Home> India
Advertisement
Prev
Next

Agnipath Scheme Protest: 'અગ્નિપથ' વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર બોલ્યા રેલવે મંત્રી, ટ્રેનોને નુકસાન ન કરો

ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજના અંગે બિહારમાં ઉકળતો ચરું છે. યુવાઓનો આક્રોશ સતત વધી રહ્યો છે. આજે દેખાવકારોએ જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓ બાળી મૂકી. આગચંપીમાં ટ્રેનની બે બોગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.

Agnipath Scheme Protest: 'અગ્નિપથ' વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર બોલ્યા રેલવે મંત્રી, ટ્રેનોને નુકસાન ન કરો

Bihar Agnipath Scheme Protest: ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજનાના વિરોધમાં ટ્રેનોને નુકસાન પહોંચાડવા સાથે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે રાજનેતાઓના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે. સેના ભરતી યોજનાના વિરોધના નામે થઈ રહેલા આંદોલનમાં નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં પથ્થરમારો અને આગચંપી ઉપરાંત લોકોની લૂટફાટ પણ થઈ રહી છે. 

સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ
આઈસા-ઈનૌસ, રોજગાર સંઘર્ષ સંયુક્ત મોરચા, અને સેના ભરતી જવાન મોરચાએ 18 જૂનના રોજ બિહાર બંધનું આહ્વાન કર્યું છે. આ સંગઠનોએ મોદી સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનોએ સરકારને કહ્યું છે કે જો સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત અને યુવાઓની મજાક ઉડાવતી આ યોજનાને પાછી નહીં લે તો 18મીના રોજ બિહાર બંધ અને પછી ભારત બંધ તરફ આગળ વધીશું. એવા પણ સમાચાર છે કે બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ પણ બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. 

સેના ભરતી જવાન મોરચાના સંયોજક, રાજૂ યાદવ, ઈનૌસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અગિયાંવના વિધાયક મનોજ મંજિલ, આઈસા મહાસચિવ અને પાલીગંજના ધારાસભ્ય સંદીપ સૌરભ, વિધાયક અજીત કુશવાહા, અફતાબ આલામ, સબીર કુમાર અને વિકાસ યાદવે સંયુક્ત નિવેદન બહાર પાડીને આ વાત કરી છે. આ નેતાઓએ કહ્યું કે આ યોજના યુવાઓ સાથે ક્રૂર મજાક છે. આ સાથે જ તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત પણ છે. આ નેતાઓએ માંગણી કરી છે કે કૃષિ કાયદાની જેમ જ આ યોજનાને પણ સમય બગાડ્યા વગર રદ કરવામાં આે અને કોઈ પણ વિલંબ કર્યા વગર સશસ્ત્ર દળોમાં નિયમિત ભરતીની પ્રક્રિયા બહાલ કરવામાં આવે. 

અગ્નિપથ યોજના પર ભૂપેશ બઘેલનું નિવેદન
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અગ્નિપથ યોજના વિશે કહ્યું કે 4 વર્ષ બાદ જ્યારે 22-23 વર્ષના યુવાઓ પોતાના ઘરે પાછા ફરશે અને બેરોજગાર હશે તો શું કરશે? શું આટલા લોકોની પોલીસમાં ભરતી શઈ શકશે? જો ભરતી થઈ ગઈ તો ઠીક અને જેની ન થઈ તેને  બંદૂક ચલાવતા તો આવડી જ ગઈ...આ રીતે જો તમે તેમને અડધા પડધા છોડી દશો તો તેઓ ગેંગ બનાવીને અપરાધિક ઘટનાઓમાં પણ સામેલ થઈ શકે છે. 

તોડફોડ-આગચંપી કરનારા લોકો સેનામાં જનારા હોઈ શકે નહીં- અનિલ વિજ
હરિયાણામાં પણ અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવું એ દરેક વ્યક્તિનો હક છે, પરંતુ તોડફોડ કરનારાઓ, આગચંપી કરનારા લોકો સેનામાં જનારા હોઈ શકે નહીં, સેનામાં તો અનુશાસિત લોકો જાય છે. આપણા દેશમાં કેટલાક એવા તત્વો છે જે દરેક વખતે આવી કોઈ તકની શોધમાં હોય છે કે કઈ રીતે દેશની શાંતિ ભંગ થઈ શકે.  કોઈ પણ સંજોગોમાં તે સહન કરાશે નહીં. તોડફોડ કરનારા લોકોને છોડવામાં નહીં આવે. આગચંપી અને તોડફોડમાં સામેલ લોકોની સૂચિ તૈયાર થઈ રહી છે. 

