Home> Gujarat
Advertisement
Prev
Next

જસદણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન : બાવળીયા બોલ્યા-આ તો ટ્રેલર છે ફિલ્મ હવે બાકી છે

 જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા.  તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા. 

જસદણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન : બાવળીયા બોલ્યા-આ તો ટ્રેલર છે ફિલ્મ હવે બાકી છે

જસદણ : જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા.  તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા. 

જસદણના વિજય સરઘસમાં વિજેતા ઉમેદવારોએ જોરશોરથી ઉજવણી કરી હતી. જીપને ફૂલોથી શણગારવામાં આવી હતી. આ જીપ પર જ વિજય સરઘસ નીકળ્યું હતું. કુંવરજીના વિજયોત્સવને ભાજપના નેતાઓએ ધામધૂમથી ઉજવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા ભરત બોઘરા ઘોડી પર બેસીને વિજય સરઘસમાં જોડાયા હતા. ત્યાર બાદ ઘોડા પર બેસીને કુંવરજી અને જીતુ વાઘાણી જસદણની ગલીઓમાં ફર્યા હતા. વિજય સરઘસમાં જોડાયા પહેલા ઘોડીને ખાટલા પર ચડાવવામાં આવી હતી. ઘોડીના બન્ને પગને ખાટલા પર ચડાવવામાં આવ્યા. જે બાદ ઘોડીને વિજય સરઘસમાં જોડવામાં આવી. વિજય સરઘસ બાદ જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં વિજય રૂપાણી જોડાયા હતા. મંચ પર પહોંચેલા જીતુ વાઘાણી,  કુંવરજી બાવળિયાએ એકબીજાના હાથ પકડીને શક્તિપ્રદર્શન કર્યું હતું. તો સભામાં હાજર કુંવરજીના સમર્થકોએ પણ વિક્ટરી દર્શાવી હતી.

નાકિયાએ મારી સાથે દગો કર્યો
મંચ પરથી કુંવરજીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, અવસર નાકિયાએ મારી સાથે દગો કર્યો. ખેડૂતો મિત્રો તમે ચિંતા કરતા નહિ, તમારી ચિંતા કરવા માટે મુખ્યમંત્રી છીએ. કેટલાક લોકોએ મારી માટે અપશબ્દો વાપર્યા છે, મોકો આવશે ત્યારે તેમના વિસ્તારોમાં જઈને બતાવીશ કે કુંવરજી બાવળીયા શું છે તે તમે જોજો.  

લોકો મને છંછેડવા આવ્યા હતા - કુંવરજી
તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કેટલાક લોકોએ પડાવ નાખ્યા હતા, તેઓ આ વિસ્તારના મતદારો અને સમાજના લોકોને ગુમરાહ કરવા આવ્યા હતા. તેમને આ વિસ્તારની જનતાએ રસ્તો દેખાડી દીધો છે. મારે એટલું જ કેહવુ છે કે તમે જસદણમાં આવીને શરૂઆત કરી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રથી શરૂ કરીને દક્ષિણ સુધી જે લોકો અહી મને છંછેડવા આવ્યા હતા તેમને હું બરાબર ઓળખી ગયો છું.

આ તો ટ્રેલર છે, ફિલ્મ હજી બાકી છે
કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ તો ટ્રેલર છે ફિલ્મ હવે બાકી છે, કેટલાય કહેતા કે કુંવરજીભાઇ દગો કર્યો છે. હું જાહેરમાં કહુ છું કે, મારા સામેના ઉમેદવાર અવસરે મારી સાથે દગો કર્યો છે. જનતાનો આભાર માનું છું. વિકાસ પર ભરોસો રાખજો, ખેડૂતની ચિંતા અમે કરીશું. જે એલફેલ બોલતા તેને વ્યાજ સહિત જવાબ આપીશું. 

જસદણે આખા ગુજરાત અને દેશને દિશાદર્શન કર્યું છે - રૂપાણી
તેમણે કહ્યું કે, આજે હું તમને નમન કરવા આવ્યો છું. કારણ કે જસદણે આખા ગુજરાત અને દેશને દિશાદર્શન કર્યું છે. ત્રણ રાજ્યોમાં તાજેતરમાં જ જીતી છે, તેથી તે જીતના મોટા સપના જોતી હતી. વર્ષોથી કોંગ્રેસ હારનો માર ખાતી ખાતી દેશમાં સાફ થઈ ગઈ હતી. ત્રણ રાજ્યોમાં મરતા મરતા જીત્યા. ઘણા સમય બાદ ત્રણ રાજ્યોમાં જીત્યા. ત્યારે જસદણમાં પણ જીતી જઈશું, ગમે તેવા શબ્દો-ભાષા કહીને ગયા હતા. જસદણની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો. ઉમેદવારના વિસ્તારમાં પણ લીડ છે. પાટીદાર સમાજ, કોળી અને માલધારી સમાજમાં પણ લીડ છે. જસદણ સિટીમાં સવર્ણો પણ ભાજપ સાથે રહ્યા છે. 2019માં બરાબર તાલી ઠોકીને આ સિદ્ધીઓને અહીથી ભગાડવાના છે. પંજાબમાં એને કોઈ ભોજિયોભાઈ ભાવ પૂછતો. એનો મુખ્યમંત્રી એની સાથે ફરતો નથી, અને અહી સૂફીયાનો વાતો કરે છે. 

ભરત બોઘરાએ જનતાનો આભાર માની વાત વાતમાં ઠોકો તાલી...ઠોકો તાલી...બોલી કોંગ્રેસના નવજોત સિદ્ધુને આડકતરો જવાબ આપ્યો હતો. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણી પણ આ જીતને વધાવવા આવી પહોંચ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More