Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, પંચે અમદાવાદ કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાણીપ મતદાન સમયે મુકવામાં આવેલા પોસ્ટર અને બેનર સામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે 25થી વધુ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે.

ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, પંચે અમદાવાદ કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે સાંજે 6 વાગ્યા સુધી  ચાલશે. જેમાં 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ રાજ્યોમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. જ્યારે કોંગ્રેસ તેના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર મદાર રાખીને બેઠી છે. અલ્પેશ ઠાકોરે હમણા જ કોંગ્રેસ છોડી જ્યારે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પક્કડ મજબૂત કરવામાં મદદ કરનાર જિજ્ઞેશ મેવાણી આ વખતે ચૂંટણી રેસમાં છે જ નહીં. રાજ્યોમાં મતદારોના મનમાં શું છે તે તો 23મી મેના રોજ પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે. 

Liveમાં જોતા રહો, ગુજરાતના કયા નેતા, કઈ હસ્તીઓએ ક્યાં મતદાન કર્યું ?

કોંગ્રેસે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાણીપ મતદાન સમયે મુકવામાં આવેલા પોસ્ટર અને બેનર સામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે 25થી વધુ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે.

નાણામંત્રી અરુણ જેટલીએ અમદાવાદમાં કર્યું મતદાન
નાણામંત્રી અરુણ જેટલીએ પણ અમદાવાદ ખાતે મતદાન કરીને પોતાની ફરજ બજાવી

fallbacks

બપોરે એક કલાક સુધીમાં 39.34 ટકા મતદાન નોંધાયું
અમદાવાદ પ. - 26.31% , અમદાવાદ પૂ. - 34.96 % , અમરેલી  -  31.22%, આણંદ  - 35.12 %, બનાસકાંઠા - 41.16%, બારડોલી -  43.48%, ભરૂચ - 44.86%, ભાવનગર - 36.35 %, છોટાઉદેપુર - 38.96%, દાહોદ - 46.70%, ગાંધીનગર - 36.97%, જામનગર - 35.12%, જૂનાગઢ - 39.14%, કચ્છ -  36.48%, ખેડા  - 36.90%, મહેસાણા - 40.70%,  નવસારી  -  32.53%, પંચમહાલ  - 38.22%, પાટણ - 38.74%, પોરબંદર - 28.04%, રાજકોટ -  39.91%, સાબરકાંઠા -  43.08%, સુરત  - 35.61%, સુરેન્દ્રનગર -  36.86%, વડોદરા- 41.61%, વલસાડ- 42.97%

એલ કે અડવાણીએ કર્યું મતદાન
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદના શાહપૂર વિસ્તારની શાહપૂર હિન્દી સ્કૂલમાં જઈને મતદાન કર્યું. 

બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24.93 ટકા મતદાન નોંધાયું છે. વધુ વિગતવાર વાંચવા કરો ક્લિક...મતદાનના લેટેસ્ટ આંકડા, 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન તે જાણો

શક્તિ સિંહે આપ્યું નિવેદન- સેનાના નામે મત ન માંગી શકાય
કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહીલે કહ્યું કે, આખરે જનતા જનાર્દન મહાન છે. ગમે તે મોટી સત્તામાં બેઠો હોય, અહંકાર હોય, પરંતુ પાંચ વર્ષ પૂરા થાય ત્યારે જનતાની અદાલતમાં હાજર થવું પડતું હોય છે. બંધારણ મુજબ જનતા નક્કી કરતી હોય છે કે નવું સુકાન કોને આપવું. આજે ખુબ મહત્વનો દિવસ છે. ગુજરાતીઓ ખુબ સૂજબુજવાળા હોય છે. મને વિશ્વાસ છે કે જેમ વેપારીઓ નવા વર્ષ પછી ચોપડાપૂજન કરે ત્યારે જે રીતે સમવૈયું માંડે છે, તેમ આ પાંચ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનના લેખાજોખા જનતા કરશે. જે રીતે સપનાના સોદાગર બનીને ખ્વાબની બારિશ કરી હતી.... દેશની ફૌજ પર બધાને નાઝ છે. સેનાના નામે, આતંકવાદના નામે, બીજાની ટિકા ટીપ્પણીના નામે નહીં, પણ સરકારે કરેલા કામોની સમીક્ષા કરીને જનતા વોટ કરશે તેમ મારું માનવું છે. દેશની સુરક્ષા સેના કરે છે, સેનાના નામે મત ન માંગી શકાય.  

fallbacks

(વડોદરામાં આચારસંહિતાનો છડેચોક ભંગ)

11 વાગ્યા સુધીના મતદાનના ચોંકાવનારા આંકડા, ધીમું મતદાન
ગુજરાતની 26 બેઠકો માટે 11 કલાક સુધીમાં મતદાનના જે આંકડા બહાર આવ્યાં છે તે ચોંકાવનારા છે. 11 કલાક સુધીમાં માત્ર 18.05 ટકા જ મતદાન થયું છે. ભરુચમાં 26.50 ટકા, નવસારીમાં 9.52 ટકા, કચ્છમાં 9.98 ટકા, મહેસાણામાં 27 ટકા, ગાંધીનગર 24.21 ટકા, અમદાવાદ પૂર્વ 11.15 ટકા, પોરબંદરમાં 9.01 ટકા, જામનગરમાં 7.15 ટકા, આણંદમાં 26.51 ટકા, વડોદરામાં 10.68 ટકા, બારડોલીમાં 10.99 ટકા, વલસાડમાં 13.46 ટકા, બનાસકાંઠામાં 13.08 ટકા, સાબરકાંઠામાં 12.70 ટકા, અમદાવાદ પશ્ચિમમાં 8.12 ટકા, ખેડામાં 9.71 ટકા, છોટાઉદેપુરમાં 15.33 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સરરાશ મતદાન 18.05 ટકા મતદાન નોંધાયું છે. 

હાર્દિકે વિરમગામમાં કર્યું મતદાન, કહ્યું-23મીની રાહ જુઓ...ખુબ સારા પરિણામ આવશે
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે વિરમગામ ખાતે મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષનો પિરીયડ દેશ માટે, જનતા માટે હાલાકીભર્યો રહ્યો છે. દેશના બંધારણને બચાવવા માટે આ ચૂંટણી જરૂરી છે. ભાજપે દેશના બંધારણને ખતમ કરવાનું કામ કર્યું છે. મતદાન ખુબ ઓછું થઈ રહ્યું છે. હું માનું છું કે મુદ્દા વગરની રાજનીતિ છે. પરિણામ માટે 23 તારીખની રાહ જુઓ. 23 તારીખે ગુજરાત અને ભારતના ઈતિહાસ માટે સૌથી સારા પરિણામ આવશે. 

ડાંગ અને જામનગર, જાફરાબાદ તથા નર્મદામાં ચૂંટણીનો બહિષ્કાર
ડાંગના દાવડહાડ ગામમાં વર્ષોથી પૂલની માંગણીને લઈને ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન કેન્દ્રો પર એક પણ મતદાર ફરક્યો જ નહીં. ચૂંટણી બહિષ્કાર અંગે ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિતમાં જિલ્લા કલેક્ટરને જાણ કરાઈ હતી. ચૂંટણી બહિષ્કાર થતા જ સરકારી તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ મચી હતી. પૂલ ન હોવાના કારણે ગ્રામજનોએ ચોમાસામાં નદીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે ગત વર્ષે સર્પદંશથી બે બાળકોના પણ મોત થઈ ચૂક્યા છે. ડાગના જ બીજા ગામ ધુબડીયાના ગ્રામજનોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ બાજુ જામનગરમાં પણ લાલપુરના ભણગોર ગામે પડતર પ્રશ્નોને લઈને ગ્રામજનોએ આક્રોશ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો છે.  જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં પણ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગામમાં અત્યાર સુધીમાં માત્ર 2 જ મત પડ્યાં. ગામમાં પીવાના પાણ તથા રોડ રસ્તાને લઈને ગ્રામજનો નારાજ છે. નાનકડા ગામમાં વિકાસની સુવિધાને લઈને લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. 

પહેલા મતદાન  પછી લગ્ન
દાદરા નાગરહવેલીના દાદરીપાડા ખાતે નવદંપત્તિએ સાત ફેરા ફરતા પહેલા મતદાન કર્યું. આજે જ લગ્ન છે અને વર તથા વધુએ પોતાના ગામે દાદરી પાડા ખાતે મતદાન કર્યું. આ બાજુ વલસાડના ઓલગામ ખાતે પણ કપલે લગ્ન પહેલા મતદાન કર્યું. પીઠી લગાવીને યુવક યુવતી મતદાન કરવા  પહોંચ્યા હતાં. 

fallbacks

ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં કર્યું મતદાન
મતદાન બાદ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, મતદાન કરીને મે મારી જવાબદારી મેં નિભાવી. બધાને વિનંતી કે થોડો સમય કાઢીને મતદાન કરે. નાગરિક તરીકે આપણે મતદાન કરવું ખુબ જરૂરી છે. સમય કાઢીને પણ નાગરિકોએ મતદાન કરવું જોઈએ. દેશ પ્રત્યે આપણી જવાબદારી છે. 

મુખ્ય  સચિવ ડો.જેએન સિંઘે કર્યું મતદાન
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ડો. જે એન સિંઘ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો. તેમણે ગાંધીનગરના સેક્ટર 20 ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મતદાન કર્યું. 

fallbacks

વડોદરામાં આચારસંહિતાનો છડેચોક ભંગ
વડોદરાના યુથ કોંગ્રેસના મહામંત્રી મિતેષ ઠાકોરે છડેચોક આચારસંહિતાનો ભંગ કર્યો છે. તેમણે મત આપતો વીડિયો બનાવ્યો અને તે વીડિયો પોતાના ફેસબુક પેજ પર મૂક્યો. અત્રે જણાવવાનું કે આ રીતના વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. તેમણે ઈવીએમમાં મત આપવાની સમગ્ર પ્રક્રિયાનો વીડિયો બનાવ્યો છે. 

fallbacks

ગાયને રોટલી ખવડાવ્યા બાદ વિપક્ષી નેતા પરેશ ધાનાણી વોટ આપવા નીકળ્યા

પીએમ મોદીના માતા હીરાબાએ રાયસણ ખાતે કર્યું મતદાન
પીએમ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણના મતદાન મથકે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની સાથે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ હાજર હતાં. 

fallbacks

રાજકોટના ભાજપ ઉમેદવાર અને પોરબંદરના કોંગ્રેસ ઉમેદવારના વીડિયો વાઈરલ
રાજકોટમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાનો મત આપતો મતદાન મથકનો વીડિયો વાઈરલ થયો છે. જ્યારે પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનો મત આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ વીડિયો અંગે હજુ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. મતદાન મથક પર મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં વીડિયો વાઈરલ થયા છે. 

fallbacks

અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાયા
રાધનપુરના દસ ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર 275 ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટકાયા છે. 5થી વધુ બૂથો પર ઈવીએમ બદલવામાં આવ્યાં છે. 

અમિત શાહે મતદાન બાદ આપ્યું નિવેદન, કહ્યું- તમારો એક મત દેશને સમૃદ્ધ બનાવી શકે
મતદાન કર્યા બાદ અમિત શાહે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ગુજરાતની 26 બેઠકો પર ઉત્સાહજનક મતદાનના અહેવાલ છે. દેશભરના મતદારોને અપીલ કરતા કહ્યું કે ભારે સંખ્યામાં બહાર નીકળીને લોકતંત્રના ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવો. તમારો એક મત દેશને સમર્થ બનાવી શકે છે, સમૃદ્ધ બનાવી શકે છે, દેશને વિકાસના પાટા પર ચઢાવી શકે છે. ખાસ કરીને યુવાઓ અને જેમને પ્રથમવાર મતાધિકાર મળ્યો છે તેમને અપીલ છે કે તમારે ભવિષ્યના ભારતના નિર્માણ માટે મતદાન કરવાનું છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તથા દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે મતદાન કરવાની લોકોને અપીલ કરી. 

ગુજરાતમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 10 ટકા મતદાન
ગુજરાતમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 10 ટકા મતદાન, સૌથી વધુ વલસાડ બેઠક પર 13.46 ટકા અને સૌથી ઓછું અમદાવાદ પૂર્વની બેઠક પર 5 ટકા મતદાન નોંધાયું. છે. રાજકોટ લોકસભા બેઠકના મતદાનની ટકાવારી: ટંકારા - 14.50 %, વાંકાનેર - 9.67%, રાજકોટ ઇસ્ટ - 9.73%, રાજકોટ વેસ્ટ - 9.71 %, રાજકોટ સાઉથ - 9.31 %, , રાજકોટ રૂરલ - 10.65 %, જસદણ - 10.22%,સાબરકાંઠામાં 9 વાગ્યા સુધીમાં 10.90% મતદાન. ભાવનગર જિલ્લામાં 2 કલાકમાં 10.37 ટકા મતદાન પણ નોંધાયું. સુરત સંસદીય મતદાર વિભાગમાં 10.08 %, મોરબી જીલ્લામાં નવ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૨.૫૦ ટકા મતદાન નોંધાયુ.

અમિત શાહે પણ કર્યો મતાધિકારનો ઉપયોગ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યાં. નારણપુરા ખાતેના મતદાનમથકે પરિવાર સાથે મતદાન કર્યું. 

fallbacks

એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ ખાતે કર્યું મતદાન
મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળા ખાતે લાઈનમાં ઊભા રહીને મતદાનની ફરજ બજાવી. ગરમીના માહોલમાં પણ તેમને 80થી 85 ટકા મતદાન થાય તેવી શક્યતા વર્ણવી.

સુરતમાં ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુખે નોંધાવી ફરિયાદ
ગુજરાતના સુરતમાં કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાથમાં કમળની મહેંદી કરીને જતી મહિલાઓને બૂથથી દૂર રાખવા અંગે ઓનલાઈન ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. થોડા દિવસ અગાઉ જ ભાજપની મહિલાઓ દ્વારા મહેંદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

દ્વારકામાં ભિક્ષુકોએ કર્યું મતદાન
યાત્રાધામ દ્વારકામાં ભિક્ષુકોએ વહેલી સવારે લાઈનમાં ઊભા રહીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી. સંસારથી અલગ રહેતા ભિક્ષુકોએ પણ સવારમાં ભિક્ષાવૃત્તિ છોડીને મતદાન કર્યું. ભગવાનની જય બોલાવતા સાધુઓએ ભારત માતા કી જય બોલાવીને મતદાન કર્યું. 

કચ્છમાં ભાજપના ઉમેદવારે મતદાન અગાઉ આશાપુરા માતાના આશીર્વાદ લીધા
કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા મતદાન કરતા અગાઉ આશાપુરા મંદિરે પહોંચ્યા હતાં અને તેમણે આશાપુરા માતાજીના આશીર્વાદ લીધા. તેમણે મતદારોને મતદાન માટે અપીલ પણ કરી. 

fallbacks

ગુજરાતની 26 બેઠકો પર પ્રથમ કલાકમાં 10 ટકા જેટલું મતદાન
રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકો ઉપર પ્રથમ કલાકમાં અંદાજે ૧૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. 

મતદાન બાદ પીએમ મોદીએ આપ્યું નિવેદન
રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યા બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ,'ત્રીજા તબક્કાનું મતદાન છે. મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાની ગૌરવભરી પળ ગૃહરાજ્ય ગુજરાતમાં મત આપવાની તક મળી. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્ર આનંદ આવે છે. તેજ રીતે લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને હું તેવી અનુભૂતિ કરું છું. દેશના તમામ નાગરિકો ભાઈઓ બહેનોને આગ્રહ કરીશ કે તેઓ લોકતંત્રના આ  પર્વમાં જ્યાં પણ મતદાન બાકી છે ત્યાં પૂરેપૂરા ઉત્સાહ અને એક ઉત્સવ તરીકે મતદાન કરે. મતદાન કોને કરે કે કોને ન કરે... ભારતના મતદાતા સમજદાર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું તેની વિશેષતા આખી દુનિયા માટે એક અભ્યાસનો વિષય છે. દેશમાં નિર્ણાયક સરકાર બનાવવાની તેમની સક્રિય ભાગીદારીનું હું સ્વાગત કરું છું.

