Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ભાજપના ઉમેદવાર બનવાની રેસમાં કોણ ચાલી રહ્યું છે સૌથી આગળ? આ છે સંભવિત નેતાઓની યાદી

Loksabha Election 2024: લોકસભાની લડાઈ માટે દરેક રાજકીય પાર્ટીઓએ પોત પોતાની રીતે તૈયારીઓ તેજ કરી દીધી છે. જેમાં ભાજપ સૌથી આગળ છે. કોંગ્રેસના હજુ કોઈ ઉમેદવારના ઠેકાણા નથી ત્યાં ભાજપે ગુજરાતમાં 26માંથી 15 નામ તો જાહેર કરી દીધા છે. હવે બાકી જે 11 નામ છે તે ખુબ જ જલદી જાહેર થવાના છે. આ એવી બેઠકો છે જે હાઈપ્રોફાઈલ છે.

ગુજરાતમાં ભાજપના ઉમેદવાર બનવાની રેસમાં કોણ ચાલી રહ્યું છે સૌથી આગળ? આ છે સંભવિત નેતાઓની યાદી

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતમાંથી 15 નામ જાહેર કરાયા છે. આ 15 નામમાં 10 સાંસદને રિપીટ કરાયા જ્યારે 5 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભાજપની બીજી યાદી ટૂંક સમયમાં જ આવી શકે છે. જેમાં ગુજરાતના બાકીના 11 નામ હશે. આ 11 બેઠક માટે અનેક દાવેદારો છે. પરંતુ તેમાંથી ઉમેદવાર એક જ બનશે ત્યારે હાલ કયા નામ રેસમાં છે સૌથી આગળ? કોનું નામ મનાઈ રહ્યું છે પાકુ? કોણ હવે દાવેદારમાંથી બનવા જઈ રહ્યા છે ઉમેદવાર?

  • ગુજરાત ભાજપની ટૂંક સમયમાં આવશે યાદી 
  • જે બાકી છે તેમના નામ જલદી થશે જાહેર 
  • કયા દાવેદાર ઉમેદવાર બનવામાં સૌથી આગળ?
  • કોણ રેસમાં ચાલી રહ્યું છે સૌથી આગળ?

લોકસભાની લડાઈ માટે દરેક રાજકીય પાર્ટીઓએ પોત પોતાની રીતે તૈયારીઓ તેજ કરી દીધી છે. જેમાં ભાજપ સૌથી આગળ છે. કોંગ્રેસના હજુ કોઈ ઉમેદવારના ઠેકાણા નથી ત્યાં ભાજપે ગુજરાતમાં 26માંથી 15 નામ તો જાહેર કરી દીધા છે. હવે બાકી જે 11 નામ છે તે ખુબ જ જલદી જાહેર થવાના છે. આ એવી બેઠકો છે જે હાઈપ્રોફાઈલ છે. ભાજપની જે બીજી યાદી આવશે તેમાં ભાજપ કોઈ મોટી સરપ્રાઈઝ પણ આપી શકે છે. કારણ કે સંગઠનમાંથી એવા અનેક નામ હાલ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે જે લોકસભાની લડાઈમાં ઉમેદવાર બની શકે છે. ભાજપની યાદી હજુ આવી નથી પરંતુ અમે આપને સૌથી પહેલા ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં એવા અનેક નામ છે જે આપને સરપ્રાઈઝ પણ લાગશે તો કેટલાક નામ ફરી રિપિટ થવાની પણ સંભાવના છે.

સૌથી પહેલા વાત કરીએ મહાનગરોની તો, અમદાવાદની બે બેઠક, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ...અમદાવાદ પશ્ચિમ પર તો ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ તમામની નજર હવે અમદાવાદ પૂર્વની બેઠક પર છે તો આ બેઠક પર હાલ ત્રણ નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા અને ધારાસભ્ય જગદીશ પટેલનું નામ છે. તો અમદાવાદ બાદ વાત સુરતની કરીએ તો, સુરતમાં ડૉ.જગદીશ પટેલ, રણજીત ગિલિટવાલા, નીતિન ભજીયાવાલા, મુકેશ દલાલ અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ રેસમાં આગળ છે. ભાજપની બીજી યાદીમાં સૌથી અલગ જ નામ સામે આવે તો તે વડોદરામાંથી આવી શકે છે. કારણ કે વડોદરામાં બે મોટા હાઈપ્રોફાઈલ નામ આગળ ચાલી રહ્યા છે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર અને પૂર્વ IPS રાકેશ અસ્થાનાનું નામ છે. આ સિવાય દીપિકા ચીખલિયાનું પણ નામ સામે આવી રહ્યું છે.

અમદાવાદ પૂર્વ પર કયા નામ રેસમાં? 

  • ગોરધન ઝડફિયા
  • વલ્લભ કાકડિયા
  • જગદીશ પટેલ

સુરત બેઠક પર કયા નામ રેસમાં? 

  • ડૉ.જગદીશ પટેલ
  • રણજીત ગિલિટવાલા
  • નીતિન ભજીયાવાલા
  • મુકેશ દલાલ
  • હેમાલી બોઘાવાલા

વડોદરા બેઠક પર કયા નામ રેસમાં? 

