Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારનો સ્માર્ટ સિટીનો દાવો પોકળ, અમદાવાદના પોશ વિસ્તારોમાં માણસો કરતા વધુ ઢોર રખડતા દેખાય છે

અમદાવાદમાં લોકોએ રસ્તા ઉપર રખડતા ઢોરને લઇ ફરીયાદો કરી, છતાં રોડ ઉપર રખડતા ઢોરનો સિલસિલો યથાવત છે. ઢોરોને કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ? જનતાને શા માટે હાલાકી વચ્ચે છોડી દેવાય છે?

સરકારનો સ્માર્ટ સિટીનો દાવો પોકળ, અમદાવાદના પોશ વિસ્તારોમાં માણસો કરતા વધુ ઢોર રખડતા દેખાય છે

સપના શર્મા/અમદાવાદ :અમદાવાદના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હોય અને અકસ્માત સર્જાવાથી નુકસાન થયું હોય. આ અંગે ઝી મીડીયાની ટીમે અમદાવાદના રસ્તાઓ પર રાત્રિ દરમિયાન શહેરમાં રખડતા ઢોરો અંગે રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવી. વેજલપુર રોડથી પ્રહલાદનગર રોડ હોય કે પછી આંબલીથી બોપલ જતો રોડ, બધે સંખ્યાબંધ રખડતા ઢોર નજરે પડ્યા. હદ તો ત્યાં થઈ જ્યારે ગોપાલક વગર જ  રોડ પર આતંક મચાવતા ઢોરોના દ્રશ્ય જોવા મળ્યા. કર્ણાવતી કલબથી બોપલ તરફનો એક સાઈડનો રોડ તો રીતસરનો રખડતા ઢોરોએ બ્લોક કર્યો હોય તેવુ જોવા મળ્યું. અહીં સંખ્યાબંધ ઢોરો રોડ પર જ અડીંગો જમાવીને બેઠેલા નજરે પડ્યા. ત્યારે સવાલ એ છે કોર્પોરેશનની કાર્યવાહી માત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે કે શું ? 

સ્માર્ટ સિટીમાં હાલ બે વરવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. એક તો ચોમાસામા પડેલા ખાડા, અને બીજા રસ્તા પર મહાલતા ઢોરો. રસ્તા ઉપર રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગુજરાતના લગભગ દરેક શહેરોની આવી હાલત છે. પરંતુ અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં પણ રખડતા ઢોરોનો અડીંગો જોવા મળે છે. આ અંગે અસંખ્ય ફરિયાદો છતા તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. 

આ પણ વાંચો : ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં

જૂનથી જુલાઈ મહિનામાં જ ઢોરને લઈને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગને 1554 ફરિયાદો મળી છે. જેમાં રસ્તા ઉપર રખડતા ઢોરની સૌથી વધુ સમસ્યા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છે. પશ્ચિમ વિસ્તાર પોશ ગણાય છે, છતાં આ વિસ્તારમાં ગાયો ફરતી જોવા મળે છે. આનંદનગર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, શ્યામલ, બોપલમાં તો ઢોરો પર કોઈ અંકુશ જ નથી. અહીં મોટા મોટા બંગલાની બહાર ઢોર બેસેલા જોવા મળે છે. જોકે, આ વચ્ચે એએમસી ફરિયાદનો ઉકેલ લાવવાનીવ વાત તો કરે છે, પણ ચિત્રો પરથી લાગતુ નથી કે અધિકારીઓ કોઈ પગલા લેતા હોય. 

  • પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 338 ઢોર માટેની ફરિયાદો લોકોએ કરી છે, જેમાંથી 277 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો  
  • ઉત્તર પશ્ચિમઝોનમાં 246 ફરિયાદોમાંથી 156 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 190 ફરિયાદોમાંથી 97 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો
  • મધ્ય ઝોનમાં 112 ફરિયાદોમાંથી 92 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો
  • પૂર્વઝોનમાં 193 ફરિયાદોમાંથી 163 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો
  • ઉત્તર ઝોનમાં 267 ફરિયાદોમાંથી 182 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો
  • દક્ષિણઝોનમાં 208 ફરિયાદોમાંથી 129 ફરિયાદનું નિવારણનો AMC નો દાવો

લોકોએ રસ્તા ઉપર રખડતા ઢોરને લઇ ફરીયાદો કરી, છતાં રોડ ઉપર રખડતા ઢોરનો સિલસિલો યથાવત છે. પરંતુ સવાલ એ છે કે, રાત્રે રસ્તા કેમ રખડતા ઢોરોનો અડ્ડો બની જાય છે? પશુપાલકો પર તંત્રનું કોઈ નિયંત્રણ નથી? રાત્રે રખડતા ઢોરોની સમસ્યા માટે AMCનો એક્શન પ્લાન શું? રાત્રે ઢોરોને કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ? જનતાને શા માટે હાલાકી વચ્ચે છોડી દેવાય છે? 

AMC ઢોર પર ચિપ લગાડશે
અમદાવાદમાં રસ્તા ઉપર રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે AMC એ RFID ચિપ ઇન્સ્ટોલ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. પરંતુ લાગે છે કે આ પગલા પણ કોઈ કામમાં આવ્યા નથી. ઢોરમાં આ ચિપ ઈન્સ્ટોલ કરવાથી તેની તેના માલિક સાથેની તમામ વિગતો કોમ્પ્યુટર સિસ્ટમમાં દેખાય તેવું આયોજન AMC એ પ્લાનિંગ કર્યુ છે. આ ચિપથી જો એ જ ઢોર ફરીથી પકડાય તો તેની પણ માહિતી મળી રહે છે. જોકે, આ કામગીરી શરુ કરાયાને 2-3 વર્ષ થયાં છે. મોટા ઉપાડે ખર્ચ તો થયો પણ તેની સામે સમસ્યા યથાવત રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More