Home> Gujarat
Advertisement
Prev
Next

સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત, આવતીકાલ સુધીમાં સુધી હટી જશે વિવાદિત શિલ્પચિત્રો

છેલ્લા કેટકાલ દિવસથી ગુજરાતમાં ચાલી રહેલા સાળંગપુર વિવાદ મુદ્દાનો હવે ઉકેલ આવી ગયો છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુ-સંતોની બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

 સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત, આવતીકાલ સુધીમાં સુધી હટી જશે વિવાદિત શિલ્પચિત્રો

અમદાવાદઃ સાળંગપુર હનુમાન ધામમાં શિલ્પચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદ મોટા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં  મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે.

બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય
અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુ-સંતો વચ્ચે બેઠકનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં આવી છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હજુ એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં વડતાલના સંતોએ અન્ય સ્વામિનારાયણ સંતોને વાણી-વિલાસ ન કરવાની ખાસ સૂચન કર્યું છે. આ સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો સિવાય અન્ય જે પણ વિવાદ છે તે માટે આગામી સમયમાં એક મોટી બેઠક યોજવામાં આવશે. 

બેઠકમાં આ પાંચ ઠરાવ પસાર કરાયા
1. વડતાલના પીઠાધીશ્વર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે સ્વામિનારાયણ વૈદીક સનાતન ધર્મનું એક અંગ છે અને તે વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ, હિન્દુ આચારોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી. 

2. સાળંગપુર મંદિર ખાતેના ભીંતચીત્રોથી લાગણી દુભાણી છે તેને આવતીકાલે સૂર્યોદય થતાં પહેલા લઈ લેવામાં આવશે. 

3. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો/સંતો સાથે વિચાર ચર્ચા બેઠક ટૂંક સમયમાં યોજાશે. આ તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક યોજવામાં આવશે. 

4. વડતાલ ના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે તમામ સંતોને કોઈ વિવાદાસ્પદ વાણી વિલાસ ન કરવા માટેની સૂચના આપી છે. 

5. વિશ્વ હિન્દુ પરિષદ સંતો તથા હિન્દુ સમાજને પ્રાર્થના કરે છે કે આ વિવાદોના પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રીય થયેલ છે. તેથી કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે. 

અમદાવાદમાં યોજાઈ મહત્વની બેઠક
ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં શિવાનંદ આશ્રમમાં સ્વામિનારાયણ સંતો અને સનાતની સાધુ સંતો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પુરૂષોત્તમચરણ શાસ્ત્રી, બાલઅગમ સ્વામી, સનાતન સંતમાંથી ચૈતન્યશંભુ મહારાજ, પરમાત્માનંદજી મહારાજ, કલ્યાણ રાયજી મહારાજ મંદિરના શષ્ટગૃહ યુવરાજ શ્રી શરમણ કુમારજી, વિશ્વ હિન્દુ પરિષદમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ હાજર રહ્યાં હતા. 

ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક
સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને લઈને વિવાદ સતત વધી રહ્યો હતો ત્યારે આજે ગાંધીનગરમાં  મુખ્યમંત્રીના નિવાસ્થાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, વડતાલના ડો.સંત વલ્લભદાસજી સ્વામી સરધાર મંદિરના સ્વામી સહિતના સંતો હાજર રહ્યાં હતા. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. 

શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More