેજના અંતિમ મેચમાં મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમને 48 રને પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ભારતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બંન્ને ટીમોએ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હોવાને કારણે આ મેચ માત્ર ઔપચારિકતા જ હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના ભોગે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.4 ઓવરમાં 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી 83 રન ફટકારનાર સ્મૃતિ મંધાનાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

ભારત તરફથી અનુજા પાટિલે 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય દીપ્તિ શર્મા, રાધા યાદવ અને પૂનમ યાદવને બે-બે સફળતા મળી હતી. 

ઓસ્ટ્રેલિયન ટીમને દીપ્તિ શર્માએ ઈનિંગની પાંચમી ઓવરમાં સતત બે ઝટકા આપ્યા. આ ઓવરના પ્રથમ બોલ પર  એલિસ વિલાની (6)નો કેચ વેદા કૃષ્ણામૂર્તિએ ઝડપ્યો હતો. તેના પછીના બોલ પર બેથ મૂની (19)ને બોલ્ડ કરી  ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટ પર 27 રન થઈ ગયો હતો. કેપ્ટન મેગ લેનિંગ (10) રાધા યાદવનો શિકાર બની હતી.  ત્યારબાદ પૂનમ યાદવે એશલેઘ ગાર્ડનર (20)ને આઉટ કરી હતી. 

આ પહેલા ઓપનર સ્મૃતિ મંધાના (83)ની શાનદાર ઈનિંગની મદદથી ભારતે 8 વિકેટ પર 167 રન બનાવ્યા હતા.  સ્મૃતિએ 55 બોલમાં 9 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. તેણે આ દરમિયાન 31 બોલમાં પોતાના ટી-20 કરિયરની છઠ્ઠી  અડધી સદી પૂરી કરી હતી. ઓપનિંગ કરવા આવેલી સ્મૃતિ મંધાના 154 રનના કુલ સ્કોર પર છઠ્ઠી વિકેટના રૂપમાં  આઉટ થઈ હતી. સ્મૃતિ અને કેપ્ટન હરમનપ્રીત કૌર (43)એ ત્રીજી વિકેટ માટે 68 રન જોડ્યા હતા. હરમનપ્રીતે 27  બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 43 રન બનાવ્યા હતા. આ સિવાય ટીમનો કોઈ ખેલાડી બે અંકના સ્કોર સુધી  પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. 

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો બીજી ઓવરમાં લાગ્યો, જ્યારે ઓપનર  તાનિયા ભાટિયા (2)ને એશલેઘ ગાર્ડનરના બોલ પર કેપ્ટન મેગ લેનિંગે ઝડપ્યો હતો. 49ના કુલ સ્કોર પર ભારતની  બીજી વિકેટ જેમિમા (6)ના રૂપમાં પડી હતી. કેપ્ટન હરમનપ્રીતને 43ના સ્કોર પર કિમિંસે પેવેલિયન પરત મોકલી  હતી. 

વેદા કૃષ્ણામૂર્તિ 3 રન બનાવી ગાર્ડનરના બોલ પર કેચઆઉટ થઈ હતી. હેમલતા (1)ને પેરીએ બોલ્ડ કરી હતી.  ટીમની સાતમી વિકેટ અરૂંધતી રેડ્ડી (6)ના રૂપમાં પડી હતી. દીપ્તિ શર્માને ઈનિંગના છેલ્લા બોલે પેરીએ બોલ્ડ કરી  હતી. ઓસ્ટ્રેલિયા માટે પેરીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા. કિમિંસ  અને ગાર્ડનરને બે-બે સફળતા મળી જ્યારે મેગન શટને એક વિકેટ મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More