Home> India
Advertisement
Prev
Next

'ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ધવ ક્લિન બોલ્ડ?

છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક રંગ જોવા મળ્યાં છે. આ રાજકારણના ખેલમાં કેન્દ્રમાં શિવસેના રહી. પરંતુ છેલ્લે તે હારી. આ સમગ્ર રાજનીતિક પરિદ્રષ્ટની સરખામણી મેચ સાથે કરીએ તો શિવસેનાએ આખો દિવસ શાનદાર બેટિંગ કરી પરંતુ જ્યારે મેચ જીતવાનો સમય આવ્યો તો કોંગ્રેસની ગુગલી પર ક્લિન બોલ્ડ થઈ ગઈ.

'ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ધવ ક્લિન બોલ્ડ?

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક રંગ જોવા મળ્યાં છે. આ રાજકારણના ખેલમાં કેન્દ્રમાં શિવસેના રહી. પરંતુ છેલ્લે તે હારી. આ સમગ્ર રાજનીતિક પરિદ્રષ્ટની સરખામણી મેચ સાથે કરીએ તો શિવસેનાએ આખો દિવસ શાનદાર બેટિંગ કરી પરંતુ જ્યારે મેચ જીતવાનો સમય આવ્યો તો કોંગ્રેસની ગુગલી પર ક્લિન બોલ્ડ થઈ ગઈ. રાજારણના વિદ્યાર્થી તરીકે આ ઘટનાને સમજીએ તો આ સમગ્ર ખેલમાં એ જ સમજાયું કે શિવસેનાએ બાળકબુદ્ધિ વાપરીને રાજકારણ ખેલ્યું. સરકાર બનાવવાને લઈને ઉદ્ધવ ઠાકરે એટલા તે ઉતાવળા થઈ ગયા કે તેઓ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ સામે પોતાનો ફજેતો કરાવી બેઠા. આ સાથે જ શિવસેના શરદ પવાર જેવા કાબિલ ની ચાલને પણ બરાબર ઓળખી શક્યા નહીં. આવો આપણે વિસ્તારથી સમજીએ કે શિવસેના ક્યાં પછડાટ ખાઈ ગઈ. 

ઉતાવળી જોવા મળી શિવસેના
રવિવારે સાંજે ભાજપે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને જણાવ્યું કે તેઓ એકલા હાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સક્ષમ નથી અને ત્યારબાદ રાજ્યપાલે બીજા નંબરની પાર્ટી શિવસેનાને આ તક આપી. રવિવારે મોડી સાંજે ખબર આવ્યાં કે શિવસેના અને એનસીપી વચ્ચે સરકાર બનાવવાને લઈને ડીલ થઈ ગઈ છે. જે મુજબ ઉદ્ધવ ઠાકરે  પોતે મુખ્યમંત્રી બનશે. જ્યારે શરદ પવારના ભત્રીજા અજીત પવારને ઉપ મુખ્યમંત્રી પદ મળી શકે છે અને જયંત પાટિલને ગૃહમંત્રી બનાવી શકે છે. આ સરકારને કોંગ્રેસ બહારથી સમર્થન આપી શકે છે અને તેના બદલે કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળશે. આ ખબરને વધુ સમર્થન શિવસેના સાંસદ સંજય રાઉત તરફથી મીડિયામાં આવેલા નિવેદનોથી મળ્યું. 

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી શિવસેનાનો બનશે. તેમણે  કહ્યું એટલે સમજી લેવું કે ગમે તે કિંમતે તે જ થશે. 

શિવસેનાએ સમજ્યા વિચાર્યા વગર મોદી સરકાર સાથે તોડ્યો સંબંધ 
શિવસેના તરફથી આવેલા નિવેદન તે સમયે સાવ વામણા સાબિત થયા જ્યારે સરકાર બનાવવાને લઈને સોમવારે વાતચીતનો દોર શરૂ થયો. બપોરે લગભગ એક વાગે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતે એનસીપી પ્રમુખ શરદ પવારને મળવા માટે મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડ પહોંચ્યા હતાં. મીડિયામાં એવા અહેવાલો આવ્યાં કે એનસીપી અને શિવસેના વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આ બધા વચ્ચે એનસીપી પ્રવક્તા ભુક્કલ નવાબે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે શિવસેના સાથે મળીને સરકાર બનવા તૈયાર છે પરંતુ તેના પર કોંગ્રેસની સહમતિ જરૂરી છે. નવાબના આ નિવેદનથી સંકેત મળી ગયો કે ડીલમાં હજુ પણ પેચ ફસાયેલો છે. 