અલીગઢમાં જત્તારી પોલીસ સ્ટેશન બાળ્યું
પ્રદર્શનકારીઓએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં જત્તારી પોલીસ સ્ટેશનમાં આગચંપી કરી. પોલીસ વાહનો પણ બાળી મૂક્યા. 

રેલવે મંત્રીની અપીલ
અગ્નિપથ યોજના સામે દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ટ્રેનોને નુકસાન ન પહોંચાડે.

તેલંગણામાં ફાયરિંગ, એકનું મોત
અગ્નિપથ યોજના વિરુદ્ધ ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બની રહ્યું છે. બિહારથી લઈને તેલંગણા સુધી લોકો વિરોધ કરી રહ્યા છે. સિકંદરાબાદમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

જેપી નડ્ડાનું નિવેદન
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અગ્નિપથ યોજના વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ  કરીને આ યોજના માટે વધારવામાં આવેલી ઉંમર મર્યાદાની પહેલનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અગ્નિપથ યોજના હેઠળ ભાગ લેનારા યુવાઓની ઉંમરમર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી. આ નિર્ણય સાબિત કરે છે કે પ્રધાનમંત્રીજી દેશના યુવાઓની ચિંતાથી સારી પેઠે માહિતગાર છે. 

દાનાપુર સ્ટેશન પર આગ લગાડી
પટણાના દાનાપુર જંક્શન રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ફરક્કા એક્સપ્રેસમાં આગ લગાવી છે. ટ્રેન સ્ટેશન પર ઊભી હતી. પ્રદર્શનકારીઓએ આખી ટ્રેનને આગને હવાલે કરી દીધી. 

રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણેય સેનાઓમાં ભરતીની નવી અગ્નિપથ યોજના અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ  લગાવ્યો કે તેમને પોતાના મિત્રો સિવાય કઈ સંભળાતું નથી. આ સાથે જ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ યોજનાને પાછી ખેંચવાની માગણી કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે અગ્નિપથ- યુવાઓએ નકારી, કૃષિ કાયદા- ખેડૂતોએ નકાર્યા, નોટંબધી-અર્થશાસ્ત્રીઓએ નકારી, જીએસટી- વેપારીઓએ નકાર્યું. તેમણે આરોપ  લગાવ્યો કે દેશની જનતા શું ઈચ્છે છે તે વાત પ્રધાનમંત્રી સમજતા નથી. કારણ કે તેમને પોતાના 'મિત્રો'ના અવાજ સિવાય કશું સંભળાતું નથી. 

દિલ્હીના ITO પણ પ્રદર્શન
અગ્નિપથ યોજના વિરુદ્ધ હવે દિલ્હીમાં પણ પ્રદર્શન થવા લાગ્યું છે. દિલ્હીના ITO માં પ્રદર્શનકારીઓ હંગામો કરી રહ્યા છે. દિલ્હી પોલીસે અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે. 

બિહાર ભાજપ અધ્યક્ષના ઘર પર હુમલો
બિહારના બેતિયામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો.સંજય જાયસ્વાલના ઘર પર હુમલો થયો છે. ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ પણ થયું છે. પ્રદર્શનકારીઓએ ઘરમાં આગચંપી કરવાની કોશિશ કરી. 

બિહારના ડેપ્યુટી સીએમના ઘર પર પથ્થરમારો
યોજનાનો વિરોધ કરી રહેલા દેખાવકારોએ બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવીના ઘર પર હુમલો કર્યો છે. તેમના પુત્રએ કહ્યું કે બેતિયામાં અમારા ઘર પર હુમલો થયો. હુમલાના કારણે ખુબ નુકસાન થયું. હાલ તેઓ (રેણુ દેવી) પટણામાં છે. 

યુપી સુધી પહોંચી આગ
પૂર્વ ઉત્તર પ્રદેશના બલિયાથી લઈને પશ્ચિમ યુપી સુધી પ્રદર્શન કરવામાં આવ્યું છે. બલિયામાં અગ્નિપથના વિરોધમાં યુવાઓએ મોટાપાયે પ્રદર્શન કર્યું છે. અનેક ટ્રેનોમાં તોડફોડ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ બલિયા રેલવે સ્ટેશન પર ધુલાઈ માટે ઊભેલી એક ટ્રેનમાં યુવકોએ આગચંપી કરી જેના કારણે બોગી ભડભડ સળગવા લાગી. લાકડી ડંડાથી લેસ યુવાઓએ આવીને બબાલ મચાવવાની શરૂ કરી દીધી. જ્યારે પશ્ચિમ યુપીમાં પણ મથુરા અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું છે. 

લખમિનિયા રેલવે સ્ટેશન પર તોડફોડ અને આગચંપી કરી
દેખાવકારોએ લખમિનિયા રેલવે સ્ટેશન ઉપર પણ ઉત્પાત મચાવ્યો અને આગચંપી તથા તોડફોડ કરી. રેલવે ટ્રેક પણ જામ કર્યા. 

બિહારમાં ટ્રેનો બાળી મૂકી
આજે સતત ત્રીજા દિવસે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે બબાલ છે. આ અગાઉ ટ્રેનો પર પથ્થરમારો અને આગચંપી કરાઈ. ટ્રેનો રોકીને પણ સતત વિરોધ કરાઈ રહ્યો છે. સમસ્તીપુર અને લખીસરાયમાં ટ્રેનોમાં આગચંપી કરાઈ છે. અનેક ટ્રેનના કોચ ભીડે આગને હવાલે કરી દીધા. જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓને દેખાવકારોએ બાળી મૂક્યા. આ ઘટનાક્રમ હાજીપુર બરૌની રેલખંડના મોહિઉદ્દીનનગર સ્ટેશનમાં સામે આવ્યો. બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગચંપી કરાઈ. આ ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. જેની ચાર બોગીઓ બાળી મૂકવામાં આવી. 

સમસ્તીપુરમાં પણ સેનાની ભરતી માટે કેન્દ્ર દ્વારા લોન્ચ કરાયેલી નવી અગ્નિપથ યોજનાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. આ બધા વચ્ચે દલસિંહસરાય રેલવે સ્ટેશન પર અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનને રોકીને ભીષણ પ્રદર્શન કરાયું છે. આ તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓ સરકારની સેના ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. 

ઝારખંડમાં પણ વિરોધ
રાંચીમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ સેાના ભરતી કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્રદળોમાં ભરતી માટે જાહેર કરાયેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ સેનામાં ભરતીની આશા સેવતા યુવાઓએ રાંચીના મેઈન રોડ સ્થિત સેના ભરતી કાર્યાલય સામે પ્રદર્શન કર્યું છે. 

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ બબાલ
આ યોજનાના વિરોધમાં મધ્ય પ્રદેશના શહેરોમાં પણ ભારે વિરોધ પ્રદર્શન કરાયું છે. રાજસ્થાનના ભરતપુરમાં આંદોલનકારીઓએ રેલવે ટ્રેક ઉઘાડી નાખ્યા છે. 

fallbacks

ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદના ઘર સામે ટ્રાફિક જામ
બિહારના સમસ્તીપુરમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓએ ગુરુવારે મોરવા પ્રખંડમાં હલઈમાં સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ઘર પાસે ટ્રાફિક જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. 

fallbacks

વિરોધનું કારણ
સેના ભરતી માટે નવા નિયમોનો વિરોધ જતાવનારા યુવાઓની ભીડ સવાર સવારમાં રસ્તાઓ પર ઉતરી રહી છે. રોડ જામ કરતા કેટલાક યુવાઓનું કહેવું છે કે તેમનામાંથી અનેક લોકો બે વર્ષ અગાઉ આયોજિત ભરતી પ્રક્રિયામાં દોડ અને એટલે સુધી કે મેડિકલ તપાસ પણ કરાવી ચૂક્યા છે. ફક્ત પરીક્ષા આપવાની જ બાકી હતી. કોરોનાના નામે અત્યાર સુધી પરીક્ષા ટાળવામાં આવી રહી હતી. પરીક્ષા લેવાની જગ્યાએ ભરતીની નવી પ્રક્રિયાથી આવા વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More