Home> Gujarat
Advertisement
Prev
Next

ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવામાં નાઈટ્રોસામાઈન મળી આવ્યું, બની શકે છે કેન્સરનું કારણ

ડાયાબિટીસ અને બ્લેડપ્રેશરની દવાઓ લેતાં લોકોએ ચેતી જવાની જરૂર છે. જીટીયીના પ્રોફેસરો દ્વારા કરાયેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 

ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવામાં નાઈટ્રોસામાઈન મળી આવ્યું, બની શકે છે કેન્સરનું કારણ

અતુલ તિવારી, અમદાવાદઃ જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના પ્રો. રવિસિંહ સોલંકી અને પ્રો. રવિ પટેલ દ્વારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારીમાં વપરાતી લોસાર્ટન અને મેટફોર્મિંનના વિવિધ સંયોજનની દવા પર કરાયેલા રીસર્ચમાં કેન્સર થવાના કારણભૂત રસાયણ “નાઈટ્રોસામાઈનની” હાજરી 2 થી 30 ગણી વધારે જોવા મળી છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સિવાયના અન્ય રોગોમાં પણ લેવામાં આવતી દવાઓ ડૉક્ટર્સના યોગ્ય માર્ગદર્શન મુજબ જ લેવી જોઈએ. જેથી કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય. આ પ્રકારનું રિસર્ચ ફાર્મા ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નિવડશે.

આ સંદર્ભે, પ્રો. રવિસિંહ સોલંકી અને પ્રો. રવિ પટેલે  જણાવ્યું હતું કે, યુનાઈટેડનેશન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન દ્વારા વર્ષ-2018માં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની અનેક દવાઓ કે જે યુએસ ફાર્મા માર્કેટમાં ભારત તરફથી નિકાસ કરવામાં આવે છે. જેમાં નાઈટ્રોસામાઈનની માત્રા વધારે હોવાના કારણોસર યુએસ માર્કેટમાંથી પરત ખેંચવામાં આવી હતી. જે કારણોસર અમે પણ આ વિષય પર રિસર્ચ કરવા માટે કેન્સર ફોર્મિંગ સબસ્ટન્સ માટેની એનાલિટીકલ મેથડ વિકસાવીને રીસર્ચ કરવા નક્કી કર્યું. ભારતમાં 70% દર્દીઓ બ્લડપ્રેશર અને ડાયાબિટીસથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. જેઓ લોસાર્ટન અને મેટફોર્મિંનના સંયોજન આધારીત દવાઓ લેતાં હોય છે. યુનાઈટેડનેશન ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા 0.03 માઈક્રોગ્રામ/ગ્રામની માત્રામાં નાઈટ્રોસામાઈનનું પ્રમાણ કોઈ પણ દવા માટે નક્કી કરાયેલ છે. જે રીસર્ચ દરમિયાન 2થી 30 ગણુ વધારે મળી આવેલ છે. જેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થવાની સંભાવના વધી જતી હોય છે. છેલ્લા 2 વર્ષમાં યુનાઈટેડનેશન ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા વિવિધ રોગમાં વપરાતી દવાઓના 1400 જેટલાં લોટ્સ જે-તે કંપનીને પરત ખેંચવા માટે જણાવ્યું છે. જેમાં ડાયાબીટીસમાં વપરાતી મેટફાર્મિનના 256 અને બ્લડપ્રેશરમાં વપરાતી દવાઓના 1000 લોટ્સ છે. 

આ પણ વાંચોઃ વર્ષ 2023-24 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 11 માર્ચ 2024થી શરૂ થશે બોર્ડ પરીક્ષા

વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે, રીસર્ચ દરમિયાન અમે 15થી વધુ કંપનીના 60 સેમ્પલ પર પરીક્ષણ કર્યું હતું. જેમાં 0.03 માઈક્રોગ્રામ/ગ્રામથી પણ 2 થી 30 ગણુ નાઈટ્રોસામાઈનનું પ્રમાણ જોવા મળ્યું હતું. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન ફાર્માકોપીયા દ્વારા પણ આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. જેથી કરીને એસીડિટીની દવામાં આ બાબતે નિયંત્રણ લાવવા માટે જણાવેલ છે. જ્યારે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓની જરૂરીયાત આધારીત દવાનો સ્ટોક મળતો રહે તે અનુસાર જ યોગ્ય માત્રામાં નાઈટ્રોસામાઈનના નિયંત્રણ અર્થે પગલાં લેવામાં આવી રહ્યાં છે. પ્રો. રવિસિંહ સોલંકી અને પ્રો. રવિ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલાં આ રીસર્ચ પેપર્સ યુનાઈટેડનેશન અને યુનાઈટેડ કિંગડ્મથી પ્રકાશીત થતાં એલ્ઝેવિયર, વિલે પબ્લિકેશન અને ટેલરફ્રાંસીસમાં પણ પ્રકાશીત થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં જીટીયુ જીએસપી દ્વારા અન્ય દવાઓ પર પણ આ પ્રકારના પરીક્ષણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More