Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: સેમિફાઇનલની ટિકિટ મેળવવા બાંગ્લાદેશ સામે ઉતરશે ભારત

વિશ્વકપમાં મંગળવાર (2 જૂલાઈ)એ બે એશિયન દેશોની મજબૂત ટીમોનો આમનો-સામનો થશે. ભારત અને બાંગ્લાદેશની ટીમો એજબેસ્ટનમાં મુકાબલો કરશે. 

World Cup 2019: સેમિફાઇનલની ટિકિટ મેળવવા બાંગ્લાદેશ સામે ઉતરશે ભારત

બર્મિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019મા ભારતીય ટીમ આજે (2 જુલાઈ)એ એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સામે ટકરાશે. અત્યાર સુધી શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલી ભારતીય ટીમે રવિવારે ઈંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

બાંગ્લાદેશ એક એવી ટીમ છે જેની પાસે આ વિશ્વકપમાં સારા પ્રદર્શનની આશા તો બધાએ કરી હતી પરંતુ જે પ્રકારની ગેમ એશિયન ટીમ રમી રહી છે, તેણે બધાને ચોંકાવી દીધા છે. આ વિશ્વકપમાં ટીમની ખાસિયત તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું છે જેની કમી પહેલા આ ટીમમાં જોવા મળતી હતી. 

એજબેસ્ટનમાં રમાનારી મેચમાં ભારતે સતર્ક રહેવું પડશે. આમ તો ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે એક પોઈન્ટની જરૂર છે પરંતુ જો બાંગ્લાદેશ વિરુદ્ધ તેને હાર મળે છે તો શ્રીલંકા વિરુદ્ધ તેની મેચ કરો યા મરો જેવી થઈ જશે. 

બાંગ્લાદેશ ગમે તે ટીમની સ્થિતિ બગાડી શકે છે. 2007 વિશ્વ કપમાં આ ટીમે ભારતને પરાજય આપીને શરૂઆતી રાઉન્ડમાંથી બહાર કરી દીધી હતી. તેવામાં ભારતે બાંગ્લાદેશના હાલના ફોર્મને જોતા સતર્ક રહેવું પડશે. 

ભારત વિરુદ્ધ બાંગ્લાદેશે સારૂ પ્રદર્શન કર્યું છે, અને ઘણીવાર જીત મેળવી છે. આ વખતે ટીમ લયમાં છે અને આત્મવિશ્વાસથી ભરેલી છે. આ મેચ પહેલા ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા શિખર ધવન પણ બહાર થયો હતો. 

બાંગ્લાદેશની ટીમને અહીં સુધી પહોંચાડવામાં તેના સૌથી અનુભવી ખેલાડી શાકિબ અલ હસનનું મહત્વનું યોગદાન રહ્યું છે, જેણે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે તમીમ ઇકબાલે આફ્રિકા,  ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો વિરુદ્ધ બેટથી મહત્વનું યોગદાન આપ્યું છે. 

બાંગ્લાદેશ માત્ર શાકિબ પર નિર્ભર નથી. તમીમ ઇકબાલ, મહમદુલ્લાહ, મુશફિકુર, લિટન દાસ તમામે શાકિબને સાથ આપ્યો છે. બોલિંગમાં મુસ્તફિઝુર, સૈફુદ્દીને પણ મહત્વના સમયે વિકેટ ઝડપી છે. 

લાંબા વિરામ બાદ મેદાન પર ઉતરી રહેલી બાંગ્લાદેશની ટીમ ભારત વિરુદ્ધ શાકિબ અને મુશફિકુર પર નિર્ભર રહેશે. ટીમ આશા કરે કે આ બંન્ને બેટ્સમેનો મોટો સ્કોર બનાવે. આ મેચમાં જીત બાંગ્લાદેશ માટે સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે પણ જરૂરી છે. 

જો ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી અને એક દિવસના આરામ બાદ તેણે મુકાબલો રમવાનો છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમનો વિજય રથ રોકાઇ ગયો હતો. યજમાન ટીમ વિરુદ્ધ ભારતના બોલરોએ રન પણ આપ્યા અને તેના બેટ્સમેનો રન ન બનાવી શક્યા. 

જસપ્રીત બુમરાહ અને શમીએ ભારતને શરૂઆતમાં સફળતા ન અપાવી પરંતુ રન રોકવામાં જરૂર સફળ રહ્યાં હતા. મધ્યમ ઓવરોમાં ચહલ અને કુલદીપની જોડીએ ઘણા રન આપ્યા હતા. આ મેચમાં ભારતને પોતાની નબળાઇની જાણ થઈ છે. 

બોલિંગમાં તેના ખેલાડીઓ પાસે એક રણનીતિ ફ્લોપ રહ્યાં બાદ બીજી રણનીતિનો અભાવ જણાયો હતો. ઈંગ્લેન્ડની ઈનિંગ બાંગ્લાદેશે જરૂર હોઈ હશે કે તેણે ભારતના મજબૂત બોલિંગ આક્રમણનો સામનો કઈ રીતે કર્યો. ભારતીય બોલરોએ આ મેચમાં સારી રણનીતિ અને બેકઅપ પ્લાનની સાથે ઉતરવું પડશે કારણ કે જે રીતની બેટિંગ જોની બેયરસ્ટો અને જેસન રોયે કરી તે પ્રકારની બેટિંગ તમીમ, શાકિબ અને રહીમ કરવામાં સક્ષમ છે. 

જો ભારતીય ટીમની બેટિંગની વાત કરવામાં આવે તો એકવાર ફરી ભારતે ધ્યાન આપવું પડશે કે ટોપ ક્રમના બેટ્સમેનોનું અંત સુધી ન રહેવું ટીમની હારની સંભાવના વધારે છે. રોહિત અને કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી પરંતુ બંન્ને આઉટ થતાં જ ભાર આવી ગયો મધ્યમક્રમ પર જ્યાં ઈજાગ્રસ્ત શંકરના સ્થાને નંબર-4 પર યુવા પંતને તક મળી હતી. પંતે બેટિંગ સારી કરી પરંતુ ઝડપથી આઉટ થઈ ગયો હતો. 

હાર્દિક પંડ્યા પણ મેચને અંજામ સુધી ન પહોંચાડી શક્યો અને ધોની પણ મોટા શોટ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. 

એક હાર પરંતુ ભારતને ખરાબ ટીમ બનાવતી નથી છતાં તે જરૂર જણાવે છે કે જ્યારે સામેની ટીમ તમારી તાકાત પર હાવી થાય તો તમારી પાસે બેકઅપ પ્લાન હોય, સાથે જૂની ભૂલને સુધારવાની તક આપે છે. 

આ હોઈ શકે છે બાંગ્લાદેશની પ્લેઇંગ-11
તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, લિટન દાસ, મહમૂદુલ્લાહ, શબ્બીર રહમાન, મોસાદ્દિક હુસૈન, મેહદી હસન, મુશરફે મોર્તજા અને મુસ્તફિઝુર રહમાન. 

આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More