  • એસ.જયશંકર
  • રાકેશ અસ્થાના
  • દીપિકા ચીખલિયા

હવે વાત કરી ઉત્તર ગુજરાતની તો, આ ઝોનની 4 બેઠકમાંથી બનાસકાંઠા અને પાટણમાં નામ જાહેર થઈ ગયા છે. જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં નામ જાહેર થવાના બાકી છે. આ બન્ને બેઠક પર અનેક નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ તેમાં સૌથી આગળ કેટલાક નામ ચાલી રહ્યા છે. જેમાં મહેસાણાથી રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, સાંકળચંદ કોલેજના પ્રકાશ પટેલ, વર્તમાન સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલ અને પૂર્વ સાંસદ એ.કે.પટેલના પુત્ર ધનેશ પટેલનું નામ સૌથી આગળ છે...તો સાબરકાંઠામાં વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ રિપિટ થાય તેવી સંભાવના છે. આ સિવાય દીવ દમણના પ્રસાશક પ્રફુલ પટેલ, પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બારૈયા અને કૌશલ્ય કુંવરબા પરમારનું નામ પણ રેસમાં છે.

મહેસાણા બેઠક પર કયા નામ રેસમાં? 

  • જુગલજી ઠાકોર
  • પ્રકાશ પટેલ
  • આનંદ પટેલ
  • ધનેશ પટેલ

સાબરકાંઠા બેઠક પર કયા નામ રેસમાં? 

  • દીપસિંહ રાઠોડ
  • પ્રફુલ પટેલ
  • ગજેન્દ્રસિંહ પરમાર
  • મહેન્દ્રસિંહ બારૈયા 
  • કૌશલ્ય કુંવરબા પરમાર

જો વાત સૌરાષ્ટ્રની કરીએ તો, જૂનાગઢમાં આ વખતે કોઈ નવું જ નામ બહાર આવી શકે છે. કોળી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ કોઈ સંતને ઉતારે તો નવાઈ નહીં....વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા રિપિટ થાય તેવી સંભાવના બહુ ઓછી છે. હાલ જે નામ ચર્ચામાં છે જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, પૂર્વ સાંસદ મહેશગીરી, ઈન્દ્રભારતી બાપુ, અને ગીતા માલમના નામનો સમાવેશ થાય છે. 

અમરેલી પર નજર કરીએ તો, આ બેઠક પર હિરેન હીરપરા, પૂર્વ ધારાસભ્ય બાવકું ઉંઘાડ, ધારાસભ્ય અને ઉપદંડક કૌશિક વેંકરિયા, મુકેશ સંઘાણી અને ભરત સુતરિયાના નામ ચાલી રહ્યા છે. તો કોળી મતદારોના દબદબાવાળી ભાવનગર બેઠક પર ધારાસભ્ય હીરા સોલંકીનું જ નામ રેસમાં જોવા મળી રહ્યું છે. વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળનું નામ કપાય તે નક્કી મનાઈ રહ્યું છે. તો સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ મહેન્દ્દ્ર મુંજપરા ફરીથી રિપિટ થાય તેવી સંભાવના છે. આ સિવાય રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા, શંકર વેગડ અને પ્રકાશ વરમોરાના નામ પણ રેસમાં જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ બેઠક પર કયા નામ રેસમાં? 

  • કિરીટ પટેલ
  • ઋષિ ભારતી બાપુ
  • મહેશગીરી
  • ઈન્દ્રભારતી બાપુ
  • ગીતા માલમ

અમરેલી બેઠક પર કયા નામ રેસમાં?

  • હિરેન હીરપરા
  • બાવકું ઉંઘાડ
  • કૌશિક વેંકરિયા
  • મુકેશ સંઘાણી 
  • ભરત સુતરિયા

ભાવનગર બેઠક પર કયા નામ રેસમાં? 

  • હીરા સોલંકી

સુરેન્દ્રનગર બેઠક પર કયા નામ રેસમાં? 

  • ડૉ.મહેન્દ્ર મુંજપરા 
  • કુંવરજી બાવળિયા
  • શંકર વેગડ
  • પ્રકાશ વરમોરા

દક્ષિણ ગુજરાતમાં સુરત સિવાય વલસાડ બેઠક પર નજર કરીએ તો હાલ જે વર્તમાન સાંસદ છે તે કે.સી.પટેલ રિપિટ થાય તેવી કોઈ સંભાવના લાગતી નથી....કે.સી.પટેલની ઉંમર અને તેમનો ટ્રેપ વિવાદ તેમને નડી શકે છે અને કોઈ નવો જ ચહેરો ઉમેદવાર બની શકે છે. વલસાડમાં ઉષા પટેલ, ગણેશ બિહારી અને મહેન્દ્ર ચૌધરીના નામનો સમાવેશ થાય છે. 

વલસાડ બેઠક પર કયા નામ રેસમાં? 

  • ઉષા પટેલ
  • ગણેશ બિહારી 
  • મહેન્દ્ર ચૌધરી

ભાજપ હંમેશાથી સરપ્રાઈઝ આપવા માટે જાણિતું છે. ભાજપ કોને ક્યારે ટિકિટ આપી દે તેનો ખ્યાલ ક્યારેય આવતો નથી. પાર્ટીના સામાન્ય કાર્યકરને પાર્લામેન્ટની ટિકિટ આપી દે છે. તેથી હાલ જે સંભવિત નામ સામે આવ્યા છે તેમાંથી એવા પણ કેટલાક નામ હોઈ શકે છે જે લિસ્ટમાં પણ ન હોય...તો એવા પણ ઉમેદવાર હોઈ શકે છે જેમણે દાવેદારી પણ ન કરી હોય ત્યારે જોવાનું રહેશે કે જે 11 બેઠક પર ઉમેદવાર જાહેર થવાના બાકી તેમાં ભાજપ હાઈકમાન્ડ કોને લોકસભાની લડાઈમાં ઉતારે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More