Home> India
Advertisement
Prev
Next

ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટ

Water Crisis: એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. 

ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટ
  • દેશના 3 રાજ્યમાં સર્જાયું જળસંકટ
  • નવી દિલ્લી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં જળસંકટ
  • ભીષણ ગરમીથી દુકાળ જેવી સ્થિતિ
  • પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટ
  • મેઘરાજા પર આશા, ઝડપથી વરસવા પ્રાર્થના

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભીષણ ગરમી અને લૂના કારણે અડધું ભારત ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યું છે... તો દેશના ત્રણ રાજ્યોમાં જળસંકટે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.... મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને નવી દિલ્લીમાં આ વર્ષે કાળઝાળ ગરમીની વચ્ચે લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.... 3 રાજ્યોના કયા વિસ્તારમાં કેવી છે સ્થિતિ?... લોકોનું આ અંગે શું કહેવું છે?... જાણો વિગતવાર આ રિપોર્ટમાં...

  • મહારાષ્ટ્રના નાશિકમાં કૂવામાં પાણી ખૂટી પડ્યું...
  • ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણી માટે રઝળપાટ...
  • નવી દિલ્લીમાં લોકોનું જીવન ટેન્કર પર નિર્ભર...

આ સ્થિતિ દેશના 3 રાજ્યોની છે...જે તે સાબિત કરવા માટે પૂરતી છે કે પાણી ના હોય તો શું હાલત થાય? એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ સ્થિતિની વચ્ચે ઘરમાં પીવાનું કે વપરાશનું પાણી ન હોય તો? આ સવાલ જ ડરામણો છે. પરંતુ આવી સ્થિતિનું નિર્માણ દેશના 3 રાજ્યોમાં થયું છે.

સૌથી પહેલાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રના નાશિકની. આ દ્રશ્યો પેઠ ચોલમુખ ગામના છે. અહીંયા ભીષણ ગરમીના કારણે દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામમાં કૂવો આવેલો છે પરંતુ તેમાં નહિવત પાણી બચ્યું છે. જેમાંથી પાણી ભરવા માટે મહિલાઓને કલાકો સુધી બેસી રહેવું પડે છે. એક મહિલા તો જીવના જોખમે દોરડાની મદદથી કૂવામાં ઉતરીને વાટકાની મદદથી પાણી ભરી રહી છે.

નાશિકના ચોલમુખ ગામ કરતાં પણ ખરાબ સ્થિતિ બુંદેલખંડના છતરપુરમાં સર્જાઈ છે. કેમ કે અહીંયા મોટાભાગનો વિસ્તાર પહાડી પ્રદેશ છે. ઘર સુધી નળ કે પાઈપલાઈન પહોંચી નથી. જેના કારણે અહીંયાના લોકો પહાડોમાંથી આવતાં પાણીના સહારે જીવન પસાર કરી રહ્યા છે. દૂર-દૂર પહાડો પરથી નીચે ઉતરીને પાણી ભરવા જવું પડે છે.  દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પહાડોમાંથી આવતાં પાણીને વાસણમાં ભરી રહ્યા છે. મહિલાઓને પીવાના પાણી અને વપરાશના પાણી માટે રઝળપાટ કરવી પડે છે. માત્ર મહિલાઓ જ નહીં પુરુષો પણ પીવાના પાણી ભરવાની પ્રક્રિયામાં જોડાઈ જાય છે. 

નવી દિલ્લીના અનેક વિસ્તારો પણ ભારે ગરમીની સાથે જળસંકટની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. રોજ સવારે ઉઠીને લોકો હાથમાં જ વાસણ આવે તે લઈને ટેન્કરની રાહ જોઈને બેસી જાય છે. ટેન્કર આવતાં જ લોકો પાણી માટે જાણે યુદ્ધમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ તો આ 3 રાજ્યના આ વિસ્તારોની સ્થિતિ સૌથી કફોડી છે. જો હજુ પણ વરસાદ નહીં પડે તો અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે... ત્યારે લોકો ઈન્દ્ર દેવને પ્રસન્ન થવા અને મન મૂકીને વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે. કેમ કે વરસાદ પડશે તો જ લોકોને ગરમી અને જળસંકટમાંથી મોટી રાહત મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More