Home> India
Advertisement
Prev
Next

ઉર્જિત પટેલના રાજીનામા બાદ હવે શું, કોણ બનશે RBIના ગવર્નર?

ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. અહીં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, RBIના વડાની મહત્વપૂર્ણ જવાબદારી કોને સોંપાઈ શકે છે? 

ઉર્જિત પટેલના રાજીનામા બાદ હવે શું, કોણ બનશે RBIના ગવર્નર?

નવી દિલ્હીઃ અચાનક સર્જાયેલા એક ઘટનાક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ સ્વાયત્તતાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ બાદ અનુમાન હતું કે ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે. જોકે, એ સમયે વિવાદનો ઉકેલ આવી ગયો હતો અને તેના સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. 

હવે, ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. અહીં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, RBIના વડાની મહત્વપૂર્ણ જવાબદારી કોને સોંપાઈ શકે છે? એ તો સૌ જાણે છે કે જે રીતે ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું છે, ત્યાર બાદ નવો ગવર્નર પસંદ થવામાં સમય લાગશે. 

આરબીઆઇ ગર્વનર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું

એટલે કે, હવે વચગાળાના અધિકારી તરીકે કોઈને જવાબદારી સોંપવી પડશે. આવી પરિસ્થિતિમાં RBIમાં જે નંબર-2 હોય તેને જવાબદારી મળે છે. હવે, RBIમાં નંબર-2 પદ પર વીરલ આચાર્ય છે. હકીકતમાં સરકાર અને RBI વચ્ચેના વિવાદની શરૂઆત જ વીરલ આચાર્યની ટીપ્પણી બાદ થઈ હતી. જેમાં, તેમણે RBIની સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે કેટલાક પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. આથી, વચગાળાના ગવર્નર તરીકે તેમને RBIની જવાબદારી કદાચ જ મળી શકે એમ છે. 

fallbacks

હવે જો વીરલ આચાર્યને આ જવાબદારી ન સોંપાય તો ત્રીજા નંબરના સૌથી વરિષ્ઠ અધિકારીને ઉર્જિત પટેલની જવાબદારી આપી શકાય છે. કે પછી સરકાર બહારથી કોઈ વ્યક્તિને લાવીને બેસાડી શકે છે, જ્યાં સુધી આરબીઆઈને કોઈ નવો ગવર્નર ન મળી જાય. 

આવી પરિસ્થિતિમાં RBIનો કાયદો જણાવે છે કે, જો ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર આ જવાબદારી પૂરી કરવા માટે ઉપલબ્ધ ન હોય તો કેન્દ્ર સરકાર પાસે ત્રીજી વ્યક્તિની નિમણૂક કરવાનો અધિકાર છે. જોકે, તેના માટે તેમણે RBIના કેન્દ્રીય બોર્ડની મંજૂરી લેવાની રહેશે. વર્તમાનમાં RBIમાં ચાર ડેપ્યુટી ગવર્નર છે, એન.એસ. વિશ્વનાથ, વીરલ આચાર્ય, બી.પી. કાનુનગો અને એમ.કે. જૈન. 

ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી ખાસ 5 બાબતો અને ગુજરાત કનેક્શન...

શક્તિકાંત દાસ અને એન.એસ. વિશ્વનાથનું નામ પણ ચર્ચામાં 
ઉર્જિત પટેલનું સ્થાન લેવા માટે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. આ ઉપરાંત RBIના ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનું નામ પણ છે. શક્તિકાંત દાસનું નામ એટલા માટે સૌથી આગળ મનાય છે, કેમ કે કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકે શક્તિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે. 

fallbacks
(નોટબંધીના સમયે શક્તિકાંત દાસ સૌથી વધુ ચર્ચામાં હતા- ફાઈલ ફોટો)

26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ ઈતિહાસમાં એમ.એ. અને તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ નિવૃત્તિ બાદ વર્તમાનમાં ભારતના 15મા નાણા પંચ અને શેરપા G-20માં ભારતના પ્રતિનિધિ તરીકે સભ્ય છે. તેમણે ભારતના આર્થિક બાબતોના સચિવ, ભારતના મહેસુલ સચિવ અને ભારતના ખાતર વિભાગના સચિવ તરીકે પણ કામ કરેલું છે. કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાંના એક માનવામાં આવતા હતા. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More