Home> Gujarat
Advertisement
Prev
Next

નઘરોળ તંત્રના પાપે ડૂબ્યું વડોદરા! પાણી સુકાયા પણ નથી સુકાતા આંસુ, કરોડો પાણીમાં

વડોદરા નગરના લોકોના આંખમાં આંસુ લાવવાનું કામ કુદરતે નહીં પણ ભ્રષ્ટ તંત્રના નિષ્ઠુર અધિકારીઓ અને સત્તાધીશોએ કર્યું છે. એ સત્તાધીશો જેઓ આ જ પ્રજાના પૈસાથી તગડો પગાર લે છે, પ્રજાના પૈસાથી જાતભાતના ભથ્થા લઈ AC ઓફિસમાં આરામ કરે છે..

નઘરોળ તંત્રના પાપે ડૂબ્યું વડોદરા! પાણી સુકાયા પણ નથી સુકાતા આંસુ, કરોડો પાણીમાં

Vadodara Heavy Rains: વડોદરામાં વિશ્વામિત્રી નદીએ એવો વિનાશ વેર્યો કે શહેરીજનો બરબાદ થઈ ગયા. કોઈનું ઘર ડૂબી ગયું તો કોઈની ઘરવખરી પલળી ગઈ. નિષ્ઠુર તંત્રના પાપે થયેલી આ હોનારત અકલ્પનીય હતી. પાણી હવે સુકાવા લાગ્યા છે પરંતુ લોકોના આંસુ નથી સુકાઈ રહ્યા. જુઓ કુદરતી નહીં પણ માનવસર્જિત હોનારતનો આ ખાસ અહેવાલ.

આ એ લોકોની વેદના અને કરુણ રુદન છે જેમણે તંત્રના પાપે વડોદરામાં આવેલી હોનારતમાં ઘણું ગુમાવ્યું છે. આ એ લોકો છે જે પૂરમાં ભૂખ ટળવળ્યા હતા. પાણી વચ્ચે પાણી વગર તરસ્યા હતા. આ એ લોકોનો અવાજ છે જેમની આંતરડી કકળી હતી પણ મદદ માટે કોઈ આવ્યું ન હતું. આ લોકોનો ગુસ્સો અને રોષ છે જેમણે 3 દિવસ એ કપરી સ્થિતિમાં કાઢ્યા છે જેની કલ્પના પણ ન કરી શકાય. મહેનત કરીને જે ઘર સજાવ્યું હતું એ બધુ જ પૂરમાં પાણી પાણી થઈ ગયું. નુકસાનીનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આ કપરી સ્થિતિ કહીએ તો કોને કહીએ? કારણ કે તંત્રના બહેરા કાન સુધી તો આ અવાજ ક્યારેય પહોંચવાનો નથી. જે અવાજ પહોંચ્યો હોત તો કદાચ આ સ્થિતિ ન સર્જાઈ હોત...

વડોદરા નગરના લોકોના આંખમાં આંસુ લાવવાનું કામ કુદરતે નહીં પણ ભ્રષ્ટ તંત્રના નિષ્ઠુર અધિકારીઓ અને સત્તાધીશોએ કર્યું છે. એ સત્તાધીશો જેઓ આ જ પ્રજાના પૈસાથી તગડો પગાર લે છે, પ્રજાના પૈસાથી જાતભાતના ભથ્થા લઈ AC ઓફિસમાં આરામ કરે છે અને લાલ લાઈટવાળી AC ગાડીઓમાં આંટાફેરા મારે છે. જેમના માથે પ્રજાની સુખાકારી માટે યોજનાઓ બનાવવાની અને યોજનાઓના અમલીકરણની જવાબદારી છે પણ આ નિષ્ઠુર અને ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓએ સમય સુચક્તા ન દાખવી અને શહેરને પૂરના પાણીમાં હોમી દીધું. હવે સવાલ છે કે આવા અધિકારીઓ અને સત્તાધીશો પર સરકાર કાર્યવાહી ક્યારે કરશે?.

વડોદરામાં જે પૂર આવ્યું તે કુદરતી નહીં પણ માનવસર્જિત છે. આ શબ્દો અમે ખુબ જ ગંભીરતા પૂર્વક વાપરી રહ્યા છીએ. તમને થશે કે વરસાદ તો કુદરતી છે તો પછી પૂર કુદરતી કેમ નહીં? તો તેનું કારણ છે ઊંઘતું તંત્ર. હા સરકારી પગારથી માત્ર તાગડધિન્ના કરતા અધિકારીઓ. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પણ આવી ગયા. વડોદરામાં પૂરની સ્થિતિ કેમ સર્જાઈ તે પણ તમે જાણી લો. તો આજવા ડેમ જે વડોદરાના હાર્દ સમાન છે. 1980માં બનેલો આ ડેમ 132 વર્ષ જૂનો છે. માટીના પાળાવાળો આ ડેમ એ વડોદરાની જીવાદોરી છે. વરસાદ પડે ત્યારે આજવામાં 15મી ઓગસ્ટ સુધીમાં 211 ફૂટનું પાણીનું લેવલ જાળવવામાં આવે છે. 31મી ઓગસ્ટ સુધી વધુમાં વધુ 212 ફૂટ સુધી ડેમ ભરી શકાય છે. આ ડેમની કુલ કેપેસેટી 214 ફૂટની જ છે. જો 213 ફૂટ સુધી પાણી ભરાય તો ડેમ તૂટી જવાની અને વડોદરા ડૂબી જવાનો ખતરો રહેતો હોય છે. અને આ વાત સત્તાધિશો પણ સારી રીતે જાણે છે. 