જુઓ LIVE TV

આ દરમિયાન મીડિયામાં એવા પણ અહેવાલો આવ્યાં કે શરદ પવારે શિવસેના સામે શરત રાખી છે કે પહેલા ભાજપ સાથે નાતો તોડો અને કેન્દ્ર સરકારમાં તમારા મંત્રીને રાજીનામું અપાવો. જે મુજબ શિવસેના નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપી પણ દીધુ. આ રાજીનામા બાદ લાગ્યું કે શિવસેના લગભગ સરકાર બનાવવાનો જુગાડ રમી ગઈ છે પરંતુ હકીકતમાં એવું બન્યું નહીં. 

આખો દિવસ કોંગ્રેસે શિવસેનાની મૂંઝવણમાં રાખી
અચાનક ત્યારે જ ખબર આવ્યાં કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ CWCની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિવસેનાને સમર્થન આપવા પર સહમતિ બની નહીં. ત્યારબાદ સાંજે ચાર વાગે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતે સોનિયા ગાંધી સાથે વાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ તેનું કોઈ અધિકૃત નિવેદન આવ્યું નહીં. 

ત્યારબાદ સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાન પર ફરી એકવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમ કે મલ્લિકાર્જૂન ખડગે, અહેમદ પટેલ, એકે એન્ટોની, અશોક ચૌહાણ જેવા વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી. જેમાં સોનિયા ગાંધીએ જયપુરમાં રોકાયેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાયકો સાથે પણ વાત કરી. આ બેઠકનું કોઈ પરિણામ આવે તે પહેલા જ શિવસેના જૂથમાંથી એવા ખબર આવવા લાગ્યા કે એનસીપીએ ફેક્સ દ્વારા સીધો રાજભવન પત્ર મોકલીને શિવસેનાને સમર્થન જાહેર કર્યું છે. જ્યારે સોનિયા ગાધીએ શિવસેના-એનસીપી સરકારને બહારથી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. 

આદિત્યના હસતાં ચહેરા પાછળ છલકાતી હતી નિષ્ફળતા!
સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ શિવસેના વિધાયક અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે થોડા વિધાયકો સાથે હસતાં હસતાં રાજભવન પહોંચ્યા હતાં. મીડિયામાં તસવીરો અને ખબરો આવી કે શિવસેનાએ 161 વિધાયકોના સમર્થનનો પત્ર રાજ્યપાલ કોશ્યારીને સોંપતા સરકાર બનાવવાનો દાવો કર્યો છે. 

રાજ્યપાલ સાથે મુલાકાત બાદ જ્યારે આદિત્ય મીડિયા સામે આવ્યાં ત્યારે ખબર પડી કે છેલ્લા 24 કલાકથી ક્રીઝ પર ચોગ્ગા છગ્ગા મારતી શિવસેના કોંગ્રેસની ગુગલી પર બોલ્ડ થઈ ગઈ છે. આદિત્યએ કહ્યું કે રાજ્યપાલે તેમને 24 કલાકની અંદર સરકાર બનાવવા માટે બહુમત ભેગુ કરવાનો સમય આપ્યો હતો પરંતુ આવું બની શક્યું નથી. આદિત્યએ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી સાથે વાત ચાલી રહી છે. તેમણે રાજ્યપાલ પાસે વધુ 24 કલાકનો સમય માંગ્યો પણ તેમણે આપવાની ના પાડી દીધી.

તક મળતા જ એનસીપી પોતે દોડી
ત્યારબાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ત્રીજા નંબરની પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. નોંધવા જેવી વાત એ છે કે સવારે શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરતી એનસીપીએ ફટાકથી રાજ્યપાલનું આમંત્રણ સ્વીકારી લીધુ અને પોતાના નેતા અજીત પવારને રાજભવન મોકલી દીધા. એનસીપી તરફથી કહેવાયું કે મંગળવારે કોંગ્રેસ સાથે મીટિંગ બાદ જ તે સ્પષ્ટ કરી શકશે કે તેઓ સરકાર બનાવી શકવામાં સક્ષમ છે કે નહીં. 

આ સમગ્ર ઘટનાક્રમમાં શિવસેના તરફથી સરકાર બનાવવા માટે બડાશ હાંકવી, કેન્દ્ર સરકારમાંથી પોતાના મંત્રીને રાજીનામું અપાવી દેવાના પગલાં બાદ પણ ખાલી હાથ હોવું સાબિત કરે છે કે રાજકારણના આ ચેક અને મેટના ખેલમાં તે નિષ્ફળ સાબિત થઈ છે. આ સમગ્ર વાતો વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે શિવસેનાને ભલે નિષ્ફળતા મળી હોય પરંતુ સરકાર તેના વગર શક્ય પણ નથી. જો કે એનસીપી અને ભાજપ મળીને સરકાર બનાવે તે વિકલ્પ પણ હજુ ખુલ્લો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More