Home> India
Advertisement
Prev
Next

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું 82 વર્ષની વયે નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ મદનલાલ ખુરાનાનું શનિવારે મોડી રાતે દિલ્હી ખાતે નિધન થયું.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું 82 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ મદનલાલ ખુરાનાનું શનિવારે મોડી રાતે દિલ્હી ખાતે નિધન થયું. 15 ઓક્ટોબર 1936ના રોજ પાકિસ્તાનના ફેસલાબાદમાં જન્મેલા મદનલાલ ખુરાના 82 વર્ષના હતાં. લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતાં. દિલ્હી ભાજપમાં તેમની ગણતરી કદાવર નેતાઓમાં થતી હતી. તેઓ 1993થી લઈને 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતાં. વર્ષ 2004માં તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યાં. જો કે વાજપેયી સરકારના ગયા બાદ તેમણે પદેથી રાજીનામું આપી દીધુ હતું. 

ખુરાના 2 વર્ષ 96 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં. તેમણે પોતાનું શિક્ષણ એવિંગ ક્રિશ્ચન કોલેજ ઉપરાંત યુનિવર્સિટી ઓફ અલાહાબાદ અને કિરોડીમલ કોલેજથી પૂરું કર્યું હતું. અલાહાબાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનમાં ખુરાના જનરલ સેક્રેટરી રહ્યાં. અહીંથી તેમના રાજકારણની કારકિર્દી શરૂ થઈ હતી. 1960માં તેઓ સંઘના અનુષાંગિક સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મુખ્ય સચિવ બન્યાં. રાજકારણમાં એન્ટ્રી પહેલા તેઓ ટીચર રહ્યાં. તેઓ 1965થી 67 સુધી જનસંઘના જનરલ સેક્રેટરી રહ્યાં. 

1984માં જ્યારે ભારતીય જનતા પાર્ટી ખરાબ રીતે હારી રહી હતી ત્યારે રાજધાની દિલ્હીમાં ફરીથી પાર્ટીને ઊભી કરવામાં ખુરાનાની મોટી ભૂમિકા હતી. આ જ કારણે તેમને દિલ્હીના શેર પણ કહેવામાં આવતા હતાં. કેન્દ્રમાં જ્યારે  પહેલીવાર ભાજપના નેતૃત્વમાં સરકાર બની ત્યારે મદનલાલ ખુરાના કેન્દ્રીય મંત્રી હતાં. 

2005માં તેઓ લાલકૃષ્ણ અડવાણીની ટીકાના કરવાના કારણે ભાજપમાંથી બહાર કઢાયા હતાં. 12 સપ્ટેમ્બર 2005ના રોજ ફરીથી તેમને પાર્ટીમાં પાછા લેવાયા હતાં. 2006માં તેઓ ફરીથી ભાજપમાંથી બહાર કાઢી મૂકાયા હતાં. 

દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More