Home> India
Advertisement
Prev
Next

અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે PM નરેન્દ્ર મોદી, સ્વીકાર કર્યું આમંત્રણ

મંદિર તરફથી એક પ્રતિનિધિમંડળ ગુરૂવારે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર પહોંચ્યું હતું. BAPS સ્વામીનારાયણ સંસ્થા તરફથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ ગુરૂવર્ય મહંત સ્વામીજી તરફથી પીએમ મોદીને મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે. 

અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે PM નરેન્દ્ર મોદી, સ્વીકાર કર્યું આમંત્રણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે અબુ ધાબીનું પહેલું હિન્દુ મંદિર પણ બનીને તૈયાર છે. ફેબ્રુઆરીમાં થનાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કેવું છે આ ભવ્ય મંદિર, જોઈએ આ અહેવાલમાં..

આ ભવ્ય મંદિર ભારત, અમેરિકા કે યુરોપમાં નહીં પણ મધ્ય પૂર્વ એશિયાના ઈસ્લામિક દેશમાં તૈયાર કરાયું છે. યુએઈના અબુધાબીમાં સાડા ત્રણ વર્ષના સમયમાં આકાર પામેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવી ગયો છે. 

14 ફેબ્રુઆરી 2024ના રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે..BAPSના આગેવાનોએ પ્રધાનમંત્રીને આપેલી આમંત્રણ પત્રિકામાં પીએમનો ઉલ્લેખ ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર’ તરીકે કરવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ PM મોદીએ સ્વીકાર્યું છે..

મધ્ય પૂર્વ એશિયામાં તૈયાર કરાયેલું આ પહેલું હિંદુ મંદિર છે. જે પોતાની ભવ્યતાને કારણે ચર્ચામાં છે. 700 કરોડના ખર્ચે 27 એકરમાં તૈયાર કરાયેલા મંદિર પરિસરની ખાસિયત તેની પ્રાચીન વાસ્તુકલા અને સુંદર કોતરણી છે. 

નાગરશૈલીમાં તૈયાર થયેલા મંદિરમાં સાત શિખરો છે, જેમાંથી સૌથી ઊંચું શિખર 108 ફૂટ ઊંચું છે. મંદિરની લંબાઈ 262 ફૂટ છે. 34 હજાર ટન વજનના આ મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરાઈ છે કે તેને 7ની તીવ્રતાના ભૂકંપની પણ અસર નહીં થાય.  40 હજારથી વધુ કારીગરો અને એન્જિનીયરોએ મંદિરને આકાર આપ્યો છે. 

મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ઉપરાંત સીતા-રામ, શિવજી, બાલાજી, અયપ્પાજી અને જગન્નાજી સહિતના આરાધ્ય દેવોની મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે. જે તેની વધુ એક ખાસિયત છે. 

યુએઈમાં ઉનાળામાં તાપમાન જ્યાં 50 ડિગ્રી સુધી પહોચી જાય છે, ત્યારે મંદિર આ તાપમાન સહન કરી શકે તે માટે રાજસ્થાનના પથ્થરની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત ઈટાલીના માર્બલનો પણ મંદિરમાં ખાસ્સો ઉપયોગ કરાયો છે. નવાઈની વાત એ છે કે મંદિરના બાંધકામમાં ક્યાંય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ નથી કરાયો. બે પથ્થરના જોડાણ માટે પ્રાચીન વાસ્તુકલા મુજબ ફ્લાય એશનો ઉપયોગ કરાયો છે. 

મંદિરના પથ્થરોમાં લગાવેલા સેન્સરની મદદથી મંદિરમાં વપરાયેલા દરેક પથ્થર વિશેની માહિતી કોમ્પ્યુટર પર મેળવી શકાય છે. 

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દુબઈના રણ પ્રદેશમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના પાણી લાવીને ત્રિવેણી સંગમનું સર્જન કરવામાં આવશે. મધ્ય પૂર્વમાં આ મંદિર ભારતની ભવ્ય સંસ્કૃતિનું પ્રતિક બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More