Home> India
Advertisement
Prev
Next

Corona Vaccination: કોરોના રસીકરણ પર સરકારે લીધો મોટો નિર્ણય

દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે

Corona Vaccination: કોરોના રસીકરણ પર સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે એપ્રિલ મહિનાના બધા દિવસે રસીકરણ ચાલુ રહેશે. સરકારી અને ખાનગી બંને પ્રકારના રસીકરણ કેન્દ્રો સમગ્ર એપ્રિલ દરમિયાન ખુલ્લા રહેશે અને રસી આપવામાં આવશે. સરકારી રજાના દિવસ પણ રસી મૂકાશે. નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આજના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 72 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. વધતા જતા કેસ કેન્દ્ર અને સંબંધિત રાજ્યો માટે ચિંતાનો વિષય બન્યા છે. 

એક જ દિવસમાં કોરોનાના 72 હજારથી વધુ કેસ
સરકારના જણાવ્યાં મુજબ કોરોનાના એક જ દિવસમાં 72,330 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે  કુલ કેસની સંખ્યા 1,22,21,665 પર પહોંચી છે. જેમાંથી 1,14,74,683 લોકો રિકવર થયા છે. જ્યારે 5,84,055 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક જ દિવસમાં 459 લોકોના મોત થયા છે. સતત મોતનો આંકડો વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,927 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં  6,51,17,896 લોકોને રસી અપાઈ છે. દેશમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, એમપીમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. 

આજથી 45 વર્ષથી ઉપરના તમામ માટે રસીકરણ શરૂ
દેશમાં કોરોના (Corona) ને ખતમ કરવા માટે આજથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને રસી (Corona Vaccine)  આપવાનું શરૂ કરાયું છે. દેશમાં 45 વર્ષથી ઉપરના લોકોની સંખ્યા લગભગ 34 કરોડ છે. અત્યાર સુધી દેશમાં કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, વડીલો અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી ઉપરના લોકોને જ રસી અપાઈ રહી હતી. પરંતુ કોરોનાના વધતા કેસ જોતા હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લેવાયો છે. 

મહારાષ્ટ્રમાં હાલાત ચિંતાજનક
કોરોનાનો પ્રકોપ સૌથી વધુ મહારાષ્ટ્ર (Maharashtra) માં જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 39544 નવા કેસ સામે આવ્યા છે અને આટલા સમયમાં 227 દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (28 માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40414 નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. 

મુંબઈમાં લક્ષણો વગરના દર્દીઓ
કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા મુંબઈ (Mumbai) માં લક્ષણો વગરના દર્દીઓના કારણે મુશ્કેલી વધી ગઈ છે. બીએમસી કમિશનર આઈએસ ચહલે કહ્યું કે મુંબઈમાં છેલ્લા 49 દિવસમાં 91 હજાર કોરોનાના કેસ આવ્યા છે. જેમાંથી 74 હજાર દર્દીઓ એવા છે જેમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. માત્ર 17 હજાર દર્દીઓમાં જ લક્ષણો જોવા મળ્યા. જેમાંથી 8 હજાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ 91 હજાર દર્દીઓમાંથી 269 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. 

ચહલે જણાવ્યું કે વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે બીજી લહેર આવ્યાને 50 દિવસ થઈ ગયા છે. આગામી 30-35 દિવસ સુધી તેની અસર રહેશે. આથી આટલા દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે બીએમસી તેને પહોંચી વળવાની તૈયારી કરી ચૂકી છે. દેશમાં માત્ર મુંબઈમાં જ 9 જમ્બો હોસ્પિટલ છે. અહીં આઈસીયુ, ડાયાલિસિસ બેડ અને 70 ટકા ઓક્સિજન બેડ છે. મુંબઈમાં જ્યારથી રોજ 10-12 હજાર કોરોના દર્દી મળ્યા છે. ત્યારથી અમે સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. 

હાલ મુંબઈની સ્થિતિ જોઈએ તો ડેથરેટ 0.2 ટકા, પોઝિટિવિટી રેટ 14 ટકા, રોજના 40 હજાર ટેસ્ટ, જેની સાથે હોસ્પિટલોમાં 13 હજાર બેડ ઉપલબ્ધ છે. અને 4 હજાર બેડ વધુ મળી શકશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More