આજવા ડેમનો ઈતિહાસ 

  • આજવા ડેમ જે વડોદરાના હાર્દ સમાન છે
  • 1980માં બનેલો આ ડેમ 132 વર્ષ જૂનો 
  • માટીના પાળાવાળો આ ડેમ એ વડોદરાની જીવાદોરી 
  • 15મી ઓગસ્ટ સુધીમાં 211 ફૂટનું પાણીનું લેવલ જાળવવામાં આવે છે
  • 31મી ઓગસ્ટ સુધી 212 ફૂટ સુધી ડેમ ભરી શકાય 
  • કેપેસેટી 214 ફૂટની, 213 ફૂટ ભરાય તો ડેમ તૂટી જવાની સંભવાના
  • સત્તાધિશો ડેમ વિશે સારી રીતે જાણે છે

ધોધમાર વરસાદ ગુજરાતમાં આવ્યો. આજવાના ઉપરવાસમાં પણ મુશળધાર વરસાદ આવ્યો. હવામાન ખાતાએ આગાહી પણ કરી હતી કે વરસાદ અતિભારે આવવાનો છે પણ વડોદરાનું તંત્ર ઊંગતું રહ્યું. ડિઝાસ્ટરના અધિકારીઓ મોજ માણતા રહ્યા. કોઈએ આજવા ડેમ કે વડોદરા નગરજનોની ચિંતા ન કરી. ડેમ ભરાવા લાગ્યો અને એક સમયે એટલો ભરાઈ ગયો કે તે તુટવાની તૈયારી હતી. ત્યારે તંત્ર જાગ્યું. દરવાજા ખોલી દીધા અને ત્યારપછી શરૂ થયો વડોદરાને ડૂબાડવાનો મોટો ખેલ. આ સમગ્ર ઘટના વચ્ચે કમિશનર પ્રગટ થયા અને શહેરમાં પૂર આવવાનું છે તેવો એક વીડિયો બનાવી પોતે જવાબદારીમાંથી છટકી ગયા.

  • ઊંઘતું તંત્ર અને ડૂબતું વડોદરા!
  • ડિઝાસ્ટરના અધિકારીઓ મોજ માણતા રહ્યા
  • કોઈએ આજવા ડેમ કે વડોદરા નગરજનોની ચિંતા ન કરી
  • ડેમ ભરાવા લાગ્યો, એટલો ભરાઈ ગયો કે તે તુટવાની તૈયારી હતી
  • તંત્ર જાગ્યું, દરવાજા ખોલ્યા અને વડોદરાને ડૂબાડવાનો ખેલ શરૂ થયો!

કમિશનરે એવો દેખાડો કર્યો કે તંત્રએ શહેરીજનોને જાણ કરી હતી પરંતુ કમિશનર સાહેબ તમે ત્યારે જાગ્યા કે જ્યારે તબેલામાંથી ઘોડા છૂટી ગયા હતા. વડોદરામાં જે પાણી ભરાવાનું હતું તેનો નિકાલ કેવી રીતે કરાશે તેની કોઈ જ જાણકારી તમે ન આપી. કોઈ બેકઅપ પ્લાન ન બનાવ્યો. અને પછી પૂરના પાણીમાં આ શહેર એવું ડૂબ્યું કે જ્યાં જુઓ ત્યાં તારાજી જ તારાજી જોવા મળી. પાણીમાં શહેર ડૂબી ગયું પછી NDRD, SDRF અને સેનાને બોલાવી પણ ત્યાં સુધી તો પૂરે બધુ પુરુ કરી નાંખ્યું હતું. અરે સૌથી મોટી ઘોર બેદરકારી તો કોર્પોરેશનની એ જોવા મળી કે જે બોટ અને હોડીઓ હતી તે શોભાના ગાંઠિયા બનીને પડી રહી. કોર્પોરેશનના ગોડાઉનમાં આ બોટ સડતી રહી પણ તેનો કોઈ જ વપરાશ ન થયો.

આજવા ભરાયો અને આજવામાંથી છૂટેલા પાણીથી વિશ્વામિત્રી ગાંડીતૂર બની. આ જ ગાંડીતૂર વિશ્વામિત્રીએ વડોદરામાં જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો. ચોમાસુ હોય એટલે વરસાદ તો આવે જ પણ વરસાદમાં કેવી રીતે બચી શકાય તેનો પ્લાન કોર્પોરેશને બનાવવાનો હોય છે. એ પ્લાન બનાવવામાં વડોદરાનું વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ ગયું અને તેના જ પાપે સંસ્કારી નગરી પાણી પાણી થઈ ગઈ અને અનેક લોકોની જીવનભરની મૂડી પાણીમાં વહી ગઈ. આ નિષ્ઠુર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને સેતાન બનેલા સત્તાધીશોને વડોદરાની જનતા ક્યારેય માફ નહીં કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More