Home> Gujarat
Advertisement
Prev
Next

ગામમાં કોઈ ગાય રખડતી ન ફરે તે માટે પુરુષોનું સાહસ, સંકોચ વગર સ્ત્રીવેશ ધારણ કરીને નાટક કરે છે

Navratri 2022 : મોરબીમાં ભજવાતા આ નાટકમાં સ્ત્રી-પુરુષનો ભેદ મટે છે, માત્ર નવરાત્રિ જોવા મળે છે આ નજારો

ગામમાં કોઈ ગાય રખડતી ન ફરે તે માટે પુરુષોનું સાહસ, સંકોચ વગર સ્ત્રીવેશ ધારણ કરીને નાટક કરે છે

હિમાંશું ભટ્ટ/મોરબી :મોરબી નજીકના લજાઈ ગામે છેલ્લા 54 વર્ષ કરતાં વધુ સમયથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના જ યુવાનો ઘાઘરો પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવાતા હોય છે અને મહત્વની વાત તો એ છે કે આ ગામના બાળકો, યુવાનો કે વૃદ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરો ન્યાય આપે છે. વર્ષમાં એક જ દિવસે ભજવાતા નાટકમાં ગામમાં રહેતા અને બહાર ગામથી આવેલા લોકો ગાયો માટે દિલ ખોલીને લાખો રૂપિયાનો ફાળો આપે છે. 

વર્તમાન સમયમાં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે મોરબી નજીકના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે, જે નિહાળવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે જતા હોય છે. ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત પોણા બસ્સો જેટલી ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેથી ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય રજુ કરવામાં આવે છે. જે જોઇને લોકો કલાકાર દાનની સરવણી વહાવી દેતા હોય છે. આ વર્ષે દાનેશ્વરી કર્ણ નાટક ભજવાયુ હતું. 

ઉલેખનીય છે કે, દર વર્ષે નવરાત્રિમાં ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના શિક્ષિત યુવાનો, સરકારી અધિકારી, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે. 

ગામના નકલંક મંદિરના મહંત દામજી ભગત કહે છે કે, લગભગ આજથી 54 વર્ષ પહેલાં લજાઈ ગામમાં ગૌશાળાની સ્થાપના કરવામાં આવી હતી. જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, અમારી ગાયો કદી કતલખાને નહિ જાય. જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમ્યાન જુદાજુદા ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે. ગત રાતે “દાનેશ્વરી કર્ણ” નાટક ગામના જ યુવાનો દ્વારા ભજવવામાં આવ્યું હતું, જેને માણવા માટે સમગ્ર ગામ આવ્યું હતું અને ગાયોની સેવા માટેના કાર્યમાં સૌકોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા હોય છે. 

લજાઈ ગામે ગાયો ના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે. પરંતુ અમારા ગામમાં કોઈ પણ શેરી ગલીમાં ગાય રખડતી જોવા મળતી નથી. કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પહેરીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાઈ નાટકની આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિદ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે. 

અત્રે ઉલેખનીય છે કે લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોથી પણ લોકો આવે છે. એટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરીને નવરાત્રિ ઉપર યોજના નાટકને જોવા માટે તેને ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે. આમ નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ. લજાઈ ગામના લોકોના કહેવા મુજબ ગાયોના લાભાર્થે યોજાતા એક જ નાટકથી લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More