Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં દુધ ઉત્પાદનમાં થયો વધારો, જૂનાગઢના પશુ ઉછેર કેન્દ્રને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર

સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં દુધ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. જૂનાગઢ સ્થિત પશુ ઉછેર કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતાં બીજદાન કાર્યક્રમથી આ સફળતા હાંસલ થઈ અને ગાયના દુધ ઉત્પાદનમાં 36 ટકા તથા ભેંસના દુધ ઉત્પાદનમાં 26 ટકાનો વધારો થયો છે

સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં દુધ ઉત્પાદનમાં થયો વધારો, જૂનાગઢના પશુ ઉછેર કેન્દ્રને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર

સાગર ઠાકર/ જૂનાગઢ: સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં દુધ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. જૂનાગઢ સ્થિત પશુ ઉછેર કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતાં બીજદાન કાર્યક્રમથી આ સફળતા હાંસલ થઈ અને ગાયના દુધ ઉત્પાદનમાં 36 ટકા તથા ભેંસના દુધ ઉત્પાદનમાં 26 ટકાનો વધારો થયો છે. જૂનાગઢના પશુ ઉછેર કેન્દ્રને જાફરાબાદી ભેંસના સંવર્ધન માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો, કૃષિ યુનિ હેઠળના પશુ ઉછેર કેન્દ્રમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસના સંવર્ધન સાથે કૃત્રિમ બીજદાન માટેના ડોઝ પણ તૈયાર કરવામાં આવે છે. આ કેન્દ્રના પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જાય છે.

જૂનાગઢના ઈવનગર રોડ પર આવેલ પશુ ઉછેર કેન્દ્રની ઈ.સ. 1920 માં સ્થાપના થઈ, નવાબીકાળમાં પણ આ કેન્દ્ર ગીર ગાયના સંવર્ધન માટેનું કેન્દ્ર હતું. આઝાદી બાદ આ કેન્દ્ર ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ હેઠળ આવ્યું, ઈ.સ. 1972 માં આ કેન્દ્ર ગુજરાત કૃષિ યુનિ. ની સ્થાપના થતાંની સાથે તેને સોંપવામાં આવ્યું અને વર્ષ 2004 માં જૂનાગઢ કૃષિ યુનિ. થઈ જતાં હાલ આ કેન્દ્ર જૂનાગઢ કૃષિ. યુનિ. હેઠળ કાર્યરત છે.

આ પણ વાંચો:- અમદાવાદમાં ગુરૂવારથી AMTS-BRTS અને જિમ, સ્પોર્ટ્સ ક્લબ કરાયા બંધ

આ પશુ ઉછેર કેન્દ્ર 194 હેક્ટરમાં ફેલાયેલું છે, કેશોદ અને જેતપુર તાલુકા સહીત આ કેન્દ્ર પાસે 130 હેક્ટરની વીડી છે જેમાં ઘાસચારાનું ઉત્પાદન થાય છે, આમ પશુઓ માટે પાયાની જરૂરીયાત એવા ઘાસચારા માટે આ કેન્દ્ર આત્મનિર્ભર છે. મુખ્યત્વે ગીર ગાય સંવર્ધન માટેના આ કેન્દ્રમાં વર્ષ 1978 થી જાફરાબાદી ભેંસનું યુનિટ પણ કાર્યરત છે. હાલ આ કેન્દ્ર પાસે 662 ગીર ગાય અને 353 જાફરાબાદી ભેંસ મળીને એક હજારથી વધુ પશુઓ છે. ગીર ગાય અને જાફરાબાદી ભેંસ 3 થી 3.5 વર્ષે પ્રથમ વખત વિયાય છે, ત્યારબાદ 7 થી 8 વેતર થાય છે અને દરરોજ 20 થી 22 લીટર દૂધ આપે છે.

