Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્નમાં બાધા બનેલી બાળકીને સાવકા પિતાએ પતાવી દીધી, સામે આવ્યા સીસીટીવી

Rajkot Crime News : રાજકોટમાં કોઠારીયામાંથી બાળકીની લાશ મળવા મામલે થયો મોટો ખુલાસો.. ઘરની દીવાલે માથુ પછાડી સાવકા પિતાએ જ કરી હતી માસુમની હત્યા. લાશ ફેંકવા જતાં આરોપી પિતાના સામે આવ્યા CCTV.

લગ્નમાં બાધા બનેલી બાળકીને સાવકા પિતાએ પતાવી દીધી, સામે આવ્યા સીસીટીવી

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળવાનો કેસ ઉકેલાયો છે. બાળકીના સાવકા પિતાએ જ બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સાવકા પિતાને ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે. બાળકી લગ્નજીવનમાં બાધા રૂપ થતી હોવાથી બાળકીની હત્યા કરી. સાવકા પિતાએ દીવાલ સાથે માસૂમ બાળકીના માથા ભટકાડી અને બાદમાં બાળકીના શ્વાસ રૂંધી બાળકીની ક્રૂર હત્યા નિપજાવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં આરોપી અમિતકુમાર ગૌડને ગાંધીનગરથી ઝડપી પાડયો છે.

રાજકોટના કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકી અનન્યાએ કારખાનામાં કામ કરતી માતા પાસે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી. આથી લગ્નજીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણપોષણ કરવામાં અસમર્થ સાવકા પિતા અમિત ગોરે બાળકીને ફડાકા મારી ચુપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી રડવા લાગતા સાવકો પિતા રાક્ષસ બન્યો હતો અને તેણે આ બાળકીને વાળ પકડી, ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી ઝાડીમાં ફેંકી આવ્યો હતો. જો કે, મૃતદેહ ફેંકવા જતો હતો એ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બાદમાં ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી હતી

આ પણ વાંચોઃ અમિત શાહે ગુજરાતના 6 સાંસદોને દિલ્હી બોલાવી રીતસરના ખખડાવ્યા

રાજકોટના કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકી અનન્યાની ઝાડીઓમાંથી લાશ મળી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઇન્ટેલિજન્સની મદદ થી આરોપીને દબોચી લીધો હતો. DCP ઝોન 1 સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગઈકાલે 8 જાન્યુઆરીએ ગોંડલ ચોકડીથી આગળ વિમલ ટાયર પાસે ઝાડીમાંથી અઢી વર્ષની દીકરી અનન્યાનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર પર ઇજાના નિશાન જોતા તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કરીને બાજુમાં જ રસુલપરા વિસ્તારમાં અમિત અને રૂકમણીની દીકરી અનન્યા ગુમ થઈ હોય તેવી જાણ થઈ હતી. આથી અનન્યાની માતા રૂકમણીબેન ઘટનાસ્થળે આવ્યા હતા અને તેણે કહ્યું કે આ મારી જ દીકરી છે. આખી સ્ટોરી એવી છે કે, 6 જાન્યુઆરીના રોજ અમિત ગોર જે ઉત્તરપ્રદેશનો છે તે આ દીકરીનો સાવકો પિતા થતો હતો. 6 જાન્યુઆરીએ અમિતની પત્ની અને દીકરીની માતા રૂકમણીબેન કારખાનામાં કામે ગયા હતા. આથી ઘરે દીકરી અને તેનો સાવકો પિતા અમિત હતા. અમિતે દીકરીનું માથુ દીવાલ સાથે અથડાવી મારી નાખી હતી. બાદમાં તેના મકાન માલિકને એવું કહ્યું કે, હું ગોંડલ ચોકડી જતો હતો ત્યારે કાર સાથે અકસ્માત થતા દીકરીને હોસ્પિટલે લઈ ગયો છું. ક્યારેક એવું કહેતો કે અપહરણ થઈ ગયું છે. જેથી કરીને મકાન માલિક સલિમભાઈ અમિતને 7 જાન્યુઆરીએ આજીડેમ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાદમાં આજીડેમ પોલીસ ગોંડલ ચોકડીએ સીસીટીવી ચેક કરતી હતી ત્યારે અમિત ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં મકાન માલિકને શંકા ગઈ અને રૂકમણીબેનને જાણ કરી કે તારો પતિ તો જતો રહ્યો છે. બાદમાં રૂકમણીબેને 7 જાન્યુઆરીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની નોંધ કરાવી હતી. ત્યારબાદ 8 જાન્યુઆરીએ વહેલી સવારે દીકરીનો મૃતદેહ મળતા રૂકમણીબેને પોતાની પુત્રીનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું. આથી અમિતે જ અનન્યાની હત્યા કરી હોવાનું અમને લાગતા તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં હ્યુમન સોર્સથી જાણવા મળ્યું કે, અમિત રાજકોટથી ભાગી અમદાવાદથી આગળ નીકળી ગયો છે. આથી એલસીબી ઝોન 1ની ટીમને એક્ટિવેટ કરી અમિતનું પગેરૂ મેળવી તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ ભાજપની શિસ્ત સમિતી : આ નેતાઓ 600 બળવાખોરો સામેની ફરિયાદો તપાસશે, જાણો કોણ કોણ છે?

હત્યા પાછળ મુખ્ય કારણ ભરણપોષણ હોવાનું ખુલ્યું
ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, રૂકમણીબેનને આ અમિત બીજો પતિ છે અને અમિતને પણ રૂકમણીબેન બીજી પત્ની છે. અમિત પોતે કાંઈ કામ કરતો નહોતો. રૂકમણીબેન સલિમભાઈના કારખાનામાં કામે જતી હતી. આઠ મહિના પહેલા જ અમિત સાથે લગ્ન કર્યા હતા. ચાર મહિના પહેલા જ રાજકોટ આવ્યા હતા. ત્યારે અમિત રૂકમણીને વારંવાર કહેતો કે મારે તારું અને આ દીકરીનું પણ ભરણપોષણ કરવાનું છે. ભવિષ્યમાં બાળક આવે તેનું પણ ભરણપોષણ કરવાનું થશે. આથી આપણે ભરણપોષણ કેવી રીતે કરી શકીશું. આ કારણે જ અમિતે અનન્યાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે

આરોપી અમિત અને તેની પત્નીના બીજા લગ્ન હોવાનું સામે આવ્યું છે. ભવિષ્યમાં થનાર બાળક અને તેમનું ભરણપોષણ ન કરી શકવાને કારણે તેમજ બાળકી પોતાની ન હોવાથી હત્યા કરી હોવાનું પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું. બાળકી પોતાની ન હોવાથી તેના પ્રત્યે સંવેદના કે લાગણી નહોતી તેવું નિષ્ઠુર સાવકા પિતાએ પોલીસ સામે રટણ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More