Home> India
Advertisement
Prev
Next

વારાણસી: કાશીની ભક્તિ-શક્તિને કોઈ બદલી શકે નહીં-પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેઓ 23મી વાર વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે.

વારાણસી: કાશીની ભક્તિ-શક્તિને કોઈ બદલી શકે નહીં-પીએમ મોદી

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેઓ 23મી વાર વારાણસીની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રીએ વારાણસી-પ્રયાગરાજ 6 લેન હાઈવેનું ઉદ્ધાટન કર્યું. 73 કિલોમીટરના આ હાઈવેને પહોળો કરવા પર 2447 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટ વારાણસીને પ્રયાગરાજ સાથે જોડશે. આ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ અહીં બે પ્રાચીન શહેરોને જોડવા માટે આવ્યા છે. 

રિફોર્મ્સના ખુબ મોટા પ્રતિક તો ગુરુ નાનક પોતે હતા
આજે આપણે રિફોર્મ્સની વાત કરીએ છીએ, પરંતુ સમાજ અને વ્યવસ્થામાં રિફોર્મ્સના ખુબ મોટા પ્રતિક તો સ્વયં ગુરુ નાનક દેવજી જ હતા. અમે એ પણ જોયું છે કે જ્યારે સમાજ, રાષ્ટ્રહિતમાં બદલાવ આવે છે ત્યારે જાણે અજાણે વિરોધના સ્વર જરૂર ઉઠે છે. પરંતુ જ્યારે તે સુધારાઓની સાર્થકતા સામે આવવા લાગે છે ત્યારે બધુ ઠીક થઈ જાય છે. આ શીખ આપણને ગુરુ નાનક દેવજીના જીવનમાંથી મળે છે. 

અમારા માટે વારસાનો અર્થ દેશની ધરોહર-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં ભલે ઘણું બધુ બદલાઈ ગયું હોય પરંતુ કાશીની આ ઉર્જા, ભક્તિ અને શક્તિને કોઈ બદલી શકે નહીં. તેમણે કહ્યું કે અમારા માટે વારસાનો અર્થ દેશની ધરોહર. જ્યારે કેટલાક લોકો માટે વારસાનો અર્થ થાય છે, પોતાનો પરિવાર અને પોતાના પરિવારનું નામ, અમારા માટે વારસાનો અર્થ છે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા, આપણા મૂલ્યો! તેમના માટે વારસાનો અર્થ છે પોતાની પ્રતિમા, પરિવારની તસવીરો. 

પીએમ મોદીએ કર્યું સંબોધન
પીએમ મોદીએ કાશી કોટવાલ કી જય, માતા અન્નપૂર્ણા કી જય, માં ગંગા કી જય અને જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ સાથે સંબોધનની શરૂઆત કરી. બધાને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.  આ ઉપરાંત ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વની પણ શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આજે માતા ગંગાના સાનિધ્યમાં કાશી પ્રકાશનો ઉત્સાવ ઉજવી રહી છે. મને પણ મહાદેવના આશીર્વાદથી આ પ્રકાશ ગંગામાં ડુબકી લગાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. 

PM મોદીએ પ્રગટાવ્યો દીપ
કાશી આસ્થાના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીપ પ્રજ્વલિત કરીને દેવ દિવાળી મહોત્સવનો શુભારંભ કર્યો. આ અવસરે પીએમ મોદીએ મંદિરોની વેબસાઈટનું પણ ઉદ્ધાટન કર્યું. 

મંદિર કોરિડોર પ્રોજેક્ટની કરી સમીક્ષા
પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ હવે મંદિર કોરિડોર પ્રોજેક્ટની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ દીપ દાન માટે પહોચ્યા છે. 

કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા
પીએમ નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. પીએમ મોદીએ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. 

લલિત ઘાટ પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ક્રૂઝથી લલિત ઘાટ પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત બાબા વિશ્વનાથના દર્શન પણ કરશે. પીએમ મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ છે. બંને અલકનંદા ક્રૂઝથી જ લલિતા ઘાટ તરફ રવાના થયા હતા. કાશી વિશ્વનાથ કોરિડોરને જલદી પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ 6 લેન હાઈવેના લોકાર્પણ બાદ લોકોને સંબોધન કર્યું. હર હર મહાદેવની સાથે ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે દિવાળીના અવસરે કાશીને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળી રહ્યો છે. પ્રયાગરાજને પણ તેનાથી ફાયદો થશે. 

ગત વર્ષોમાં કાશીમાં ખુબ થયું કામ
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કાશીના સુંદરીકરણની સાથે સાથે અહીંની કનેક્ટિવિટીમાં પણ જે કામ થયું છે તેનો લાભ હવે જોવા મળી રહ્યો છે. નવા હાઈવે બનાવવાના હોય, પુલ, ફ્લાય ઓવર બનાવવાના હોય, જેટલું કામ બનારસ અને આસપાસના ક્ષેત્રોમાં હવે થઈ રહ્યું છે તેટલું આઝાદી બાદ ક્યારેય થયું નથી. 

