Home> Gujarat
Advertisement
Prev
Next

હાર્દિકના આમરણાંત ઉપવાસની શરૂઆત, ઉપવાસ પર બેસતાં પહેલાં સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો વાયરલ

હાર્દિક પટેલને ઉપવાસ કરવાનો છે ત્યારે તેને સમર્થન આપવા માટે રાજ્યભરમમાંથી પાટીદારો ઉમટી રહ્યાં છે. 

હાર્દિકના આમરણાંત ઉપવાસની શરૂઆત, ઉપવાસ પર બેસતાં પહેલાં સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો વાયરલ

અમદાવાદઃ હાર્દિક પટેલે બપોરે ત્રણ કલાકે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. હાર્દિકે ઉપવાસ પર બેસતાં પહેલાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં લખ્યું છે, "પ્લીઝ હેલ્પ,ગુજરાતમાં અંગ્રેજ હુકુમત રાજ કરી રહી છે. ખેડૂતોની દેવામાફી અને અનામત માટે મારા ઉપવાસ". હાર્દિકે તેના નિવાસસ્થાને જ ઉપવાસ પર બેઠો છે. 

હાર્દિકના ઘરની આસપાસ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. મુસ્લિમ સમાજ પણ હાર્દિકને સમર્થન આપવા માટે હાર્દિકના નિવાસસ્થાને પહોંચી ગયો હતો. હાર્દિકને સમર્થન આપવા માટે જઈ રહેલા પાસના નેતા દિનેશ બાભણિયાની પોલીસે હાર્દિકના ઘરે પહોંચે તે પહેલા રસ્તામાંથી જ ધરપકડ કરી લીધી હતી. 

મોડી સાંજે હાર્દિકના ઘરની સામે જ રસ્તા ઉપર એક મુકેશ સોલંકી નામનો યુવાન હાર્દિકનો વિરોધ કરવા શર્ટ ઉતારીને રસ્તા વચ્ચે બેસી ગયો હતો. તેણે જણાવ્યું કે, હાર્દિક ઉપવાસનું ખોટું નાટક કરી રહ્યો છે. તહેવારના દિવસોમાં લોકોને હેરાન કરનારા હાર્દિકનો લોકોએ વિરોધ કરવો જોઈએ. 

હાર્દિકને મળવા માટે પહોંચેલા જીજ્ઞેશ મેવાણી સરકાર સમક્ષ રાજ્યમાં સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરના નામની હોસ્પિટલ બનાવવાની માગણી કરી હતી. જીજ્ઞેશ અને હાર્દિકે સંયુક્ત રીતે જણાવ્યું કે, સરકાર જ્યારે સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પાછળ 125 કરોડ ખર્ચી રહી છે ત્યારે સરકારે હોસ્પિટલ માટે પણ 125 કરોડ ફાળવવા જોઈએ.

હાર્દિકને સમર્થન આપવા કોંગ્રેસના નેતા કિરિટ પટેલ, શશિકાંત પટેલ, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, ધારાસભ્ય બદરૂદ્દીન શેખ સહિત અન્ય નેતાઓએ મુલાકાત લીધી હતી. 

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને હાર્દિકને સમર્થન આપતા જણાવ્યું કે, આંદોલન અઢારેય વર્ણનો અધિકાર છે. અંગ્રોજોની ગુલામીમાંથી અહિંસાના પથ પર અઢારેય વર્ણનો આંદોલનનો અધિકાર છે. 

હાર્દિક સાથે ઉપવાસ પર બેસેલા સમર્થકોએ 'જય સરદાર, જય પાટીદાર' અને 'ઈન્કલાબ ઝિંદાબાદ'ની ટોપીઓ પહેરેલી છે.

fallbacks

આ સાથે જ હાર્દિકની છાવણીમાંથી એવો મેસેજ પણ વહેતો કરાયો છે કે, જે લોકો જ્યાં હોય ત્યાં તેને સમર્થન આપવા માટે ઉપવાસ પર બેસી જાય. જો માર્ગમાં અટકાવવામાં આવે તો કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. 
 

ઉપવાસ આંદોલન શરૂ કરતા પહેલા હાર્દિક પટેલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેણે કહ્યું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. તેણે કહ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. રાજ્યભરમાંથી 16 હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જે લોકો અમદાવાદ આવવા ઈચ્છે છે તેને પણ પોલીસ રોકી રહી છે. હાર્દિકે કહ્યું કે, લોકો સમર્થન આપવા માટે ગામડે ગામડે ઉપવાસ કરે. આ સાથે તેણે શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. 

હાર્દિકે કહ્યું કે, મારા ઘરે આવતા ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા હતા. ગમે તે થાય હું 3 વાગ્યે મારા ઉપવાસ શરૂ કરીશ. પોલીસે ગઈકાલથી જ અમારા સમર્થકોની અટકાયત કરવાની શરુ કરી દીધું છે. કોઇપણ જગ્યાએ અમને ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. 

