Home> Gujarat
Advertisement
Prev
Next

70 હજારના પગારદારની આટલી બધી સંપત્તિ, આ દેશોમાં કરી આવ્યો છે જલસા

આગકાંડના આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના કારનામા એક બાદ એક ખુલી રહ્યા છે. પોતે મહિને 70 હજારનો પગારદાર છે. પરંતુ તેની કુલ સંપતિ 10 કરોડથી પણ વધારે છે. ત્યારે કેવી રીતે 70 હજારના પગારદારે વસાવી કરોડોની સંપત્તિ...

70 હજારના પગારદારની આટલી બધી સંપત્તિ, આ દેશોમાં કરી આવ્યો છે જલસા
Updated: Jun 20, 2024, 03:37 PM IST

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ અગ્નિકાંડ હજુ લોકોના મનમાં જીવિત છે. ત્યારે આ આગકાંડના આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના કારનામા એક બાદ એક ખુલી રહ્યા છે. પોતે મહિને 70 હજારનો પગારદાર છે. પરંતુ તેની કુલ સંપતિ 10 કરોડથી પણ વધારે છે. ત્યારે કેવી રીતે 70 હજારના પગારદારે વસાવી કરોડોની સંપત્તિ જોઈએ આ અહેવાલમાં...  

  • મનસુખ સાગઠિયાના કાળા કારનામા 
  • કરોડોની સંપત્તિનો માલિક છે સાગઠિયો 
  • આવક કરતા 410 ટકા વધુ નીકળી સંપત્તિ 

પોલીસ પકડમાં જે વ્યકિત છે, તેને કદાચ તમે સૌ લોકો ઓળખતા જ હશો. અને ન ઓળખતા હોય તો અમે જણાવી દઈએ, આ મહાશય છે એમ.ડી.સાગઠીયા. જેઓ રાજકોટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, પરંતુ હાલ સસ્પેન્ડ છે. આ મહાશયનો પગાર મહિને અંદાજે 70 હજાર જેટલો છે. પરંતુ જો તમે એમની કુલ સંપત્તિ વિશે જાણશો, ત્યારે તમને અંદાજો આવશે કે આ નરાધમ કેટલો મોટો ભ્રષ્ટાચારી છે. 

જીહાં, આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રાજકોટ આગકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે અનેક ગુના દાખલ છે. ત્યારે હવે આ કૌભાંડી સામે ACBએ પણ ગુનો દાખલ કર્યો છે. અને ACBએ જ્યારે તપાસ કરી, તો જાણવા મળ્યું કે આ મહાઠગ પોતાની કુલ સંપત્તિ કરતા 410 ટકા વધુ સંપત્તિ વસાવી ચુકયો છે.

ACBએ ગુનો દાખલ કરીને મનસુખ સાગઠિયાના અલગ અલગ 3 ઠેકાણાઓ સહિત તેના ભાઈની રાજકોટ ઓફિસ ખાતેની ઓફિસ પર તપાસ કરી. જેમાં ACBએ વર્ષ 2012થી 2024 સુધીમાં સાગઠિયાએ વસાવેલી મિલકતોની તપાસ કરી, જેમાં દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાની વિગતો, સરકારી કચેરીના દસ્તાવેજો, સાગઠિયાના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્ર કરીને તપાસ કરવામાં આવી. જ્યારે ACBએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ભ્રષ્ટાચારી સાગઠિયો પોતાની કુલ મિલકત કરતા 10 કરોડથી વધુની સંપત્તિ વસાવીને બેઠો છે. 

મહાઠગ અને ભ્રષ્ટાચારી એમ.ડી.સાગઠિયાની બેનામી મિલકત પર એક નજર કરીએ તો...

  • અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં 2 ફલેટ
  • રાજકોટની અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રકશન બંગલો
  • રાજકોટના માધાપર ખાતેની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ
  • રાજકોટના સોખડામાં એક પેટ્રોલપંપ અને 3 ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન 
  • રાજકોટના શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં એક ગેસ ગોડાઉન 
  • રાજકોટમાં પડધરીના બાલાજી ગ્રીનપાર્કમાં એક પ્લોટ
  • ગોંડલના ગોમડામાં પેટ્રોલપંપ અને અંડર કન્સ્ટ્રકશન હોટલ
  • ગોમટામાં ફાર્મ હાઉસ અને કરોડો રૂપિયાની ખેતીની જમીન
  • 2 હોન્ડા સિટી કાર સહિત કુલ 6 વાહન

આટલું જ નહીં સરકારી કામ કરવાના બદલામાં લોકો પાસેથી ઉઘરાવેલા પૈસાથી આ મહાઠગ  દુબઈ, યુરોપ, સાઉથ આફ્રીકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે., મલેશીયા. માલદિવ અને શ્રીલંકામાં જલસા કરી આવ્યો છે. 

રાજકોટ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા સામે ACBએ ગાળિયો કસ્યો છે, અને હવે આ તપાસ મોટા બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે. કેમ કે સાગઠિયાના બેન્ક સ્ટેટમેન્ટમાં બિલ્ડરો સાથે મોટી મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી ACBને હાથ લાગી છે. અને આ એવા બિલ્ડરો છે, જેઓ પહેલા સરકારી અધિકારી હતા અને નિવૃતિ બાદ બિલ્ડર બની બેઠા છે. ત્યારે આવા બિલ્ડર અને સાગઠિયાની સાંઠગાંઠની તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે