Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના અનેક શહેરોમાં ખાડાનું સામ્રાજ્ય, નિર્દોષ લોકો બની રહ્યાં છે તંત્રની બેદરકારીનો ભોગ

ગુજરાતમાં આવેલી મહાનગર પાલિકાઓ શહેરમાં સુવિધા પૂરી પાડવા માટે ટેક્સ તો વસૂલ કરે છે પરંતુ કામમાં બેદરકારી દાખવી રહી છે. અનેક શહેરોમાં રસ્તાઓ પર ખાડા આવેલા છે. આ ખાડાને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે અને ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. 

ગુજરાતના અનેક શહેરોમાં ખાડાનું સામ્રાજ્ય, નિર્દોષ લોકો બની રહ્યાં છે તંત્રની બેદરકારીનો ભોગ

ઝી બ્યૂરોઃ મહાનગરોમાં લોકોની સુવિધા માટે કોર્પોરેશન જનતા પાસેથી ટેક્સ વસૂલે છે. આ ટેક્સના બદલામાં રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી અનેક સુવિધાઓ પૂરી પાડે છે.. પરંતુ, હકીકત એ છે કે સુવિધા નહીં કોર્પોરેશન જનતાને દુવિધા આપવા માટે ટેક્સ વસૂલે છે.. હાલમાં બનેલી ઘટનાઓ અને ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં આ વાસ્તવિકતા પૂરવાર થાય છે.. રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છે અને પાલિકાના પાપે પડેલા આ ખાડાઓનો નિર્દોષ લોકો ભોગ બને છે.. 

પહેલી ઘટના રાજકોટની છે. 29 તારીખે રાત્રે રાજકોટના ગુંદાળા પેટ્રોલપંપ નજીક બાઈક સવાર ખાડામાં ખાબકતા ઈજાગ્રસ્ત થયો. અને બીજી ઘટના વલસાડની છે.. વલસાડના નાના ખત્રીવાડ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા યુવાન તેમાં ખાબક્યો અને ઈજાગ્રસ્ત થયો.. 

સવાલ એ છે કે, આ પ્રકારના ખાડાઓનો ભોગ જનતા ક્યાં સુધી બનતી રહેશે. ZEE 24 કલાક દ્વારા રાજકોટ શહેરમાં ખાડાઓને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને સામે આવી કોર્પોરેશનની બેદરકારી. રાજકોટ નાવા મૌવા રોડ પર આવેલા અર્જુન પાર્કમાં RMCએ ખાડો ખોદ્યો હતો. ડ્રેનેજ લાઈન બ્લોક થઈ જતાં મનપાની ટીમે 8 ફૂટનો ખાડો ખોદ્યો હતો.. પરંતુ 12-12 દિવસ વીતવા છતાં તેને પૂરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચોઃ વર્ષ 2022 માં રાજ્યના 12.72 લાખ લોકોની સેવાનું માધ્યમ બની '108 એમ્બ્યુલન્સ સેવા'

મહત્વની વાત એ છેકે, ZEE 24 કલાક દ્વારા કોર્પોરેશનની બેદરકારીનો અહેવાલ દર્શાવવામાં આવ્યો ત્યાર બાદ જ કોર્પોરેશનની ટીમ હરકતમાં આવી અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી.

વડોદરાના જેતલપુર ગરનાળા બહાર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.. કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ હજુ સુધી ખાડા પૂરાયા નથી.. આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડ પણ ખાડામાં પડ્યા છે.. 

આવી જ હાલત સુરતની પણ છે.. સુરતમાં રસ્તા પર ગટર નાંખવાનું કામકાજ તો કરવામાં આવે છે.. પરંતુ, ગટરના ઢાંકણા નંખાઈ ગયા પછી મનપા ખાડો પૂરવાનું ભૂલી ગઈ છે.. સુરતમાં એક અઠવાડિયાથી કામ ઠપ્પ છે.. અનેક જગ્યાએ તો બેરિકેટ પણ મૂકવામાં આવ્યા નથી.

આ પણ વાંચોઃ ખેડૂતો ખુશ! જીરુંના ભાવે ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવ્યો, પ્રથમવાર આટલા બોલાયા ભાવ

રાજકોટમાં ZEE 24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતાં કોર્પોરશનની ટીમની ઊંઘ ઉડી અને તાત્કાલિક સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. હવે વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ઊંઘ ક્યાર ઉડશે એ સવાલ છે.. શું આ બંને મનપાઓ પણ કોઈ ગોઝારા અકસ્માતની રાહ જોઈ રહી છે..?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More