Home> Gujarat
Advertisement
Prev
Next

ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત

National Doctors Day: મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ (MKKN) યોજના હેઠળ ગુજરાતની 19,776 વિદ્યાર્થિનીઓને ડોક્ટર બનવા માટે ₹573.50 કરોડની આર્થિક સહાય...

ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
Updated: Jul 01, 2024, 05:23 PM IST
  • વર્ષ 2023-24માં 4982 તબીબી શાખાની વિદ્યાર્થિનીઓને MKKN હેઠળ ₹171.55 કરોડની સહાય ચૂકવવામાં આવી 
  • છેલ્લા બે દાયકાઓમાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા 10માંથી વધીને 40 થઈ જ્યારે મેડિકલ સીટ્સની સંખ્યા 1275થી વધીને 7050 થઈ
  • ગુજરાતમાં આદિજાતિ જિલ્લાઓમાં પણ હવે મેડિકલ કોલેજની સુવિધા

National Doctors Day: ભારતમાં દર વર્ષે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી અને જાણીતા ફિઝિશિયન ડૉ. બિધાનચંદ્ર રોયની યાદમાં 1 જૂલાઈના રોજ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નેશનલ ડોક્ટર્સ ડેનું થીમ છે, ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કોપ્સ: હીલર્સ ઓફ હોપ’. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મહિલાઓ પણ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે અને બાહોશ ડોક્ટર બનીને આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. 

મેડિકલ ક્ષેત્રે (MBBS) પોતાની કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે ગુજરાત સરકાર દ્વારા 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના' (MKKN) અમલી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. છે. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત આજ સુધીમાં રાજ્યની 19,776  વિદ્યાર્થિનીઓને ₹573.50 કરોડની નાણાકીય સહાયનો લાભ આપવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ (MKKN) યોજના-
આ યોજના હેઠળ ₹6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય માટે વિદ્યાર્થિનીઓના કોમ્યુનિટી બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લેવામાં આવતું નથી. વર્ષ 2017માં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ યોજના થકી રાજ્ય સરકાર દ્વારા કુલ 19,776 વિદ્યાર્થિનીઓને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આર્થિક ₹573.50 કરોડની સહાય આપવામાં આવી છે. વર્ષ 2023-24 માટે આ યોજના હેઠળ 4000 વિદ્યાર્થિનીઓને ₹140 કરોડની સહાય આપવાનો લક્ષ્યાંક હતો, જેની સામે 4982 વિદ્યાર્થિનીઓને ₹171.55 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. 

છેલ્લા 22 વર્ષોમાં ગુજરાતમાં મેડિકલ કોલેજો અને મેડિકલ સીટ્સની સંખ્યામાં વધારો-
ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ મેળવવા માટે રાજ્ય બહાર ન જવું પડે અને ઘરઆંગણે જ તેમને મેડિકલનું ઉત્તમ શિક્ષણ મળી રહે, તે માટે રાજ્ય સરકારે સતત મેડિકલ કોલેજો અને મેડિકલ સીટ્સની સંખ્યામાં વધારો કર્યો છે. વર્ષ 2001-02 માં જ્યારે રાજ્યમાં 10 જ મેડિકલ કોલેજો હતી, તેની સામે વર્ષ 2023-24માં 40 મેડિકલ કોલેજો છે. આ સાથે જ, મેડિકલ સીટ્સની સંખ્યા વર્ષ 2001-02માં 1275થી વધીને વર્ષ 2023-24માં 7050 સુધી પહોંચી ગઈ છે. 

રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્ષ 2022માં ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ જિલ્લાઓમાં નવસારી, નર્મદા અને પંચમહાલ એ રાજ્યના આદિજાતિ જિલ્લાઓ છે. હવે આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને પણ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે સંપૂર્ણ તકો મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે