Home> LifeStyle
Advertisement
Prev
Next

Gujarat Tourism: ગુજરાતના આ 7 ધોધ સામે અમેરિકાનો Niagara Falls પણ છે ફેલ! ચોમાસામાં ફરવાની બેસ્ટ જગ્યા

Monsoon Picnic Spot of Gujarat: હરવા ફરવાના શોખીનેને કોઈપણ ઋતુ હોય ફરવાનું બહાનું મળી જ જાય છે. ત્યારે ચોમાસામાં ફરવાની પણ કંઈક અલગ જ મજા છે. જો તમે ચોમાસામાં ફરવાના શોખીન હોવ અને ફરવાની જગ્યા શોધતા હોવ તો તમારી ગાડી લઈને ઉપડી જવાય એવી આ છે ગુજરાતની સૌથી બેસ્ટ 7 જગ્યાઓ જ્યાં છે તમે માણી શકશો ધોધની મોજ.

Gujarat Tourism: ગુજરાતના આ 7 ધોધ સામે અમેરિકાનો Niagara Falls પણ છે ફેલ! ચોમાસામાં ફરવાની બેસ્ટ જગ્યા

Most Beautiful Tourist Places In Monsoons: ચોમાસામાં ફરવું હોય તો ગુજરાતના આ 7 ધોધ છે સૌથી બેસ્ટ. ચોમાસુ હવે બસ આવી જ ચુક્યું છે. ત્યારે હરવા ફરવાના શોખીનો માટે અમે આ આર્ટિકલમાં લાવ્યાં છીએ એવી માહિતી કે જે જાણીને તમને મજો પડી જશે. શું તમે પણ કાળઝાળ ગરમીથી કંટાળ્યા છો અને ચોમાસામાં ફ્રેન્ડ, ફેમિલી કે તમારા પાર્ટનર સાથે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો ગુજરાતના આ સ્થળ તમારા માટે બનશે બેસ્ટ વિકલ્પ. જીહાં અહીં આપવામાં આવ્યાં છે ચોમાસામાં મોજ પડી એવા ગુજરાતના 7 સૌથી સુંદર વોટર ફોલ એટલેકે, ઝરણાંઓ...ધોધ....

વરસાદ પછી વાતાવરણ એકદમ રોમાન્સ થી ભરેલું બની જાય છે. વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ સક્રિય થઈ જાય છે. ગુજરાતના ઘણા બધા ધોધ એવા છે કે વરસાદ શરૂ થતાં એટલા રમણીય દ્રશ્યો સર્જાય છે. કે ત્યાં જઈને બધાનું મન ખુશ થઈ જાય છે. વરસાદ શરૂ થતાં પ્રવાસીઓની અવરજવર પણ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં ઘણા બધા કુદરતી સૌંદર્યથી સભર સ્થળો આવેલા છે. જ્યાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે.

ગુજરાતમાં એટલી બધી ખૂબસૂરત જગ્યાઓ છે કે તમે ફરવાનો આનંદ ક્યારેય ભૂલી નહીં શકો. વીક એન્ડ પ્લાન માટે ગુજરાતમાં ચોમાસા માં ફરવા લાયક ખૂબસૂરત વોટરફોલ તમે પ્લાન કરી શકો છો મિત્રો અને ફેમિલી સાથે. બધાને ચોમાસાની મોસમમાં વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવતી હોય છે. કુદરત પણ મસ્ત મોસમ ની રચના કરી છે .ઠંડી, તડકો અને પાણી ખરેખર ભગવાને ઝાડ પાન, પ્રકૃતિ, નદી, ઝરણા, અને સાગર, મહાસાગર આ બધી રચનાઓમાં જાણે કુદરત હાજર હોય એવો અહેસાસ થાય છે. ગુજરાતમાં આમતો ઢગલાબંધ ધોધ આવેલાં છે પણ અહીં વાત કરવામાં આવી છે સૌથી રમણીય ધોધની.

ગુજરાતમાં કયા કયા સૌથી સુંદર ધોધ આવેલાં છે?
1) ઝાંઝરી ધોધ (દહેગામ):
ચોમાસામાં ફરવા લાયક ધોધ એટલે આપણું ઝાંઝરી. જીહાં, ઝાંઝરી ધોધ અમદાવાદથી માત્ર 74 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલો છે. અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ ની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તે નો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે તેથી ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પરિવાર અને મિત્રોની સાથે આ જવા જેવી જગ્યા છે ફોટોગ્રાફી માટે પણ આ સુંદર સ્થળ છે. ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ વીકેન્ડમાં અહીં ફરવા માટે આવે છે.

2) ગીરા ધોધ (ડાંગ):
ગીરાધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલો છે. ગીરાધોધ એ અંબિકા નદી કિનારે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે જોવા મળે છે. ગીરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. ચોમાસામાં અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોય છે માટે અહીંયા ખૂબ જ મજા આવે છે. ગીરાધોધ માં સવારના સમયે ધુમ્મસ અને મેઘ ધનુષ થી છવાયેલું વાતાવરણ જોવા મળે છે. ગીરાધોધ માં વરસાદી પાણી ઝરણા, નદી , પર્વત છે . ગુજરાતના આ ધોધ માં સૌથી વધુ પ્રવાસીઓ ગીરાધોધ માં આવે છે. ગીરા નદીના નામ પરથી જ આ ધોધને ગીરાધોધ ના નામે ઓળખવામાં આવે છે ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા માટે ચેકડેમ પણ ત્યાં બનાવવામાં આવ્યો છે. ૩૦ મીટરની ઊંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે. ગીરાધોધની મુલાકાત માટે ચોમાસાની ઋતુ સૌથી બેસ્ટ ગણાય છે.