તેમણે કહ્યું કે, પહેલીવાર જે લોકો મતદાન કરવા જઈ રહ્યાં છે તેમના માટે આ આખી સદી તેમની પોતાની સદી છે. આ સદીને ઉજ્વળ બનાવવા માટે તેમણે મતદાન કરવાનું છે. મતદારોને વિશેષ આગ્રહ છે કે તેઓ 100 ટકા મતદાનનો સંકલ્પ કરે અને મતદાન કરે. ભારતના લોકતંત્રની  તાકાત છે કે દુનિયાને આપણે લોકતંત્રનું શું મહત્વ છે તે ઉદાહરણ  સાથે રજુ કરીએ છીએ. એકબાજુ આતંકવાદનું શસ્ત્ર  આઈઈડી હોય છે, અને લોકતંત્રનું શસ્ત્ર વોટર આઈડી હોય છે. વોટર આઈડીની તાકાત આઈઈડીની તાકાત કરતા અનેકગણી વધુ છે. તેનું મહત્વ સમજીને વધુમાં વધુ મતદાન કરીએ.' 

fallbacks

ખુલ્લી જીપમાં સવાર થયા પીએમ મોદી
કાફલાને અધવચ્ચે અટકાવીને પીએમ મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને મતદાન મથકે પહોંચ્યાં. નિશાન સ્કૂલ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક માટેના ઉમેદવાર અમિત શાહે પીએમ મોદીનું સ્વાગત કર્યું. મતદાન કરતા અગાઉ અમિત શાહના પૌત્રી સાથે પીએમ મોદીએ મસ્તી પણ કરી હતી.

fallbacks

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું. તેમણે લોકોને જંગી મતદાન કરવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું કે લોકોમાં મતદાન કરવા માટે ખુબ ઉત્સાહ છે. સીએમ રૂપાણી સાથે તેમના પત્ની પણ હતાં. અંજલી રૂપાણીએ પણ મતદાન કર્યું. 

રાજકોટના કોંગ્રેસના ઉમેદવારે રૂપાણીના લીધા આશીર્વાદ
રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પગે લાગીને આશીર્વાદ લીધા. મતદાન મથકની બહાર નીકળતા જ પગે લાગ્યા હતાં. વડીલોના આશીર્વાદ લેવા એ સંસ્કાર માનીને તેઓ રૂપાણીને પગે લાગ્યા હતાં. 

હીરાબાએ પીએમ મોદીને આપી માતાજીની ચૂંદડી
માતા હીરાબાને મળવા પહોંચેલા પીએમ મોદીને માતા હીરાબાએ માતાજીની ચૂંદડીના આશીર્વાદ આપ્યાં. પીએમ મોદી ત્યારબાદ મતદાન કરવા માટે રવાના થયાં. તેઓ રાણીપ ખાતેની શાળામાં મતદાન કરશે. માતા હીરાબાને પગે લાગીને પીએમ મોદીએ આશીર્વાદ લીધા. માતા હીરાબાએ પણ તેમના ઓવારણા લીધા, લાપસી ખવડાવી અને માતાજીની ચૂંદડી અને શ્રીફળ પણ આપ્યાં. 

મોહન કુંડારીયાને નિશાન લગાવવામાં સ્ટાફે કરી ભૂલ
મોરબીની નિલકંઠ નિદ્યાલયમાં મોહનભાઈ કુંડારિયાના મતદાન વખતે સ્ટાફે ભૂલ કરી નાખી. તેમણે જમણો હાથ આગળ કરતા ભૂલથી શાહી જમણા હાથની આંગળીએ લગાવી. પરંતુ ભૂલ ધ્યાનમાં આવતા તરત સ્ટાફે ડાબા હાથની આંગળીમાં પણ નિશાન લગાવ્યું.  મોહન કુંડારિયાની બંને આંગળીઓ પર શાહી લગાવી. 

ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા
મોરવાહડફના વાસડેલીયા ગામે ઈવીએમ ખોટકાયું. લુનીચાના ગામે પણ ઈવીએમ ખોટકાયું. વ્યારાના કે.કે. કદમ વિદ્યાલયના ઈવીએમને ચાલુ થવામાં વિલંબ લાગ્યો. સખી મતદાન મથકમાં પણ ઈવીએમ ખોટકાયું. વ્યારાની દક્ષિણપથ હાઈસ્કૂલમાં પણ ઈવીએમ શરૂ થવામાં વિલંબ થયો. જો કે દક્ષિણપથ હાઈસ્કૂલમાં અડધા કલાક બાદ ઈવીએમ શરૂ થયા હતાં. ઉમરગામ તાલુકાના ધોડિપાડાના 145 મથકનું ઈવીએમ ખોટકાતા મતદાનમાં વિલંબ થતા મતદારોમાં રોષ જોવા મળ્યાં. 

ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં પણ વાવડી ગામે બુથ નંબર 20નું ઈવીએમ ખોટકાયું હતું. તંત્ર દ્વારા ઈવીએમ બદલવાની કવાયત કરાઈ. વડોદરામાં પણ વારસીયા રિંગ રોડની ગુરુકુળ શાળામાં ઈવીએમ બગડ્યું. 

પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણ પહોંચ્યાં. તેઓ પ્રોટોકોલ તોડીને માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર ખાતે ઘરે પહોંચ્યાં. આશીર્વાદ લીધા બાદ તેઓ રાણીપ ખાતે મતદાન કરશે. માતાના આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી હવે મત આપવા માટે રાણીપ રવાના થઈ ગયા છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિવેદન
સીએમ વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2014 કરતા પણ વધુ લીડથી ભાજપ ચૂંટણી જીતશે. લોકો દેશની સુરક્ષા મુદ્દે મત આપશે. જે રીતે પીએમ મોદીએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સથી કામ કર્યું છે તે જોઈને લોકો ફરીથી પીએમ મોદીને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરી રહ્યાં છે. લોકો ગુજરાતની 26 બેઠકો ભાજપને અપાવવા મતદાન કરી રહ્યાં છે. 

fallbacks

મતદાન પ્રક્રિયા શરૂ
સવારે 7 કલાકથી ગુજરાતની તમામ બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લાંબી લાઈન જોવા મળી રહી છે. 

મતદાન પહેલા પીએમ મોદીએ કર્યું ટ્વિટ
મતદાન અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને મતદારોને મત આપવા માટે અપીલ કરી છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કાના મતદાનમાં જંગી મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. 

fallbacks

મોકપોલની કામગીરીનો આરંભ
સવારના 6 કલાકથી મોકપોલ કામગીરીનો આરંભ કરાયો છે. આ કામગીરી બાદ મતદારો માટે મતદાન શરૂ થશે. રાજ્યના તમામ મતદાન મથકો અને મતદાન બૂથ પર મોકપોલની કામગીરી થઈ રહી છે. મશીનની વિશ્વનિયતા સ્થાપિત કરવા માટે મોકપોલની કામગીરી કરવામાં આવે છે. મોકપોલ બાદ ઈવીએમ સીલ કરી દેવાય છે અને મતદાનની કામગીરી શરૂ થાય છે. 

લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં

ગુજરાત (26 લોકસભા સીટ- તમામ બેઠકો પર એકસાથે મતદાન)
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંદીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ. 

જુઓ LIVE TV

દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો વહેલી સવારે જ કરશે મતદાન
મોટી સંખ્યામાં મતદાન થાય તે હેતુથી ભાજપના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા વહેલી સવારે મતદાન કરી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના દિગ્ગજન નેતાઓ ત્રીજા તબ્બકાના મતદાનમાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન કરશે. મહત્વનું છે, કે જે વિસ્તારોમાં વીવીઆઇપી નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે તે વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More