Home> India
Advertisement
Prev
Next

ચાર રાજ્યોના પરિણામો બાદ દેશના રાજકારણનો નકશો બદલાયો, હવે આટલા રાજ્યોમાં ભાજપની સરકાર

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જોરદાર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં તેલંગણા આવ્યું છે. આ પરિણામ બાદ ભાજપનું શાસન દેશના 12 રાજ્યોમાં થઈ ગયું છે. 
 

ચાર રાજ્યોના પરિણામો બાદ દેશના રાજકારણનો નકશો બદલાયો, હવે આટલા રાજ્યોમાં ભાજપની સરકાર

નવી દિલ્હીઃ ચાર રાજ્યોના પરિણામો સાથે જ દેશમાં રાજકારણનો નકશો બદલાઈ ગયો છે. ભાજપનાં ફાળે વધુ બે રાજ્યો આવ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉત્તર ભારતમાં એક રાજ્ય પૂરતી સમેટાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પરિણામોને 2024નું સ્પષ્ટ ચિત્ર ગણાવ્યું છે. 

લોકસભાની ચૂંટણી હવે દૂર નથી. ત્યારે ચાર રાજ્યોના પરિણામો 2024ની ફાઈનલ માટે સેમીફાઈનલ સાબિત થયા છે. 2018માં ભાજપે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેના છ મહિના બાદ યોજાયલી લોકસભા ચૂંટણીમાં ભાજપે તેલંગાણા સિવાયના ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને હંફાવી હતી. 

આ વખતે તો ત્રણેય રાજ્યોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. ત્યારે આ રાજ્યોમાં લોકસભાના પરિણામો વિશે અંદાજ માંડી શકાય તેમ છે..આ જ કારણ છે કે પ્રધાનમંત્રીએ આ પરિણામો સાથે લોકસભાના પરિણામોને સાંકળ્યા હતા...

ચાર રાજ્યોના પરિણામો સાથે જ રાજ્યોમાં સત્તાધારી પક્ષોનું ગણિત પણ બદલાઈ ગયું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત સાથે ભાજપનાં ફાળે વધુ બે રાજ્યો આવ્યા છે. દેશના 28 રાજ્યોમાંથી 12માં ભાજપ સત્તા પર છે. ભાજપ શાસિત રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, અસમ,ગોવા, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક રાજ્યોમાં ભાજપ સરકારમાં ગઠબંધનમાં છે. 

આ પણ વાંચોઃ તેલંગાણાના પરિણામથી બદલાશે દક્ષિણનું સમીકરણ? 3 રાજ્યોમાં કેવી રીતે ચાલ્યો મોદી મેજિક

છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર બાદ કોંગ્રેસ પાસે ત્રણ જ રાજ્યો બચ્યાં છે. જેમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. જ્યારે દેશના 13 રાજ્યમાં અન્ય પક્ષોની સરકાર છે. આમ આદમી પાર્ટી આમાંથી એકમાત્ર પક્ષ છે, જેની બે રાજ્યોમાં સરકાર છે. 

ચાર રાજ્યોની આ ચૂંટણીમાં તેલંગાણાએ કોંગ્રેસને બચાવી લીધું છે. આ પરિણામો કોંગ્રેસની સાથે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન માટે પણ પીછેહઠ સમાન છે. કેમ કે વિપક્ષનો કોઈ પક્ષ કંઈ ઉકાળી શક્યો નથી..આમ આદમી પાર્ટી શોધે જડે તેમ નથી. આ પરિણામોએ વિપક્ષ માટે કોંગ્રેસના નેતૃત્વ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.  આ જ કારણ છે કે વિપક્ષના નેતાઓ પરિણામો બાદ ક્યાંય નજરે ન પડ્યાં...

આ ચૂંટણીના પરિણામોએ ઘણું બધું સ્પષ્ટ કરી દીધું છે. જે સૌથી મોટી વાતો સામે આવી છે, તે એ છે કે મતદારો આકર્ષક વાયદાઓથી લલચાયા નથી. મતદારોને પ્રધાનમંત્રી મોદીની ગેરન્ટી કોંગ્રેસના વાયદાથી વધુ સ્પર્શી છે. અનામતમાં વધારો અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો કોંગ્રસનો વાયદો પણ લોકોને નથી સ્પશ્યો. કોંગ્રેસના પરંપરાગત વાયદા નથી ચાલ્યા, પણ ભાજપના સમય પ્રમાણેના વચનોથી લોકો આકર્ષયા છે. મતદારોએ જે તે રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારની કામગીરીને આધારે મત આપ્યા છે. 

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોની જીતથી 2024માં હેટ્રિકની ગેરંટી... પીએમ મોદીનો મોટો સંદેશ

આ સાથે જ હવે લોકસભાની ચૂંટણીના જંગની પણ શરૂઆત થઈ ગઈ છે. જેના માટે વિપક્ષોએ નવેસરથી વ્યૂરરચના ઘડવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More