ગાયનાા દૂધમાં 4.5 થી 5 ટકા જેટલું ફેટનું પ્રમાણ રહે છે જ્યારે ભેંસના દૂધમાં 8 થી 8.5 ટકા ફેટનું પ્રમાણ રહે છે. એક પુખ્ત પશુને 20 કીલો લીલો ચારો અથવા 7 થી 8 કીલો સૂકો ચારો અને 3 થી 3.5 કીલો ખાણ જોઈએ છે. આ પશુ ઉછેર કેન્દ્રમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું સંવર્ધન સાથે તેની સુધારણા માટે સંશોધન પણ ચાલે છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા સંશોધન અને સંવર્ધનના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભલે લાંબા ગાળાના હોય પરંતુ પરિણામ આપનારા હોય છે.

આ પણ વાંચો:- Vadodara ની હોસ્પિટલમાં ભિષણ આગ, ફાયર વિભાગે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

પશુ ઉછેર કેન્દ્ર ખાતે પશુ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધણખુંટ અને પાડાના વિર્યનો સંગ્રહ કરીને કૃત્રીમ બીજદાન માટેની આધુનિક લેબોરેટરી છે જેમાં ઉંચી ઔલાદ અને સારૂં દૂધ આપે તેવી ગીર ગાયના ધણખુંટના 1.83 લાખ કૃત્રીમ બીજદાન માટેના ડોઝ અને જાફરાબાદી ભેંસના પાડાના 1.22 લાખ ડોઝ હાલ આ લેબોરેટરી પાસે ઉપલબ્ધ છે. માઈનસ 196 ડીગ્રી પર લીકવીડ નાઈટ્રોજનમાં આ કૃત્રીમ બીજદાન માટેના વિર્યના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે અને તેને 40 થી 50 વર્ષ સુધી સંગ્રહ કરી શકાય છે. પશુ ઉછેર કેન્દ્ર દ્વારા ગીર ગાય અને જાફરાબાદી ભેંસના સંવર્ધન માટે કૃત્રીમ બીજદાનના ડોઝ ગ્રામપંચાયત અને ગૌશાળામાં સરકારી દર મુજબ અપાય છે.

જૂનાગઢ સહીત આસપાસના પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટ જીલ્લામાં પશુ ઉછેર કેન્દ્ર તરફથી બીજદાન કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે સુધારણા કાર્યક્રમના ફળ સ્વરૂપે છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં ગાયના દૂધ ઉત્પાદનમાં 36 ટકા અને ભેંસના દૂધ ઉત્પાદનમાં 26 ટકાનો વધારો નોંધાયો છે જે આ  પશુ ઉછેર કેન્દ્રની જવલંત સિધ્ધી છે અને તેથી જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના નેશ્નલ બ્યુરો ઓફ એનિમલ જીનેટીક રીસોર્સીસ દ્વારા જાફરાબાદી ભેંસના બ્રીડ કન્ઝર્વેશન માટે જૂનાગઢ પશુ ઉછેર કેન્દ્રને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- સગીરાએ ઉઘાડો પાડ્યો નકલી બાપનો અસલી ચહેરો, હકિકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

પશુ ઉછેર કેન્દ્રમાં રહેલા પશુઓ અહીં કામ કરતાં કર્મચારીઓ સાથે એક આત્મીયતા થી જોડાયેલા છે અને એક પરિવારની જેમ પશુઓની સંભાળ રાખવામાં આવે છે. માણસની જેમ પશુઓનો પણ નિત્યક્રમ છે અને તેના દૂધ દોવાણના સમયે શિસ્તબધ્ધ રીતે પશુઓ પહોંચી જાય છે, દૂધ દોવાણ બાદ મિલ્ક પાર્લરમાં ગાય અને ભેંસના દુધને અલગ થી એકત્રીત કરવામાં આવે છે અને સરકારી નિયમ મુજબ તેનું વિતરણ કરવામાં આવે છે. આ કેન્દ્રના પ્રયાસોથી જ આજે સમગ્ર સૌરાષટ્રમાં ઉંચી અને સારૂં દૂધ આપતી ઔલાદો તૈયાર થઈ છે જેને લઈને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More