Home> Gujarat
Advertisement
Prev
Next

હવે, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ અને ધીરૂભાઈ સરવૈયાએ પણ એવોર્ડ કર્યો પરત

અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલો 'રત્નાકર' એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે એવોર્ડ પરત આપતા કહ્યું કે, સાધુ-સંતોનું કામ સમાજને જોડવાનું હોય છે. ધર્મનું કામ લોકોને જોડવાનું હોય છે. કલાકારોને કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિનો બાધ હોતો નથી. અમે કલાકારોએ દરેક ધર્મ, સંપ્રદાય માટે કાર્યક્રમ કર્યા છે અને અમે કોઈ ભેદભાવ રાખતા નથી.

હવે, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ અને ધીરૂભાઈ સરવૈયાએ પણ એવોર્ડ કર્યો પરત

રાજકોટ: મોરારી બાપુ (Morari Bapu)  અને સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan Sact) વિવાદમાં કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, માયાભાઇ આહિર વગેરે કલાકારો દ્વારા એવોર્ડ(Award) પરત આપી દેવાયા બાદ હવે લોકસંગીતના કલાકાર હેમંત ચૌહાણ, બિહારી હેમુ ગઢવી અને હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ પણ તેમને મળેલો 'રત્નાકર એવોર્ડ' પરત કર્યો છે. આ સાથે જ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલા નિવેદન અંગે દુખ પણ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા પોતાનો એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ કરીને એવોર્ડ પરત આપવા અંગે સવિસ્તાર જણાવ્યું હતું. 

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનથી કલાકારોમાં રોષ
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસ્વરૂપ સ્વામીએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકસંગીતના કલાકારો દારૂ પીને કાર્યક્રમ કરે છે. આ નિવેદનથી સૌરાષ્ટ્રભરના કલાકારોમાં રોષ વ્યાપી ગયો હતો. સ્વામીનારાયણ સંતના નિવેદનના વિરોધમાં કલાકારોએ આ સંપ્રદાય દ્વારા તેમને આપવામાં આવેલા એવોર્ડ પરત આપવાનું શરૂ કર્યું હતું.

કોણે-કોણે એવોર્ડ પરત આપ્યો
ઓસમાણ મીર, હેમંત ચૌહાણ, માયાભાઇ આહિર, જય વસાવડા, અંકિત ત્રિવેદી, દેવરાજભાઇ ગઢવી, બિહારી હેમુ ગઢવી, પ્રણવભાઇ પંડ્યા, સાંઇરામ દવે, કિર્તીદાનભાઇ ગઢવી,  ભિખુદાનભાઇ ગઢવી, જીજ્ઞેશભાઇ કવિરાજ, હરેશદાનભાઇ,  લક્ષ્મણભાઇ બારોટ, અનુભા ગઢવી અને કવિ દાદ બાપુ.

કિર્તીદાન ગઢવીઃ મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતો વિવાદ પૂરો થઇ ગયો હોવા છતાં ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે, ત્યારે કલાકારો માટે એક હાથ સન્માન કરે છે અને એક હાથે આવા અપમાનજનક શબ્દો કહે છે. એ બિલકુલ મને અને કોઇ પણ કલાકારને સ્વીકાર્ય નથી. જેટલા પ્રેમથી એવોર્ડ આપવામાં આવ્યો હતો તેટલા જ પ્રેમથી એવોર્ડ પરત કરીએ છીએ.

હેમંત ચૌહાણઃ સાધુ એને કહેવાય જેનામાં સમાનતા હોય, જે સૌને જોડે. સ્વામિનારાયણના સંતો સરકારે પ્રતિબંધ કરેલા શબ્દોનો જાહેરમાં ઉપયોગ કર્યો છે. ધર્મ લોકોને જોડે છે. કોઈના વિશે ગમે-તેમ બોલવું તે આપણી પરંપરા નથી. ધર્મનું કામ જોડવાનું હોય છે. પૂજ્ય મોરારી બાપુ અમારા પિતા છે. મોરારીબાપુ વિશે જે કંઈ બોલાશે તે અમે સાંખી લઈશું નહીં. અમે સંપૂર્ણ સન્માન સાથે એવોર્ડ પરત કરીએ છીએ.

ધીરૂભાઈ સરવૈયાઃ પૂજ્ય મોરારીબાપુ ભગવાન નીલકંઠ વિશે જે બોલ્યા તે એક હકીકત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારીબાપુની ટિપ્પણી વિશે જે ઉચ્ચારણ કર્યું છે તેનો હું વિરોધ કરું છું. જેના શબ્દો પર સમાજ ચાલતો હોય તેવા સંતોએ શબ્દોનું ઉચ્ચારણ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ. સન્માન કરનાર સંપ્રદાયના સંતો કલાકારો વિસે જ્યારે અભદ્ર ટિપ્પણી કરે તે અત્યંત દુઃખજનક બાબત છે. મને આપેલો રત્નાકર એવોર્ડ વિવેક અને સંપૂર્ણ સન્માન સાથે પરત કરું છું. 

બિહારીદાન ગઢવીઃ આજનું જગત મીડિયાના માહોલથી ઘેરાયેલું છે. મીડિયાનો જ્યાં-જ્યાં સારો ઉપયોગ થવો જોઈએ તે થાય છે. મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવી, કોઈ જ્ઞાતિ વિશે ખરાબ બોલવું તેના કારણે વિવાદ વકર્યો છે. પૂજ્ય મોરારીબાપુ અમારા કલાકારોને વડલો છે. જે સંસ્થાએ કલાકારોની કદર કરીને તેમને એવોર્ડ આપ્યો હોય, તે જ સંસ્થાના સંતો જ્યારે કલાકારો વિશે ખરાબ ટિપ્પણી કરે ત્યારે કલાકારોની લાગણીને ઠેસ પહોંચી છે. આ કારણે જ અમે કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો રત્નાકર એવોર્ડ પરત આપ્યો છે. 

રત્નાકર એવોર્ડ અર્પણ કરનારનું શું કહેવું છે?
લોકસાહિત્યકાર હરદેવ આહિરે જણાવ્યું કે, 6 વર્ષથી એવોર્ડ અર્પણ કરતા હતા. આ એવોર્ડ હું જ અલગ અલગ ક્ષેત્રે નામના ધરાવતા લોકોને આપતો હતો. આ એવોર્ડ તમામ કલાકાર મને આપી ગયા છે. સરધાર સ્વામિનારાયણ મંદિરે આ તમામના એવોર્ડ અને ધનરાશિ હું પરત આપવાનો છું. આગામી દિવસમાં આ એવોર્ડને અંગેના નિર્ણય બાબતે મીડિયાને જણાવીશું. 

જુઓ LIVE TV...

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More