3) ચીમેર નો ધોધ (ડાંગ):
ચિમેર નો ધોધ ડાંગ જીલ્લામાં આવેલો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા ને ત્યાં જ રહી જવાનું મન થઈ જાય છે. આ ધોધ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ચિમેર નો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ સુંદર લાગે છે. આને ગુજરાતના નાયગ્રા ફોલ પણ કહેવામાં આવે છે. આ ની મુલાકાત એકવાર અવશ્ય લેજો.

4) ઝરવાણી ધોધ (નર્મદા):
નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે. 

5) નિનાઈ ધોધ (નર્મદા):
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી આશરે35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણિય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. નીચાણવાળા ચેહરા પર લોકો નાહવાની મજા અહીં માણે છે હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ છે.

6) હાથણી માતા ધોધ (વડોદરા):
હાથણી માતાના ધોધ ની સુંદરતા વરસાદ પડતાં એટલી સુંદર થઈ જાય છે કે લીલીછમ ચુંદડી ઓઢી લીધી હોય એવું લાગે છે. અનેક સ્થળો થી નાના નાના ઝરણાઓ વહે છે. આ સિવાય અહીંયા હાથણી માતાનું મંદિર અને ગુફા આવેલી છે હાથણી માતાનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. ચોમાસામાં ભક્તો શિવના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ ધોધની મુલાકાત લે છે. આ ધોધ આગળ ખૂબ ઊંચી ટેકરીઓ આવેલી છે એમાંથી એક ટેકરી પરથી આવતું પાણી ટેકરી ની ઉભી કરાર પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઊભા રહીને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો અને નીચે પડતો આ ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે. તેની આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડીઓ છે. જ્યાં ધોધ પડે છે ક્યાં એક ગુફા આવેલી છે તેમાં હાથણી ના આકાર નો મોટો પથ્થર છે એટલે આ ધોધને હાથણી માતાનો ધોધ કહેવામાં આવે છે. ઘણા લોકો આ ગુફામાં હાથણી માતા ની પૂજા કરે છે અને આ જ મંદિરમાં શિવજીનું શિવલિંગ પણ છે.શનિ-રવિ હાથણી માતાના ધોધ પર ખૂબ જ પબ્લિક હોય છે. અહીંયા નું દ્રશ્ય જોઈને તમને તો વિશ્વાસ થશેજ નહીં કે આ કોઈ ગુજરાતનું હિલ સ્ટેશન છે અહીંયા પહેલો વરસાદ પડતાં જ આ વહેણ ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે. હાથણી માતા ના ધોધે શિવભક્તોની આસ્થાનું પ્રતિક અને સહેલાણીઓને ફરવા નો ખુબ જ સરસ સ્થળ છે. એક વાર મિત્ર કે ફેમિલી સાથે હાથણી માતાના ધોધ ની અવશ્ય મુલાકાત લેજો. 

7) બરડા ધોધ (પંચમહાલ):
ડાંગના જંગલમાં આવેલો આ બરડા ધોધ પંચમહાલ તરફ જતા10 કિલોમીટર દૂર આવેલો છે ચોમાસામાં વરસાદના લીધે આ ધોધનો પ્રવાહ ખૂબ જોવા મળે છે.. ચનખલ ગામથી બરડા ધોધ ચાલતા જવા માટે પણ રસ્તો છે 30 મિનિટનો સમય લાગે છે. આ ધોધને જોઇને કોઇનું પણ મન મોહી લે એવું દ્રશ્ય સર્જે છે. અહીં ખડકો પરથી પડતું પાણી નીચે તળાવ માં આવે છે. ધોધ ની આજુબાજુ ખુબ સરસ હરિયાળી અને ત્યાં બેસીને આ નઝારો જોવાની ખૂબ જ મજા આવે છે. 

આ સિવાય પણ ગુજરાતમાં ઘણા બધા ધોધ આવેલા છે જેમકે જમજીર ધોધ તે જુનાગઢ ની બાજુમાં આવેલો છે. ખુણીયા મહાદેવ ધોધ એ પાવાગઢ ની બાજુમાં આવેલો છે. ત્રંબક ધોધ એ ભાવનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલો છે ત્યાં બાળકોને રમવા માટે ખૂબ જ મોટી જગ્યા છે. જંજીર ધોધ એપ સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીરના જંગલોમાં આ ધોધ આવેલો છે અહીં આવવાની ખૂબ જ મજા માણી શકાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણા બધા ધોધ આકર્ષણનું કેન્દ્ર બને છે. ચોમાસામાં હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ખૂબ જ મજા આવે છે.વરસાદની સિઝનમાં મિત્રો કે ફેમિલી સાથે કુદરતી સૌંદર્ય માણવા એકવાર જરૂર જવું જોઈએ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More