Home> India
Advertisement
Prev
Next

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં, SCના 5માંથી 3 જજોનો ફેસલો

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં, SCના 5માંથી 3 જજોનો ફેસલો

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધિકારો મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ચુકાદો વાંચી સંભળાવ્યો. જજે કહ્યું કે દેશમાં લોકતાંત્રિક મૂલ્ય જ સૌથી મોટું છે. ચૂંટાયેલી સરકારે જનતાને જવાબ આપવાના હોય છે. આથી અધિકારોમાં સંતુલન જરૂરી છે. બંધારણનું સન્માન કરવું જોઈએ. આપણે  તેનાથી અલગ નથી. આપણી સંસદીય પ્રણાલી છે, કેબિનેટે સંસદને જવાબ આપવાના હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંઘ પ્રદેશોના માળખામાં રાજ્યોને પણ સ્વતંત્રતા છે. કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કરવું જોઈએ. કેબિનેટના ચુકાદાને લટકાવી રાખવો એ યોગ્ય નથી. વિવાદ હોય તો રાષ્ટ્રપતિ પાસે જવું યોગ્ય છે. આથી એલજી-કેબિનેટ વચ્ચે મતભેદની સ્થિતિમાં રાષ્ટ્રપતિ પાસે જવું જોઈએ. જ્યાં સુધી બંધારણ મંજૂરી ન આપે ત્યાં સુધી એલજી સ્વતંત્ર રીતે કોઈ નિર્ણય લઈ શકે નહીં. ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહથી કામ કરે. દિલ્હી-કેન્દ્ર અધિકાર વિવાદ પર આજે એટલે કે બુધવારે કોર્ટના 5 જજોની બંધારણીય પીઠનો ચુકાદો આવ્યો.  આ મામલે બંધારણીય પીઠે ગત વર્ષે 6 ડિસેમ્બરે સુનાવણી પુરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટ 2016ના દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં કેન્દ્રના પ્રતિનિધિ ઉપરાજ્યપાલની મંજૂરીથી જ નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણયને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને એક આંચકો આપતા કહી દીધુ કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર કેન્દ્રશાસિત રાજ્યો ઉપરાંત દેશના તમામ રાજ્યોની પણ નજર હતી. બંધારણીય પીઠમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સાથે જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.

શું કહ્યું જજે?

  • સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો
  • કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલ દિલ્હીમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી, એલજીએ કેબિનેટની સલાહ મુજબ કામ કરવાનું રહેશે.
  • આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટતા કરી કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો શક્ય નથી.
  • જસ્ટિસ દીપક મિશ્રાએ ટિપ્પણી કરતા કહ્યું કે ઉપરાજ્યપાલે દિલ્હી સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ. પોલીસ, જમીન અને પબ્લિક ઓર્ડર ઉપરાંત દિલ્હી વિધાનસભા કોઈ પણ કાયદો બનાવી શકે છે.
  • જો કે કોર્ટે એ પણ કહ્યું કે દિલ્હીમાં કોઈ પણ પ્રકારની અરાજકતાને જગ્યા નથી. સરકાર અને એલજીએ સાથે મળીને કામ કરવું જોઈએ.
  • દિલ્હીની સ્થિતિ અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્ણ રાજ્યો કરતા અલગ છે. આથી બધા સાથે મળીને કામ કરે.
  • ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા કહ્યું કે બંધારણનું પાલન કરવું એ આપણા બધાની ફરજ છે. બંધારણ મુજબ જ પ્રશાસનિક ફેસલા લેવા એ સામૂહિક ડ્યૂટી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો હોવા જોઈએ. રાજ્યોને રાજ્ય અને સમવર્તી સૂચિ હેઠળ બંધારણીય અધિકારોના ઉપયોગનો હક છે.
  • જસ્ટિસ ચંદ્રચૂડે  કહ્યું કે જ્યારે દેશની લોકતાંત્રિક સંસ્થાઓ બંધ થઈ જાય છે ત્યારે રાષ્ટ્ર ફેલ જાય છે. મતભેદો વચ્ચે રાજનેતાઓ અને અધિકારીઓએ મળીને કામ કરવું જોઈએ.
  • તેમણે કહ્યું કે અસલ શક્તિ અને જવાબદારી ચૂંટાયેલી સરકારની જ બને છે. ઉપરાજ્યપાલ મંત્રીમંડળના નિર્ણયોને લટકાવીને રાખી શકે નહીં.
  • તેમણે કહ્યું કે એલજીનું કામ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવાનું છે. તેમણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ચૂંટાયેલી સરકાર પાસે લોકોની સહમતિ છે.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ઉપરાજ્યપાલે ફક્ત કેબિનેટની સલાહ ઉપર જ ચુકાદો લેવો જોઈએ. નહીં તો મામલો રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવો જોઈએ.
  • જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે એલજીનું કામ દિલ્હી સરકારના દરેક નિર્ણય પર રોકટોક કરવાનું નથી, કે મંત્રીપરિષદના દરેક ચુકાદાને એલજીની મંજુરીની જરૂર નથી.

