Home> Sports
Advertisement
Prev
Next

એશિયન ગેમ્સ, 8મો દિવસઃ ઘોડેસવારીમાં ભારતે જીત્યા બે સિલ્વર મેડલ, સાયના નેહવાલ સેમિફાઈનલમાં

એશિયન ગેમ્સ, 8મો દિવસઃ ઘોડેસવારીમાં ભારતે જીત્યા બે સિલ્વર મેડલ, સાયના નેહવાલ સેમિફાઈનલમાં

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયન રમતોત્સવમાં આઠમા દિવસે એથલેટિક્સ, બેડમિન્ટન, ગોલ્ફ, હોકી, સેપકટકરા અને વોલિબોલમાં ભારતીયના ખેલાડીઓ રમવાના છે. ઘોડેસવારમાં બે સિલ્વર મેડલ સાથે ભારતે આઠમા દિવસનું ખાતું ખોલી લીધું છે. નિશાનેબાજીમાં પુરુષો બાદ મહિલા કમ્પાઉન્ડ ટીમે પણ સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ઉપરાંત લાંબી કૂદ ફાઈનલમાં શ્રીશંકર, મહિલા 400મી. ફાઈનલમાં હીમા દાસ, નિર્મલા શેરોન અને પુરુષ 10,000 મીટર ફાઈનલમાં લક્ષ્મણન ગોવિંદન પાસે પણ મેડલની આશા છે. 

આ ઉપરાંત બોક્સિંગમાં પુરુષ લાઈટવેટ 60 કિગ્રા વર્ગમાં શિવ થાપા, પુરુષ વેલ્ટરવેટના 69 કિગ્રામ વર્મમાં મનોજ કુમાર અને મહિલા ફ્લાઈવેટના 51 કિગ્રા વર્ગમાં સરજુબાલા દેવી પાસે મેડલની અપેક્ષા છે. હોકીમાં પુરુષ વર્ગમાં ભારતની ટક્કર દક્ષિણ કોરિયા સાથે થવાની છે. 

બેડમિન્ટનમાં સાયના નેહવાલ પહોંચી સેમિફાઈનલમાં 
ભારતની ટોચની મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. સાયનાએ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડની રત્ચાનોક ઈન્તાનોનને 2-0થી હરાવી હતી. પ્રથમ ગેમની શરૂઆતમાં 3-11થી પાછળ રહ્યા બાદ સાયનાએ શાનદાર પુનરાગમન કરતાં રત્ચાનોકને 17-16થી પાછળ રાખી હતી. ત્યાર બાદ સાયનાએ પ્રથમ ગેમ 21-18થી જીતી લીધી હતી. બીજી ગેમમાં પણ સાયનાએ રત્ચાનોક પર દબાણ જાળવી રાખીને 21-16થી જીતી સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. 

ઘોડેસવારમાં ભારતે બે સિલ્વર જીત્યા
ભારતે ઘોડેસવારીની સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા છે. ગોડેસવારી સિંગલ્સ સ્પર્ધામાં ફવાદ મિર્ઝાએ ભારત માટે પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. બીજો સિલ્વર મેડલ ટીમ સ્પર્ધામાં મળ્યો. મિર્ઝાએ સેનોર મેડિકોટ નામના ઘોડા સાથે ફાઈનલમાં 26.40 સેકન્ડમાં પોતાની સ્પર્ધા પુરી કરીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું. પાંચ વર્ષની વયથી ઘોડેસવારી કરી રહેલા ફવાદે 2014માં એશિયન રમતોત્સવમાં આ સ્પર્ધામાં 10મું સ્થાન હાંસલ કર્યું હતું. 

એશિયાડમાં તેનો આ પ્રથમ મેડલ છે. આ ઉપરાંત, ટીમ સ્પર્ધામાં ભારતે બીજું સ્થાન મેળવ્યું હતું. રાકેશ કુમાર, આશીષ મલિક, જિતેન્દ્ર સિંહ અને મિર્ઝાની ટીમે 121.30 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. 

