Home> Gujarat
Advertisement
Prev
Next

દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપ પૌત્ર પાછી આપી ગયો, બનાસકાંઠાનો આશ્ચર્યજનક કિસ્સો

જીપની ચોરી કરનારી વ્યક્તિના પૌત્રએ ઘરમાં સુખ-શાંતિ માટે ગાડી મૂળ માલિકને પરત આપવાનો નિર્ણય લીધો 

દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપ પૌત્ર પાછી આપી ગયો, બનાસકાંઠાનો આશ્ચર્યજનક કિસ્સો

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં એક આશ્ચર્યજનક કિસ્સો જોવા મળ્યો છે. દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપને તેનો પૌત્ર મૂળ માલિકને શોધીને તેને પરત આપી ગયો છે. મૂળ માલિકે પણ કોઈ પણ જાતના આરોપ-પ્રત્યારોપ કર્યા વગર ગાડી પરત આપવા આવનારા દંપત્તીને સન્માન સાથે રવાના કર્યા હતા. 

બનાસકાંઠાના લાખણી તાલુકાના ચાળવા ગામમાં રહેતા સુરેશભાઈ સોની 1985-86ના વર્ષમાં જીપ ખરીદીને લાવ્યા હતા. એક રાત્રે તેમણે ઘરની બહાર જીપ મુકી હશે તેની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. સુરેશભાઈને ભગવાનમાં શ્રદ્ધા હતી, એટલે તેમણે પોલીસમાં ચોરીની ફરિયાદ કરવાને બદલે પોતાની રીતે ગાડીની શોધખોળ કરી. 

થોડા સમય બાદ ગાડીની કોઈ ભાળ ન મળતાં તેઓ એ વાતને પણ ભુલી ગયા હતા. જોકે, તેમણે એવો નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી ચોરાયેલી ગાડી પાછી નહીં મળે ત્યાં સુધી તેઓ ઘરમાં ચાર પૈડાંનું વાહન નહીં લાવે. 

આ વાતને 35 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. સુરેશભાઈના ઘરે પણ દિકરો અને દિકરાના ઘરે પણ બાળકો મોટા થઈ ગયા. સામે ગાડી ચોરનારી વ્યક્તિના ઘરે પણ દિકરો અને પૌત્રોનો જન્મ થયો. પૌત્ર મોટો અને સમજણો થતાં તેને થયું કે, મારા દાદાએ ખોટું કામ કર્યું છે. આ જીપ તેના મૂળ માલિકને પરત આપી દેવી જોઈએ. 

એટલે રાજસ્થાનમાં ચોરી કરીને લઈ જનારી વ્યક્તિના પૌત્રએ જીપના મુળ માલિકની શોધખોળ કરી. પાકી શોધખોળ થઈ ગયા બાદ બુધવારે તે પોતાના પરિવાર સાથે બનાસકાંઠાના લાખણી તાલુકાના ચાળવા ગામમાં રહેતા સુરેશભાઈ સોનીના દિકરા દિનેશ સોનીને પરત આપવા આવ્યા હતા. તેમનું માનવું હતું કે ઘરમાં સુખ-શાંતિ માટે પરધન પાછું આપી દેવું જોઈએ. 

fallbacks

અહીં સુરેશભાઈ સોનીના દિકરા દિનેશભાઈએ પણ જૂની વાતો ભુલી જઈને જીપ જ્યારે ગામમાં આવી ત્યારે તેનું ઢોલ-નગારાથી સ્વાગત કર્યું હતું. સંપૂર્ણ પૂજાવિધી કરીને તેમણે જીપને સ્વિકારી લીધી હતી. સાથે જ જીપ પરત આપવા આવનારા દંપત્તીને પણ સન્માનપૂર્વક જમાડીને વિદાય આપી હતી. 

fallbacks

દિનેશભાઈએ જણાવ્યું કે, અમને અમારા પિતાની ગાડી પાછી મળી છે એ જાણીને પરમ આનંદ થયો હતો. એટલે, ઈમાનદારી દાખવનારા દંપત્તિનું અમે સન્માન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More