Home> Sports
Advertisement
Prev
Next

એકવાર ના કહ્યું ને! ઠાકોરસાહેબ ઓફ રાજકોટની એ જીદ અને ટીમ સ્ટેશન ભેગી થઈ ગઈ, જરા માટે બચી ગયો બ્રેડમેનનો રેકોર્ડ

16થી 18 ડિસેમ્બર 1948 દરમિયાન પૂણે ખાતે કાઠિયાવાડ ( સૌરાષ્ટ્રની જ ત્યારની ટીમ) અને મહારાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ હતી તે વખતની આ વાત છે. નિમ્બાલકર પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સર ડોન બ્રેડમેનના એ સમયના સર્વોચ્ચ એવા 452ના રેકોર્ડને તોડવાથી માત્ર 10 રન દૂર હતા. ત્યાં અચાનક જ કાઠિયાવાડની ટીમના કેપ્ટન ઠાકોરસાહેબ ઓફ રાજકોટે પોતાના પ્લેયર્સને ચાના વિરામને બહાને પરત બોલાવી દીધા.

એકવાર ના કહ્યું ને! ઠાકોરસાહેબ ઓફ રાજકોટની એ જીદ અને ટીમ સ્ટેશન ભેગી થઈ ગઈ, જરા માટે બચી ગયો બ્રેડમેનનો રેકોર્ડ

‘ના, અમારે નથી જ રમવું..., અરે..પણ થોડી જ ઓવરનો સવાલ છે....એકવાર ના કહ્યું ને.... થાય ઈ કરી લેવું...અમે તો નથી જ રમવાના...’. આજથી બરાબર  75 વર્ષ અગાઉ મહારાષ્ટ્ર-કાઠિયાવાડ વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં આવી જ કંઇક રકઝક થઇ હશે. 

નિમ્બાલકર 301 રન સાથે રમતમાં હતા

બન્યું એવું કે, 16થી 18 ડિસેમ્બર 1948 દરમિયાન પૂણે ખાતે કાઠિયાવાડ ( સૌરાષ્ટ્રની જ ત્યારની ટીમ) અને મહારાષ્ટ્ર વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં કાઠિયાવાડ ટીમ પ્રથમ દિવસે 238માં આઉટ થઇ ગઇ અને પ્રથમ દિવસના અંતે મહારાષ્ટ્રે 1 વિકેટે 132 રન નોંધાવી લીધા હતા. બીજા દિવસે મહારાષ્ટ્રની માત્ર 1 વિકેટ પડી અને દિવસના અંતે તેમનો સ્કોર હતો 2 વિકેટે 587. બેટિંગમાં વન ડાઉન આવેલા ભાઉસાહેબ બાબાસાહેબ નિમ્બાલકર 301 રન સાથે રમતમાં હતા. 

કાઠિયાવાડના પ્લેયર્સ મેદાનમાં ઉતર્યા નહીં

મહારાષ્ટ્રે  18 ડિસેમ્બરના  ત્રીજા દિવસે પણ બેટિંગ જારી રાખી અને તેમનો સ્કોર 180 ઓવરમાં 4 વિકેટે 826 હતો અને નિમ્બાલકર 494 બોલમાં 49 બાઉન્ડ્રી-1 સિક્સર સાથે અણનમ 443 રન કરી રમતમાં હતા. આમ, નિમ્બાલકર પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સર ડોન બ્રેડમેનના એ સમયના સર્વોચ્ચ એવા 452ના રેકોર્ડને તોડવાથી માત્ર 10 રન દૂર હતા. ત્યાં અચાનક જ કાઠિયાવાડની ટીમના કેપ્ટન ઠાકોરસાહેબ ઓફ રાજકોટે પોતાના પ્લેયર્સને ચાના વિરામને બહાને પરત બોલાવી દીધા. ચાના વિરામને લાંબો સમય થવા છતાં કાઠિયાવાડના પ્લેયર્સ મેદાનમાં ઉતર્યા નહીં. જેના કારણે મહારાષ્ટ્રના કેપ્ટન રાજા ગોખલે-મેચ ઓફિશિયલ્સને લઇને કાઠિયાવાડના કેપ્ટન ઠાકોરસાહેબ ઓફ રાજકોટને મળવા માટે પહોંચ્યા અને રમવા નહીં ઉતરવા માટે કારણ પૂછ્યું. 

તમે લોકોએ બહુ બેટિંગ કરી. હવે ઇનિંગ્સ ડિક્લેર કરો

ઠાકોરસાહેબ ઓફ રાજકોટે તરત જ રોકડું પરખાવ્યું કે ‘તમે લોકોએ બહુ બેટિંગ કરી. હવે ઇનિંગ્સ ડિક્લેર કરો નહીં તો અમે મેચ પડતી મૂકીને ઘરે પરત ફર્યા...’ જેના કારણે મહારાષ્ટ્રના કેપ્ટને એવો પણ પ્રસ્તાવ મૂક્યો કે, ‘નિમ્બાલકરને ફક્ત બે ઓવર રમવા દો, તે બ્રેડમેનનો રેકોર્ડ તોડે એ સાથે જ અમે ઇનિંગ્સ ડિક્લેર કરી દઇશું. કોઇ ભારતીય વિશ્વવિક્રમ બનાવે તેનાથી વધુ ગૌરવની વાત કઇ હોઇ શકે.' પરંતુ અનેક સમજાવટ છતાં કાઠિયાવાડના કેપ્ટન માનવા તૈયાર જ નહીં અન તેમણે પોતાની ટીમને લઇને રેલવે સ્ટેશનની વાટ પકડી લીધી. જેના કારણે આ મેચ ફોરફીટ કરાયેલી ગણાઇ અને મહારાષ્ટ્રને વિજેતા જાહેર કરાયું.
 
નિમ્બાલકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મને ફક્ત બે ઓવર રમવા મળી હોત તો બ્રેડમેનનો રેકોર્ડ કોઇ ભારતીય દ્વારા તોડવામાં આવ્યો હોવાનું આપણે ગૌરવ મેળવી શકત. ખેર,...મને આ ઇનિંગ્સના થોડા દિવસ બાદ સર બ્રેડમેનનો સંદેશો પણ આવ્યો હતો અને જેમાં તેમણે કહ્યું હતું કે તેમના કરતા પણ મારી ઇનિંગ્સ વધુ સારી હતી. બ્રેડમેને કરેલી પ્રશંસાથી મોટો એવોર્ડ કયો હોઇ શકે...’ નિમ્બાલકરનું 11 ડિસેમ્બર 2012ના 92 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. 

કાશ 75 વર્ષ અગાઉ રાજાએ હઠ ન પકડી હોત તો

નિમ્બલકરે પ્રથમ કક્ષાની 80 મેચમાં 47.93ની એવરેજથી 4841 રન કર્યા હોવા છતાં ભારતીય ટીમમાં તેમને ક્યારેય તક મળી નહીં. બાય ધ વે, નિમ્બાલકરે નોંધાવેલા 443 રનએ ભારતીય દ્વારા પ્રથમ કક્ષાના ક્રિકેટમાં કરવામાં આવેલા સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ છે.  75 વર્ષે પણ કોઇ ભારતીય નિમ્બાલકરનો આ રેકોર્ડ તોડી શકવો તો દૂર 400 રન પણ કરી શક્યો નથી...  કાશ 75 વર્ષ અગાઉ રાજાએ હઠ ન પકડી હોત તો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More