Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના વાયરસ: ચીનથી ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લવાશે, કંટ્રોલ રૂમ કાર્યરત

જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે

કોરોના વાયરસ: ચીનથી ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લવાશે, કંટ્રોલ રૂમ કાર્યરત

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 
 
જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે. આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટર ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદાર ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે. 
 
કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના વિજય રૂપાણીએ મુખ્ય સચિવને આપી છે. આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું  સંકલન હાથ ધરવામાં આવશે. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાયે જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More