Home> Gujarat
Advertisement
Prev
Next

સાંસદે દત્તક લીધેલા ગામની સ્થિતિ : એકે કર્યો હરણફાળ વિકાસ, તો બીજા ગામમાં ફરક્યા પણ નહિ

લોકસભાની ચૂંટણીની હવે તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે પાંચ વર્ષ સુધી પ્રજાની સેવા કરનાર લોક પ્રતિનિધિ એટલે કે સાંસદે લીધેલા દત્તક ગામની શુ છે વાસ્તવિક પરિસ્થિતિ તે અંગે આજે કરીશું વાત. વડોદરાના સાંસદ રંજન

સાંસદે દત્તક લીધેલા ગામની સ્થિતિ : એકે કર્યો હરણફાળ વિકાસ, તો બીજા ગામમાં ફરક્યા પણ નહિ

તૃષાર પટેલ/પ્રેમલ ત્રિવેદી/ગુજરાત :લોકસભાની ચૂંટણીની હવે તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે પાંચ વર્ષ સુધી પ્રજાની સેવા કરનાર લોક પ્રતિનિધિ એટલે કે સાંસદે લીધેલા દત્તક ગામની શુ છે વાસ્તવિક પરિસ્થિતિ તે અંગે આજે કરીશું વાત. વડોદરાના સાંસદ રંજન ભટ્ટે તાલુકાના આસોજ ગામને તથા પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારિજ તાલુકાના રોડા ગામને દત્તક લીધા હતા. ત્યારે પાંચ વર્ષ આ ગામની સ્થિતિનો રિપોર્ટ શું છે તે પર કરીએ એક નજર. 

સાંસદ રંજન ભટ્ટે લીધેલા આસોજ ગામની સ્થિતિ 
પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતા વડોદરાના આસોજ ગામમાં મુખ્યત્વે પટેલ, બ્રાહ્મણ, ભરવાડ, મુસ્લિમ, દલિત, પાટનવાડીયા સમુદાયના લોકો રહે છે. 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગામની જનતાએ ભાજપા પક્ષના પ્રતિનિધિ રંજનબેન ભટ્ટને ખોબે ખોબા ભરીને વોટ આપ્યાં હતાં અને બહોળા પ્રમાણમાં ગ્રામજનોએ કરેલ મતદાનને કારણે રંજનબેન ભટ્ટ સાંસદ પણ બન્યા.

સાંસદ બન્યા બાદ તેઓએ આસોજ ગામને દત્તક ગામ તરીકે સ્વીકાર્યું અને ત્યારથી આસોજની પ્રગતિ શરૂ થઈ હતી. સાંસદ દ્વારા આ ગામને દત્તક લેતાં પહેલાં ખાસ કોઈ સુવિધા અહીં ન હતી. ગામમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટનો અભાવ હતો.સાંસદ દ્વારા આસોજ ગામને દતક લેવાતાં ગામની સુરત બદલાઈ ગઈ છે.

ગ્રામજનોનું માનીએ તો, તમામ ફળિયાઓ, આરોગ્ય કેન્દ્ર અને શાળા ખાતે પેવર બ્લોકની કામગીરી સાંસદ દ્વારા કરાઈ છે. ગામને દત્તક લેવાની સાથે ગામની 134 જેટલી મહિલાઓને પાંચ લાખની ધનરાશિ સાથે નિઃશુલ્ક એલપીજી ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી છે. એટીવીટીની ગ્રાન્ટમાંથી 9 લાખનો ખર્ચ ગામના વિકાસ માટે કરાયો છે.

ઉપરાંત ગ્રામજનોના પીવાના પાણીનો પ્રશ્ન મુખ્ય હોઈ એક લાખ લિટરની પાણીની ઓવરહેડ ટાંકી માટે પોતાની ગ્રાન્ટમાંથી 24 લાખ ફાળવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આખું ગામ સીસીટીવી કેમેરા અને વાઈફાઈથી સજ્જ બન્યું છે. આ માટે સાંસદે બીપીએલ કંપની સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠળ કામગીરી કરાવી.

એ જ રીતે અન્ય કોર્પોરેટ હાઉસ પાસેથી ગામમાં સાર્વજનિક શૌચાલયનું નિર્માણ કરાવ્યું. એક પણ ઘર શૌચાલય વિનાનું ન રહે તે માટે પ્રયાસો કરાયા. જેના બાદ આસોજ ગામ 100 ટકા ODF ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે.

લીલાધર વાઘેલાએ લીધેલ રોડા ગામની સ્થિતિ
ભાજપના પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારીજ તાલુકાના રોડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી. પણ, પાંચ વર્ષના વહાણ વિત્યા છતા પણ ગામમાં વિકાસના નામે ગામને મીંડું જોવા મળ્યું છે. વિકાસ તો દૂર રહ્યો અને આજે પણ ગામમાં પાયાની સુવિધાનું પણ નામોનિશાન નથી.

દત્તક લીધા બાદ ગામમાં તમામ પ્રાથમિક સુવિધાથી સભર તેમજ વાઇફાઇ ઈન્ટરનેટથી સજ્જ બનાવીશું તેવા વાયદા કરાયા હતા, પણ ગ્રામજનો આ વાયદાઓ સાંભળ્યા બાદ આજે પણ અફસોસ કરી રહ્યા છે. આ ગામને જોડતો ન તો રોડ બન્યો કે, ન કોઈ પ્રાથમિક સુવિધા ઉભી કરાઈ. ગામ વચ્ચેના વડલાના આજુબાજુના ચોકને એક અલગ જ રીતે નંદનવન જેવું બનાવાશે તેવા ગ્રામજનોને સપના બતાવાયા હતા, તે ય પૂરુ ન કર્યું. ગામમાં આવેલુ એકમાત્ર તળાવ પણ ખાલીખમ છે. 

ગ્રામજનો દ્વારા સંસદ સામે અનેકવાર રજૂઆતો કરાઈ છતા તેમણે એક રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી. ગ્રામજનોની વાત માનીએ તો, ચૂંટાયા બાદ તેઓ ગામમાં આવ્યા પણ નથી. આ ગામને અદર્શ ગામ જાહેર કર્યા પછી ગામનો વેરો વધ્યો છે. ગામને પીવાનું પાણી, ખુલ્લી ગટરોની સમસ્યા છે.

ગામની આંગણવાડી પણ જર્જરિત છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌથી વધુ સમય ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતા અને 80 વટાવી ચૂકેલા પાટણના સાંસદ લીલાધર વાઘેલાને પણ ભાજપ ટિકીટ નહિ ફાળવે તેવું લાગે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More