દિપ્તી સાવંત/અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમયે જાણીતા બનેલા એવા રેશ્મા પટેલ વર્ષ 2017માં ભાજપમાં જોડાયા પરંતુ ભાજપમાં તાનાશાહી છે, કાર્યકરોનું કોઈ સાંભળતું નથી એવા આક્ષેપો સાથે થોડા સમય પહેલા જ રેશ્મા પટેલે ભાજપ સાથે પણ છેડો ફાડ્યો. લોકસભા 2019ની ચૂંટણીમાં રેશમા ગુજરાતની એકમાત્ર એક નેતા છે, જે લોકસભા અને વિધાનસભા બંને લડવા જઈ રહ્યાં છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. તેના ગણતરીના જ દિવસો બાદ તેઓ એનસીપીમાં જોડાયા, અને હવે માણાવદર પેટચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર તરીકે લડવાના છે. ત્યારે લોકસભા અને વિધાનસભા લડતા હોય તેવા તેઓ એકમાત્ર ઉમેદવાર બન્યા છે. તેમજ ગુજરાતની લોકસભા ચૂંટણીમાં એક એવા ઉમેદવાર છે, જે બેઠક પરથી લડી રહ્યાં છે, એ પણ લોકસભા અને વિધાનસભાની. બે બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય વિશે ZEE ન્યૂઝે રેશમા પટેલ સાથે વાત કરી હતી.
બે સીટ પર લડવાનો નિયમ
બે સીટ પર લડવાનો ક્રમ તો બહુ જ જૂનો છે. પહેલા કોઈ પણ ઉમેદવાર ગમે તેટલી સીટ પરથી ઈલેક્શન લડી શક્તો હતો, પરંતુ 1996માં નિયમમાં રિસર્ચ કરીને એક ઉમેદવારને વધુમાં વધુ બે સીટ પરથી લડવાની મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, એક ઉમેદવાર બે સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે. જો તે બંને સીટ પરથી જીતે છે, તો તેને 10 દિવસ બાદ એક સીટ છોડવી પડે છે, જેના પર ફરીથી પેટાચૂંટણી યોજાય છે. આ બધુ જનપ્રતિનિધિત્વ કાયદો 33 (7) અંતર્ગત આવે છે.
કોણ છે રેશમા પટેલ
રેશમા પટેલ નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશમા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા તેઓ ભાજપમાં જોડાયા હતા, અને ભાજપમાં સામે પણ વાંધો પડતા, તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો. લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. પણ બાદમાં એનસીપી સાથે જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, હવે રેશ્મા પટેલની રાજકીય કારકિર્દીમાં આખરે નવો વળાંક આવ્યો છે. તાજેતરમાં જ NCPના જયંત પટેલ દ્વારા રેશ્મા પટેલને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા. રેશ્મા પટેલે આશા વ્યક્ત કરી છે કે તેમને પોરબંદર લોકસભાની બેઠક પરથી પણ NCPનો સાથ સાંપડશે અને તેઓ સફળ થશે. પણ, જો રેશમા પટેલ બંને બેઠકમાંથી એક બેઠક પર જીતશે, તો તેમને એક બેઠક છોડવી પડશે. ત્યારે હવે તો સમય જ બતાવશે કે શું થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે