Home> Gujarat
Advertisement
Prev
Next

જસદણ પેટાચૂંટણી: બાવળીયા સામે હાર્દિકનો જાદુ પણ સાવ ફિક્કો, જ્યાં પ્રચાર કર્યો ત્યાં BJP જીત્યું

જસદણ પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું અને ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને માત આપતા ગઢ સર કર્યો. 

જસદણ પેટાચૂંટણી: બાવળીયા સામે હાર્દિકનો જાદુ પણ સાવ ફિક્કો, જ્યાં પ્રચાર કર્યો ત્યાં BJP જીત્યું

અમદાવાદ: જસદણ પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું અને ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને માત આપતા ગઢ સર કર્યો. કુંવરજી બાવળિયાએ 19 હજાર કરતા વધુ મતોથી અવસર નાકિયાને હરાવીને જસદણમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ગુરુવારે યોજાયેલા મતદાનમાં અવસર નાકિયાને તેના રાજકીય ગુરુએ માત આપી છે. આ સાથે જ ભાજપે વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો પાર કર્યો છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને પક્ષો દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચારમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. હાર્દિકે કોંગ્રેસના અવસર નાકિયાના પ્રચાર માટે રૂપાવટી ગામે સભા સંબોધી હતી. આ ગામના પરિણામમાં પણ ભાજપને લીડ મળી છે. રૂપાવટીમાં અવસર નાકિયાને માત્ર 251 અને કુંવરજી બાવળીયાને 667 મતો મળ્યાં. 

પેટાચૂંટણીના પરિણામમાં કુંવરજી બાવળીયાને 90,262 મતો મળ્યાં અને કોંગ્રેસના અવસર નાકિયાને 70,283 મતો મળ્યાં. આ ઉપરાંત આ વખતે નોટાનું પણ પ્રભુત્વ જોવા મળ્યું. 2146 લોકોએ કોઈ પણ ઉમેદવારને પસંદ કર્યો નહીં. કુલ 1,65,325 મતો પડ્યા હતાં. કુલ 19 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. શરૂઆતથી જ ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયા પર પ્રભુત્વ મેળવી લીધુ હતું. કુંવરજી બાવળીયાએ છઠ્ઠીવાર જસદણની જંગ જીતી લીધી છે. 

જો કે આ અગાઉ તેઓ પાંચવાર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યા હતાં. આ રીતે જસદણ કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો. પરંતુ આ વખતે કુંવરજી બાવળીયા ભાજપની ટિકિટ પરથી લડ્યાં અને જંગી બહુમતીથી જીત્યાં. આમ ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી નાખ્યાં. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More