Home> Gujarat
Advertisement
Prev
Next

મત પડે તે પહેલા જ સુરત સીટ ભાજપની ઝોળીમાં...નીલેશ કુંભાણી સામે 'આ' મોટા કારણસર બની શકે છે ગુનો

Surat Lok Sabha Seat: સુરતની લોકસભા સીટ મતદાન થાય તે પહેલા જ ચર્ચામાં આવી ગઈ કારણ કે અહીંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાઈ આવ્યા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલાએ તૂલ પકડી છે. ટેકેદારોની સહીઓ પર શું માથાપચ્ચી છે અને કુંભાણી સામે કઈ રીતે ગુનો બની શકે તે પણ જાણવા જેવું છે. 

મત પડે તે પહેલા જ સુરત સીટ ભાજપની ઝોળીમાં...નીલેશ કુંભાણી સામે 'આ' મોટા કારણસર બની શકે છે ગુનો

Surat Lok Sabha Seat: હજુ તો ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરી દેવાતા મત પડે તે પહેલા જ કોંગ્રેસની આશા પર ફટકો પડી ગયો અને બેઠક ગુમાવવાનો વારો આવ્યો. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીઓ પર વિવાદ થયો જેના પરિણામે ઉમેદવારી ફોર્મ રદ કરાયું હતું. કોંગ્રેસ ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ ચૂંટણી પંચમાં ગઈ છે. પાર્ટીનો એવો દાવો હતો કે ભાજપ વેપારી સમુદાયથી ડરી ગયો આથી તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગની કોશિશ કરી. હવે આ બધામાં ટેકેદારોની સહીઓ પર શું માથાપચ્ચી છે અને કુંભાણી સામે કઈ રીતે ગુનો બની શકે તે પણ જાણવા જેવું છે. 

કુંભાણીના ટેકેદારોની સહી પર વિવાદ
સુરત બેઠક પર કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીને ટિકિટ મળી હતી અને તેમના ઉમેદવારી પત્રમાં ટેકેદારો તરીકે રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયાની સહીઓ હતી. મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ સીટ પર પોતાની જીત નક્કી કરવા માટે ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સાંઠગાંઠ કરી હતી. નિલેશે પણ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કર્યું અને ઉમેદવારી પત્રના પ્રસ્તાવકોમાં કોંગ્રેસ કાર્યકર્તા-કેડર સભ્યની જગ્યાએ પોતાના બનેવી જગદીયા સાવલિયા અને પોતાના બિઝનેસ પાર્ટનર ધ્રુવિન ધામેલીયા અને રમેશ પોલરાના નામ સામેલ કર્યાં હતા. એટલું જ નહીં નિલેશના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાએ પ્રસ્તાવક પણ પોતાના ભાણેજ ભૌતિક કોલડીયાને બનાવી દીધો. હવે આ બધામાં મુદ્દો એ સામે આવ્યો કે ટેકેદારો એમ કહે છે કે ઉમેદવારી પત્રમાં તેમણે સહી કરી જ નથી. એટલે કે બોગસ સહીઓ છે. આ માટે જે સોગંદનામું કર્યું તેમાં કરેલી સહીઓ અને ઉમેદવારી પત્રની સહીઓ અલગ અલગ એટલે કે ગુજરાતી અંગ્રેજીમાં છે. સાચું ખોટું શું? એક્સપર્ટ કહે છે કે ટેકેદારોની ફોર્મની સહી અને સોગંદનામાની સહીઓમાં સામાન્ય અંતર છે.

ઠગાઈની ફરિયાદ થાય તો...
પણ આ બધામાં એક વસ્તુ જે સામે આવી છે તે એ છે કે જો ટેકેદારો એવું કહેતા હોય કે સહીઓ અમે કરી જ નથી તો પણ યક્ષ પ્રશ્ન એ છે કે સહીઓ કરી તો કરી કોણે? કાયદાકીય નિષ્ણાંતના મત મુજબ જ્યારે ટેકેદારો એવું કહેતા હોય કે અમે સહી નથી કરી આ ઉપરાંત ઉમેદવારી પત્ર સોંપતી વખતે પણ બધું લઈને કુંભાણી ટેકેદારો વગર પોતે જ ગયા અને કાગળો રજૂ કર્યા જેના લીધે કલમ 418 અને 465 હેઠળ કુંભાણી સામે જ કેસ બની શકે. ટેકેદારો તેમની સાથે જ હોત તો તેઓ એમ ન કહી શકત કે આ સહીઓ બોગસ છે. આથી બધા કાગળો લઈને પોતે એકલા ટેકેદારો વગર આવી ગયા જે દર્શાવે છે કે તેમણે ઠગાઈ કરી છે. આ કલમો હેઠળ જો ગુનો સાબિત થઈ જાય તો મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. આથી જો તંત્ર ધારે અને ઠગાઈની ફરિયાદ કરે, તેના પર કાર્યવાહી થાય તો કુંભાણી મુસીબતમાં મુકાઈ શકે.

ભાજપ ઉમેદવાર બિનહરીફ
અત્રે જણાવવાનું કે ગુજરાતની તમામ 26 સીટો પર મતદાન ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેએ થવાનું છે, જે માટે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ હતી. રાજ્યની સુરત લોકસભા સીટથી કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ભાજપમાંથી મુકેશ દલાલ, કોંગ્રેસના નિલેશ કુંભાણી, બસપાથી પ્યારેલાલ ભારતી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી અબ્દુલ હામિદ ખાન, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીથી જયેશ મેડાવા, લોગ પાર્ટીથી સોહેલ ખાને ફોર્મ ભર્યું હતું. આ સિવાય અજીત સિંહ ઉમટ, કિશોર દાયાણી, બારૈયા રમેશભાઈ અને ભરત પ્રજાપતિ અપક્ષ મેદાનમાં  હતા. આ સિવાય કોંગ્રેસે પોતાના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ ભરાવ્યું હતું, પરંતુ તેનું ફોર્મ પણ પ્રસ્તાવકોને કારણે રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ પ્રસ્તાવકોને કારણે રદ્દ થઈ ગયું. ત્યારબાદ બાકી અન્ય 8 ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી પરત ખેંચી હતી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ ચર્ચા શરૂ થઈ હતી કે અન્ય બધા ઉમેદવાર પોતાની દાવેદારી પરત લઈ લેશે. તેને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી હતી. બધાની નજર બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતી પર હતી. પરંતુ તેમણે પણ અન્ય ઉમેદવારોની જેમ પોતાનું ફોર્મ પરત લઈ લીધું અને ભાજપને આ સીટ મળી ગઈ. એટલે કે ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More