મહિલા કમ્પાઉન્ડ ટીમની સેમિફાઈનલમાં ભારત
ભારતીય મહિલા તિરંદાજોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખીને મહિલા કમ્પાઉન્ડ ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. મુસ્કાન કિરાર, મધુમિતા કુમારી અને જ્યોતિ સુરેખા વેન્નમની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ઈન્ડોનેશિયાની ટીમને 229-224 પોઈન્ટથી હરાવી હતી. પ્રથણ સેટમાં ભારતીય ટીમને 56-57થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભારતીય મહિલા તિરંદાજોએ બીજો સેટ 58-56થી જીતી લીધો હતો. ઈન્ડોનેશિયાની ટીમે ત્રીજો સેટ 57-56થી જીતી લીતાં સ્પર્ધા રોમાંચક બની હતી. જોકે ભારતીય ટીમે ચોથો સેટ 59-54થી જીતીને ક્વાર્ટર ફાઈનલ જીતી લીધી હતી. સેમિફાઈનલમાં ભારતીય ટીમ ચીની તાઈપેની ટીમ સામે રવિવારે જ રમશે. 

કેનોએ ટીબીઆર 500મી.ની ફાઈનલમાં મહિલા, પુરુષ ટીમ
ભારતીય મહિલાઓ અને પુરુષોએ કેનોએ ટીબીઆર 500મી. સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય મહિલા ટીમે આ સ્પર્ધાના ફાઈનલ-બી વર્ગમાં સ્થાન મેળવ્યું છે. પુરુષ ટીમે પણ ફાઈનલ-બીમાં પ્રવેશ મેળવ્યો છે. સેમિફાઈનલમાં બીજા તબક્કામાં ભારતીય મહિલા ટીમે 2 મિનિટ અને 33.897 સેકન્ડનો સમય લઈને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભારતીય પુરુષ ટીમે રીપચેઝમાં 2 મિનિટ અને 23.162 સેકન્ડનો સમય લઈને બીજું સ્થાન હાંસલ કરી સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર બાદ સેમિફાઈનલના પ્રથમ તબક્કામાં 2 મિનિટ 22.505 સેકન્ડનો સમય લઈને પાંચમું સ્થાન મેળવ્યું હતું. 

ટેબલ ટેનિસમાં વિજયી શરૂઆત
ભારતીય મહિલા ખેલાડીઓએ ટેબલ ટેનિસમાં વિજયી શરૂઆત કરી છે. મહિલા ટેબલ ટેનિસ ટીમે કતારને પુલ-એમાં 3-0થી હરાવ્યું હતું. પ્રથમ મેચમાં મોઉમા દાસે ભારતીય ટીમ માટે ખાતું ખોલ્યું હતું. તેણે કતારની મહા અલીને 11-3, 11-2, 11-4થી હરાવી હતી. ત્યાર બાદ અહિકા મુખર્જીએ બીજી મેચમાં મોહમ્મદ અયાને 11-2, 10-12, 11-2, 11-3થી હરાવી ટીમને 2-0ની લીડ અપાવી હતી. સુતિર્થા મુખર્જીએ ત્રીજી મેચમાં મહા ફરામાર્ઝીને 11-3, 11-3, 11-6થી હરાવીને ભારતનો વિજય પાકો કર્યો હતો. 

તીરંદાજીમાં પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં 
ભારતીય ટીમે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં કતારીની ટીમને 227-213ના સ્કોર સાથે હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. 

સાતમા દિવસે એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ જીત્યા  હતા 

ગઈકાલે સાતમા દિવસે ભારતે એથલેટિક્સમાં એક ગોલ્ડ અને સ્કવેશમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ મહિાલ સિંગલ્સમાં, જ્યારે સૌરભ ઘોષાલે પુરુષ સિંગલ્સમાં સ્ક્વેશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એથલેટિક્સમાં તેજિંદરે પાંચમા પ્રયાસમાં 20.75 મીટર દૂર ગોળો ફેંકીને એશિયાડ અને નેશનલ રેકોર્ડ બનાવવાની સાથે ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More