અગાઉ સુનાવણીમાં શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે?

લગભગ 15 દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ નજરે ઉપરાજ્યપાલ જ દિલ્હીના પ્રમુખ જોવા મળે છે. પરંતુ રોજબરોજના કામમાં તેમના હસ્તક્ષેપથી મુશ્કેલીઓ આવી શકે છે. દિલ્હીના લોકોના હિતમાં રાજ્ય સરકાર અને એલજીએ મળીને કામ કરવું જોઈએ. દિલ્હી સરકારની દલીલ હતી કે દિલ્હીનો દરજ્જો બીજા કેન્દ્રશાસિત પ્રદેશથી અલગ છે. બંધારણની કલમ 239 AA હેઠળ દિલ્હીમાં વિધાનસભાની જોગવાઇ છે. અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી એક સરકારની રચના થાય છે. આ ચૂંટાયેલી સરકારને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ.

જવાબમાં કેન્દ્ર સરકારનું કહેવું હતું કે, જે બંધારણની કલમ 239 AAનો હવાલો દિલ્હી સરકાર આપી રહી છે, તેમાં પણ એલજીનો દરજ્જો રાજ્ય સરકારથી ઉપર માનવામાં આવ્યો છે. મંત્રીમંડળ અને ઉપરાજ્યપાલમાં કોઈ વિષય પર મતભેદ થવા પર તેને રાષ્ટ્રપતિની પાસે મોકલવાની વાત કરવામાં આવી છે. પરંતુ તે વાત પણ લખેલી છે કે રાષ્ટ્રપતિનો નિર્ણય આવે ત્યાં સુધી રાજ્યપાલનો નિર્ણય માનવામાં આવશે.

દિલ્હી સરકારે સુનાવણી દરમિયાન એલજીની પાસે જરૂરી ફાઇલો પેન્ડિંગ હોવાનો પણ હવાલો આપ્યો. કોર્ટે કહ્યું કે, જો આમ હોય તો દિલ્હીના હિતમાં નથી. પરંતુ કેન્દ્ર સરકારના વકીલે દાવો કર્યો કે ફાઇલોને અટકાવવાની ફરિયાદ યોગ્ય નથી. એલજી સચિવાલયની જરૂરી ફાઇલોનો ઝડપથી નિકાલ કરે છે.

દિલ્હી હાઈકોર્ટે એલજીને ગણાવ્યાં હતાં દિલ્હીના બોસ
આ અગાઉ આ મામલે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે ઉપરાજ્યપાલને દિલ્હીના બોસ ગણાવ્યાં હતાં. 4 ઓગસ્ટ 2016ના રોજ થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે ઉપરાજ્યપાલ જ દિલ્હીના પ્રશાસનિક પ્રમુખ છે અને દિલ્હી સરકાર એલજીની મરજી વગર ન તો કાયદો ઘડી શકે કે વિધાનસભામાં રજુ કરી શકે.

આપ સરકારની દલીલ
આ અગાઉ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ આમ આદમી પાર્ટીની સરકારે સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ સામે અનેક દલીલો કરી હતી. દિલ્હી સરકારે કહ્યું હતું કે તેમની પાસે વિધાયી અને કાર્યપાલિકા બંને અધિકાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ પાસે કોઈ પણ કાયદો બનાવવાના વિધાયી પાવર છે. જ્યારે બનાવવામાં આવેલા કાયદાને લાગુ કરાવવા માટે તેમની પાસે કાર્યપાલિકાના અધિકાર છે. દિલ્હી સરકારે એમ પણ કહ્યું હતું કે ઉપરાજ્યપાલ અનેક પ્રશાસનિક ફેસલા લઈ રહ્યાં છે અને આવી સ્થિતિમાં લોકતાંત્રિક રીતે ચૂંટાઈ આવેલી સરકારના બંધારણીય જનાદેશને પૂરા કરવા માટે બંધારણની કલમ 239એએની વ્યાખ્યા જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More