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે આમરણાંત ઉપવાસ કરવાનો છે. તે પોતાના ભાડાના મકાનમાં ઉપવાસ કરવાનો છે ત્યારે તેના નિવાસ્થાને પાટીદારો પહોંચી ગયા છે. તો બીજીતરફ હાર્દિકને સમર્થન આપતા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ તેને સમર્થન આપવા માટે પહોંચી ગયો છે. હજુ સુધી પોલીસે તેને ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી. તેમ છતા હાર્દિકે કહ્યું કે, મંજૂરી મળે કે ન મળે હું ઉપવાસ કરવાનો જ છું. 

હાર્દિક પટેલને ઉપવાસ કરવાનો છે ત્યારે તેને સમર્થન આપવા માટે રાજ્યભરમમાંથી પાટીદારો ઉમટી રહ્યાં છે. હાર્દિકના નિવાસ્થાને જતા લોકોના પોલીસ પહેલા તમામ ડોક્યુમેન્ટો તપાસે છે પછી તેને અંદર જવા દેવામાં આવે છે. તો બીજીતરપ પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. 

રાજ્યભરમાં કલમ 144 લાગૂ
રાજ્યમાં પાસ આંદોલનને લઈને કોઇપણ જગ્યાએ શાંતિ જોખમાઇ નહીં તે માટે તમામ જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કેટલાક જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો જે વિસ્તારમાં પાટીદારો વધારે છે તે જગ્યાએ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

હાર્દિકના ઉપવાસને લઈને પાસે પોતાનું ટાઇમ ટેબલ જાહેર કર્યું 
25 ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલનના ત્રણ વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદમાં આવેલા તેના નિવાસ્થાને ઉપવાસ આંદોલન કરવાનો છે. ત્યારે આ આંદોલનમાં કોણ કોણ જોડાશે તેનું શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, યુપી અને હરિયાણાના સરર્ણો પણ 28મી ઓગસ્ટે હાજર રહેશે. આ સાથે તમામ પાટીદારોને પણ ઉપવાસમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. 

શું છે હાર્દિકના ઉપવાસનો કાર્યક્રમ
25 ઓગસ્ટ- સમગ્ર ગુજરાત માંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

26 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.

27 ઓગસ્ટ- માણાવદર , જામજોધપુર , ભેંસાણ , વિસાવદર , કેશોદ , લાલપુર , કાલાવડ , ધ્રોલ , જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે

28 ઓગસ્ટ- મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર , વડાલી , ઇડર , તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.

29 ઓગસ્ટ- ટંકારા , મોરબી , માળિયા , પડધરી , હળવદ , વાંકાનેર , લોધિકા , કોટડા-સાંગાણી , જસદણ , ગોંડલ , જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

30 ઓગસ્ટ- જુનાગઢ , સોમનાથ , ગીર ગઢડા , ભાયાવદર , પાનેલી , વંથલી , માળીયા , મેંદરડા , તાલાલા , બાબરા , લાઢી , સાવરકુંડલા , બગસરા , ધારી , ખાંભા , લીલીયા , અમરેલી , રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.

31 ઓગસ્ટ- ભાવનગર , ઘોઘા , સિહોર , ગારિયાધાર , પાલિતાણા , સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

01 સપ્ટેમ્બર - બહુચરાજી , લખતર , ધોળકા , બાવળા , સાણંદ , માણસા , ગોઝારીયા , વિસનગર , સતલાસણા , વિજાપુર , કલોલ , ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.

02 સપ્ટેમ્બર - અમદાવાદ , માંડલ , દેત્રોજ , વિરમગામ , દસક્રોઈ , પાટડી , વઢવાણ , મુળી , ચોટીલા , સાયલા , ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.

03 સપ્ટેમ્બર - સિદ્ધપુર , પાટણ , પાલનપુર , રાપર , ભુજ , નખત્રાણા , ગાંધીધામ , કડી , વડનગર , મહેસાણા , તેનપુર , બાયડ , માલપુર , મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

04 સપ્ટેમ્બર - કુતિયાણા , જુનાગઢ , બોટાદ , ગઢડા , વલભીપુર , ઉમરાળા , લુણાવાડા , શહેરા , ગોધરા , હાલોલ , કાલોલ , કડાણા , ખાનપુર , સંખેડા , ડભોઈ , કરજણ , પાદરા , સિનોર , વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

05 સપ્ટેમ્બર - કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

06 સપ્ટેમ્બર - ભરૂચ , જબુસર , આમોદ , ઝઘડિયા , નવસારી , વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે.

મોરબી જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઉપવાસ
હાર્દિક પટેલ અમદાવાદમાં ઉપવાસ કરશે ત્યારે મોરબી જિલ્લાના બે પાસ આગેવાનો નીલેશ એરવાડીયા અને પ્રકાશ સવસાણીએ પણ પોલીસ સ્ટેશનમાં ઉપવાસ શરૂ કર્યા છે. 

રાજકોટમાં કલમ 144 લાગૂ
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ મામલે રાજકોટ SPએ કલમ 144 અંતર્ગત એક જાહેરનામું બહાર પાડયું છે. જે જાહેરનામું 25થી 27 ઓગષ્ટ સુધીનું બહાર પાડવામાં આવ્યું છે.  જાહેરનામા અંતર્ગત 4થી વધુ વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ જાહેરમાં સભા, રેલી કે જાહેર સભા યોજવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More