Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: ચેન્નઈમાં સ્પિનરો છવાયા, જાડેજાની 3 વિકેટ, ઓસ્ટ્રેલિયા 199 રનમાં ઓલઆઉટ

World Cup 2023: સ્પિનરોની છ વિકેટની મદદથી ભારતે ચેન્નઈમાં શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 199 રનમાં ઓલઆઉટ કરી દીધુ છે. ભારતના સ્પિનરોએ છ વિકેટ ઝડપી હતી. વિશ્વકપમાં વિજયી શરૂઆત કરવા ભારતને 200 રનનો લક્ષ્ય મળ્યો છે. 

IND vs AUS: ચેન્નઈમાં સ્પિનરો છવાયા, જાડેજાની 3 વિકેટ, ઓસ્ટ્રેલિયા 199 રનમાં ઓલઆઉટ

ચેન્નઈઃ આઈસીસી વિશ્વકપ 2023માં ભારતે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ચેપોકમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 199 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપને બે તથા અશ્વિનને એક સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બેટર અડધી સદી પણ ફટકારી શક્યો નહીં. 

બુમરાહે અપાવી પ્રથમ સફળતા
ટોસ જીતીને ચેપોકમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને શૂન્ય રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. માર્શ સ્લિપમાં કોહલીના હાથે કેચઆઉટ થયો હતો. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ધીમી રહી હતી અને ટીમે પ્રથમ પાવરપ્લેમાં માત્ર 43 રન બનાવ્યા હતા. 

સારી શરૂઆત બાદ વોર્નર અને સ્મિથ આઉટ
5 રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે 69 રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે 17મી ઓવરમાં આ પાર્ટનરશિપ તોડી હતી. ડેવિડ વોર્નર 52 બોલમાં 6 ચોગ્ગા સાથે 41 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જાડેજાએ સ્મિથને 46 રનના સ્કોરે આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી.

મિડલ ઓવર્સમાં સ્પિનરો છવાયા
સ્મિથને આઉટ કર્યા બાદ જાડેજાએ માર્નસ લાબુશેન (27) ને પણ કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આજ ઓવરમાં જાડેજાએ એલેક્સ કેરીને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો. કુલદીપ યાદવે 36મી ઓવરમાં ગ્લેન મેક્સવેલ (15) ને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેમરૂન ગ્રીન 8 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. 

ભારતીય સ્પિનરોનો દબદબો
ભારત તરફથી જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 10 ઓવરમાં 2 મેડલ સાથે માત્ર 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને બે તથા અશ્વિને 10 ઓવરમાં 34 રન આપી એક વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહે 10 ઓવરમાં 35 રન આપી બે સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More