Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં દશેરાએ કેમ ઉડાવાય છે પતંગ? જાણો વિજયાદશમી પર ઉત્તરાયણની ઉજવણીનું કારણ

Vijayadashami 2022: ગુજરાતમાં એક એવું શહેર છે જ્યાં અનોખી રીતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મકર સંક્રાતિ પર પતંગ ઉડાવતા હોય છે. પણ આ વિસ્તારમાં વર્ષોથી લોકો દશેરાના દિવસે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરે છે.

ગુજરાતમાં અહીં દશેરાએ કેમ ઉડાવાય છે પતંગ? જાણો વિજયાદશમી પર ઉત્તરાયણની ઉજવણીનું કારણ

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ સામાન્ય રીતે નવરાત્રિ બાદ આવતા દશેરાનો પર્વ એ વિજયોત્સવ એટલેકે, વિજ્યાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વ એટલે અસત્ય પર સત્યની જીતનો પર્વ છે. આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. જોકે, ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે પતંગ ચગાવીને ઉત્તરાયણ મનાવવામાં આવે છે. જાણીને ચોંકી ગયાને...પણ આ હકીકત છે. એની પાછળ ખુબ મોટું કારણ પણ છે. ઉત્તરાયણના બદલે અહીંના લોકો દશેરાના દિવસે કેમ ચગાવે છે પતંગ એ રોચક કથા જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે ગુજરાતના પાટણ જિલ્લાની. પાટણ જિલ્લામાં આવેલાં સિદ્ધપુર પંથકમાં અનોખી રીતે તહેવારની ઉજવણી કરાય છે. સિદ્ધપુર પંથકના લોકો વર્ષોથી દશેરાના દિવસે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. હવે આ લોકો આવું કેમ કરે છે તેની પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે. 

એક લોક વાયકા પ્રમાણે પાટણ જિલ્લાના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના દિવસે મૃત્યુ થયું હતું. પોતાના રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનના શોક નિમિત્તે આજે પણ પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતી એટલેકે ઉતરાયણ ના દિવસે પતંગ ચકાવવામાં નથી આવતા. આ ઉત્તરાયણ પર સિદ્ધપુરમાં સામાન્ય રીતે પોતાના રાજાના નિધનનો શોક પાળવામાં આવે છે. તેથી જ તેના બદલે સિધ્ધપુર વાસીઓ દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે. આજના દિવસે લોકો પોત પોતાના ધાબા અગાસીઓ પર ચઢીને પતંગનાં પેચ લડાવે છે અને એ કાપ્યો લપેટની બુમો પાડતા નજરે પડે છે.

સિદ્ધપુરમાં શહેરીજનો દરેક ધાર્મિક પર્વ અને ઉત્સવને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતાં હોય છે. સિદ્ધપુરમાં મનાવવામાં આવતા કેટલાક પર્વ અલગ તરી આવે છે. સમગ્ર ગુજરાતમાં પતંગ મહોત્સવ મુખ્યત્વે ઉત્તરાયણના દિવસે જોવા મળે છે. પરંતુ સિદ્ધપુરવાસીઓ પરંપરા પ્રમાણે ઉતરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવી દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે.
 

જોકે નવાઇની વાત તો એ છે કે થોડા વર્ષો પહેલા ઉતરાયણ ના દિવસે પાટણમાં પણ પતંગ ચગાવવામાં નહોતા આવતા અને આ દિવસે શોક રાખવામાં આવતો હતો. પરંતુ પાટણ વાસીઓ આ પરંમપરાને ભૂલીને ઉતરાયણના દિવસે પતંગ ચકાવતા થયા છે જોકે સિધ્ધપુરમાં ઉતરાયણ ના દિવસે પતંગ ના ચકાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. જેના બદલે સિદ્ધપુર વાસીઓ હર્ષોઉલ્લાસ સાથે દશેરાના દિવશે પતંગ ચકાવીને ઉતરાયણની મઝા માણછે અને આજે પણ આ પરંપરા સિદ્ધપુર માં અકબંધ જોવા મળે છે. સાથે આજ ના દિવસે દશેરા અને ઉતરાયણ એમ બે દિવસ ની લોકો મજા માણે છે અને ધાબા પર ફાફડા, જલેબી ખાઈ ઉજવણી કરે છે. દશેરાના પતંગોત્સવમાં શહેરમાં ત્રણ લાખનો કારોબાર થયાનો અંદાજ વેપારીઓએ લગાવ્યો હતો. લોકોએ દિવસે પતંગ અને રાત્રે ટુક્કલો ચગાવી હતી.

સિદ્વપુરમાં શહેરીજનો દશેરાએ પતંગ ચગાવવાનો લ્હાવો લૂંટ્યો હતો. વહેલી સવારથી પતંગરસિયા યુવાનો પેચ લડાવવા ધાબા ઉપર ચડી ગયા હતા. સાથે ફાફડા-જલેબીની જયાફત પણ માણી હતી. આમ, આજે દશેરાના દિવસે સિદ્ધપુરવાસીઓએ પતંગ ચગાવીને સાથે ફાફડા-જલેબી ખાઈને એક સાથે દશેરા અને ઉત્તરાયણ બે તહેવારોની ઉજવણી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More