કાશી અને પ્રયાગરાજ વચ્ચે અવરજવર સરળ
આ હાઈવે પહોળો થવાથી કાશી અને પ્રયાગરાજ વચ્ચે અવરજવર વધુ સરળ થઈ છે. કાવડ યાત્રા દરમિયાન કાવડિયા અને આ વિસ્તારના લોકોને થનારી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે. જેનો લાભ કુંભ દરમિયાન મળશે. મને યાદ છે કે 2013માં મારી પહેલી જનસભા આ મેદાનમાં થઈ હતી. ત્યારે અહીંથી પસાર થતો હાઈવે 4 લેનનો હતો. આજે બાબા વિશ્વનાથના આશીર્વાદથી તે 6 લેનનો થઈ ગયો છે. 

કૃષિ કાયદાનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન નવા કૃષિ કાયદાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેને લઈને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો ખેડૂતોને કોઈ એવો ખરીદનાર મળી જાય જે સીધું ખેતરમાંથી પાક ઉઠાવે અને સારા ભાવ આપે તો શું ખેડૂતોને તેમનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં? તેમણે કહ્યું કે ભારતના કૃષિ ઉત્પાદનો આખી દુનિયામાં મશહૂર છે. શું ખેડૂતોની આ મોટા માર્કેટ અને મોટા ભાવ સુધી પહોંચ ન  હોવી જોઈએ? જો કોઈ જૂની સિસ્ટમથી જ લેવડદેવડને યોગ્ય સમજે તો તેના ઉપર પણ ક્યાં રોક લગાવવામાં આવી છે?

PM મોદીએ કહ્યું કે પહેલા મંડી બહાર થયેલી લેવડદેવડ ગેરકાયદેસર હતી. આવામાં નાના ખેડૂતો સાથે દગો થતો હતો. વિવાદ થતો હતો. હવે નાના ખેડૂતો પણ મંડી બહાર થયેલા સોદા અંગે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. ખેડ઼ૂતોને હવે નવા વિક્લ્પ પણ મળ્યા છે અને દગાથી કાયદાકીય સંરક્ષણ પણ મળ્યું છે. તેમણે કહ્યું કે સરકાર નીતિઓ બનાવે છે. કાયદા બનાવે છે. નીતિઓ અને કાયદાને સમર્થન પણ મળે તો કેટલાક સવાલ પણ સ્વાભાવિક છે. તે લોકતંત્રનો ભાગ છે અને ભારતમાં આ પરંપરા જીવંત રહી છે. 

પીએમ મોદીએ 6 લેન હાઈવેનું કર્યું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી-પ્રયાગરાજ 6 લેન હાઈવેનું ઉદ્ધાટન કર્યું. 73 કિલોમીટરના આ હાઈવેને પહોળો કરવા પર 2447 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 

પીએમ મોદીનો કાર્યક્રમ આ પ્રકારે રહેશે...

- બપોરે 2;10 વાગે બાબતપુર એરપોર્ટ પહોંચશે.
- 3 વાગે ખજૂરીમાં જનસભાને સંબોધિત કરશે.
- ખજૂરીમાં જ વારાણસી-હિંડિયા સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ કરશે. 
- ભગવાન અવધૂત રામઘાટ પર ક્રૂઝની સવારી
- કાશી વિશ્વનાથના આશીર્વાદ લેશે પીએમ મોદી
- વિશ્વનાથ ધામના નિર્માણ કાર્યની પ્રગતિ જોશે.
- 4.40 વાગે અલકનંદા ક્રૂઝ પર સવાર થઈને રાજઘાટ પહોંચશે.
- 4:45 વાગે વિશ્વનાથ મંદિરથી પીએમ મોદી લલિતા ઘાટથી ક્રૂઝ પર સવાર થઈને રાજઘાટ જશે. 
- સાંજે 5 વાગે દીપ પ્રગટાવીને દેવ દિવાળીનું ઉદ્ધાટન કરશે
- પર્યટન વિભાગની એક વેબસાઈટનું લોકાર્પણ
- રાજઘાટમાં 5 હજાર કાર્યકરોને સંબોધન કરશે.
- સાંજે 6 વાગે રાજઘાટના કાર્યક્રમમાં માતા ગંગાની ભવ્ય આરતી જોશે
- સાંજે 6:15 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી કાર્યક્રમમાં સામેલ થયા બાદ ક્રૂઝ પર સવાર થઈને ગંગાના રસ્તે અલગ અલગ ઘાટો પર દેવ દિવાળીનો ભવ્ય નજારો જોશે. 
- ચેત સિંહ ઘાટ પર લેઝર શોનો કાર્યક્રમ જોશે.
- સાંજે 7:30 વાગે સારનાથમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો
- કેટલાક તિબ્બતી લોકો સાથે મુલાકાતનો કાર્યક્રમ
- રાતે 8:20 વાગે ક્રૂઝથી રવિદાસ ઘાટ પહોંચીને રોડ માર્ગે પ્રધાનમંત્રી મોદી સારનાથ પહોંચશે. 
- રાતે 9.30 વાગે સારનાથથી બાબતપુર એરપોર્ટ પહોંચીને પાછા દિલ્હી જવા રવાના થઈ જશે. 

દુલ્હનની જેમ તૈયાર હશે કાશી
પીએમ મોદીના સ્વાગતમાં વારાણસી દુલ્હનની જેમ સજશે. 15 લાખથી વધુ દીવડાથી આખા શહેરને ઝગમગાટ કરાશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય હાજર રહેશે. કાર્યક્રમની તૈયારીઓની સીએમ યોગીએ પોતે સમીક્ષા કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More