Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન, ઉનાળુ પાક ધોવાયો

રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. રવિવારે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ભાવનગરમાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો પાક વરસાદને કારણો ધોવાઈ ગયો છે. 

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન, ઉનાળુ પાક ધોવાયો

નવનીત દલવાડી, ભાવનગરઃ હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખેડૂતો તૈયાર થયેલા ઉનાળુ પાકને લણવા તૈયારી કરી રહ્યા હતા, ત્યાં અચાનક વરસી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો હતો.

ભાવનગર જિલ્લો છેલ્લા એક માસથી કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યો છે. ત્યાં ગઈકાલે ફરી હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, તેમજ સિહોર, વલભીપુર, ઘોઘા અને ભાવનગર તાલુકાના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિહોર પંથક અને ભાવનગર તાલુકાના ખોખરા, વાળુકડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જુવાર, બાજરી સહિતનો પાક પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃ હવે અમદાવાદના વટવામાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાહેર થયો નવો કાર્યક્રમ

હાલ ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે અને થોડા દિવસો બાદ ચોમાસાની પણ શરૂઆત થઈ જશે. ત્યારે હવે ખેડૂતો ઉનાળુ વાવેતર કરેલા અને હાલ તૈયાર થયેલા બાજરી, જુવાર સહિતના પાક ઉતારી રહ્યા છે, પરંતુ અચાનક વરસી પડતો કમોસમી વરસાદ ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યો છે. વાળુકડ ગામમાં ભાગ્યા તરીકે વાવેતર કરતા પ્રકાશભાઈ વેગડએ 7 વીઘા જમીનમાં બાજરી નું વાવેતર કર્યું હતું, બાજરી કાપીને ખળામાં લેવા તૈયારી કરી હતી. મજૂરો કાપેલી બાજરી ઉપાડી રહ્યા હતા ત્યાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો બાજરીનો પાક બચાવવામાં નિષ્ફળ જતાં મોટા ભાગનો તૈયાર પાક પલળી જતા નુકશાન થયું હતું. હાલ જે બચી જવા પામેલી બાજરીના પાકને ખેડૂતો બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે સાથે ખેત પાકમાં થયેલા નુકશાનના પગલે વળતર મળે એવી આશા સેવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહીના પગલે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદ તૂટી પડ્યો હતો, ખેડૂતો પાક ઉતારવાની તૈયારીમાં જ હતા ત્યાં ધોધમાર વરસાદ ખાબકતા જુવાર, બાજરી સહિતનો પાક પલળી જવા પામ્યો હતો જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More